Entertainment

આમિર ખાનના દીકરાની ફિલ્મ ‘મહારાજ’ પરનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે હટાવ્યો, શું છે મૂવીની સ્ટોરી, જાણો..

અમદાવાદ: બોલિવુડના સુપર સ્ટાર આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ પર લાગેલા સ્ટે અંગે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લાં ત્રણ દિવસથી સુનાવણી ચાલી રહી હતી. બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ આજે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે.

આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરનો સ્ટે હટાવી દીધો છે. હાઈકોર્ટે લગભગ 1.25 કલાક સુધી જ્જમેન્ટ ડિક્ટેટ કર્યું હતું. જ્જમેન્ટ આપતા પહેલાં હાઈકોર્ટે આખી ફિલ્મ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ હાઈકોર્ટે નોંધ્યું કે, ફિલ્મમાં કોઈ નેગેટિવીટી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓને દુભાવનારી નથી. હાઈકોર્ટે આ સાથે વચગાળાનો સ્ટે દૂર કર્યો હતો. આ સાથે જ નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મસ હવે મહારાજ ફિલ્મને રિલિઝ કરી શકશે.

મહારાજ ફિલ્મ પર વિવાદ કેમ થયો?
આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ 1860માં બનેલી સાચી ઘટના પર આધારિત છે. તે સમયે ‘વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો અભૂતપૂર્વ બદનક્ષીનો મુકદ્દમો એટલે ‘મહારાજ લાઇબલ કેસ’. આ કેસ પર ફિલ્મ બની છે. તે જમાનામાં વૈષ્ણવ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીઓનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં પડાવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર પણ કરતા હતા.

કરસનદાસે ધર્મના નામે ચાલતી આ પાખંડલીલા સામે અવાજ ઉઠાવ્યો હતો. સુરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજરત્નજી 1860માં મુંબઈ ગયા હતા અને તેમણે સુરતના કવિ નર્મદ અને કરસનદાસ સહિતના સુધારકોને નાસ્તિક જાહેર કર્યા હતા. તેનાથી વૈમનસ્ય પેદા થયું હતું. કરસનદાસે ત્યારે તેમનો ઇતિહાસપ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ લખ્યો હતા.

આ લેખમાં તેમણે મહારાજોની પાપલીલાઓ જાહેર કરી હતી. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે રૂ. 50 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. એ ‘મહારાજ લાઇબલ કેસ’ તરીકે જાણીતો થયો હતો. આ કેસ પર યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મ બનાવવામાં આવી છે, તે ફિલ્મ ધાર્મિક લાગણી દુભાવતી હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં કેસ દાખલ થયો હતો. તેથી કોર્ટે ફિલ્મ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો, જે આજે હટાવી લેવાયો છે.

Most Popular

To Top