હમણાં બે દિવસ પહેલાં ગુજ.મિત્રમાં સમાચાર વાંચ્યા કે ગુજરાત સરકારની આર્થિક સહાયને કારણે છેલ્લાં સાત વર્ષમાં હજારો કન્યાઓ એમ.બી.બી.એસ. નો અભ્યાસ પૂર્ણ કરી તબીબ બની છે. ખૂબ જ સ્તુત્ય અને ધન્યવાદને પાત્ર સરકારનું કાર્ય કહેવાય. ગુજરાત સરકાર પોતાની આ સ્તુત્ય યોજના ગ્રામ્ય અને આદિવાસી દીકરીઓ જેમને ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યુશન મળતાં નથી, તેમને તે ખર્ચ પોષાતો પણ નથી. પરિણામે આ દીકરીઓને એમ.બી.બી.એસ. કરવા માટે પ્રવેશ મેળવવો શક્ય નથી હોતો અને ઘણી દીકરીઓને તો અનામત કવોટામાં પણ પ્રવેશ નથી મળતો.
પરિણામે આ દીકરીઓ આયુર્વેદિક કે હોમિયોપેથિકની ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવવો પડે છે, જ્યાં શિક્ષણ ફી અને હોસ્ટેલનો ખર્ચ તેમને પોષાતો નથી. આવી દીકરીઓ માટે ખાનગી રાહે દાતાઓને સંપર્ક કરી મદદ માંગવી પડે છે અને જ્યારે કોઈ વર્ષની ફી માટે કોઈ દાતા ના મળે ત્યારે આવી દીકરીઓએ વચ્ચેથી જ તેમનો અભ્યાસ છોડવો પડે છે. આથી આ દીકરીઓ ખૂબ પરેશાન થાય છે. તાજેતરમાં ડાંગ જિલ્લાની એક દીકરીને શહેરના એક સેવાભાવી ડોક્ટરે થોડી મદદ કરી અને હજી એનાં બાકીનાં વર્ષો માટે પ્રશ્ન ઊભો જ છે. આ માટે જો સરકાર આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં ભણતી આવી દીકરીઓને જો થોડી પણ મદદ કરે તો સરકાર અને સમાજની મદદથી આ દીકરીઓ તબીબી ક્ષેત્રે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે અને આ બન્ને ક્ષેત્રોમાં પણ તબીબો મળે અને પરિણામે આખરે સમાજને જ ફાયદો થાય. આશા છે કે સરકાર જરૂર યોગ્ય કરશે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.