ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો તા. ૩ નવેમ્બરના જાહેર કરવામાં આવી તેના લગભગ ત્રણ સપ્તાહ પહેલાં તા. ૧૪ ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની તારીખો જાહેર કરવામાં આવી હતી. ૧૪ ઓક્ટોબરે દિલ્હીમાં ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ વખતે અટકળો ચાલી રહી હતી કે તેમાં હિમાચલ પ્રદેશ ઉપરાંત ગુજરાતની તારીખો પણ જાહેર કરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં તા. ૧૨ નવેમ્બરે મતદાનની અને તા. ૮ ડિસેમ્બરે મતગણતરીની જાહેરાત કરવામાં આવી હતી, પણ ગુજરાતની જાહેરાત કરવામાં આવી નહોતી. હવે ગુજરાતની ચૂંટણી તા.૧-૫ ડિસેમ્બરના જાહેર કરવામાં આવી છે અને મતગણતરી ૮ ડિસેમ્બરે જ રાખવામાં આવી છે, ત્યારે સવાલ એ થાય છે કે જો હિમાચલ પ્રદેશ અને ગુજરાતની મતગણતરી ૮ ડિસેમ્બરે જ રાખવામાં આવી છે તેમ ચૂંટણી પણ એક દિવસે ન રાખી શકાય? તેનો જવાબ એ હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી સરકારી યોજનાઓનું લોકાર્પણ કરવાનું બાકી હોવાથી ગુજરાતની ચૂંટણીની જાહેરાત લંબાવવામાં આવી હતી. વિપક્ષો દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવે છે કે ચૂંટણી પંચ સ્વાયત્ત નથી પણ ભાજપનું કહ્યાગરું છે, તેનો વધુ એક પુરાવો ચૂંટણી પંચે પૂરો પાડ્યો છે.
ગુજરાતની ચૂંટણીઓ દાયકાઓથી દ્વિપક્ષી હોય છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી સતત ભાજપની સરકાર રચાતી રહી છે, પણ કોંગ્રેસે પણ પોતાનું જોર બતાડવાનું ચાલુ રાખ્યું છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી પણ કોંગ્રેસે ૭૭ બેઠકો સાથે તેને જોરદાર લડાઈ આપી હતી. જો કે પક્ષપલટાને કારણે વર્તમાન વિધાનસભામાં ભાજપના ૧૧૧ અને કોંગ્રેસના ૬૨ સભ્યો છે. તેમ છતાં કોંગ્રેસ વધુ એક વખત જોરદાર લડત આપવાનો વિશ્વાસ ધરાવે છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી જંગ ત્રિપાંખિયા બની ગયો છે. જો આમ આદમી પાર્ટી કોંગ્રેસની બેઠકો ઝૂંટવી લેશે તો ભાજપનું કામ આસાન બની શકે છે, પણ ન ધારેલું પણ બની શકે છે.
ગુજરાત રાજ્યની રચના ૧૯૬૦માં થઈ ત્યારથી ૧૯૯૦ સુધી ગુજરાતના રાજકારણ પર કોંગ્રેસનું વર્ચસ્ રહ્યું હતું. ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૨ની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થયો ત્યારે ભાજપનો જન્મ પણ થયો નહોતો. કોંગ્રેસે ઘનશ્યામ ઓઝાને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા, પણ તેમને હટાવીને ચીમનભાઈ પટેલ ૧૯૭૩ના જુલાઈમાં મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમના રાજમાં ભ્રષ્ટાચાર વધી જવાને કારણે નવનિર્માણનું આંદોલન થયું હતું. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રપતિનું શાસન જાહેર કર્યું હતું. ચીમનભાઈ પટેલની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમણે પોતાનો કિસાન મઝદૂર લોક પક્ષ (કિમલોપ) રચ્યો હતો. ૧૯૭૫માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં જનતા મોરચો અને જનસંઘ સાથે મળીને કોંગ્રેસ સામે લડ્યા હતા. કોંગ્રેસેની હાર થઈ હતી.
ચીમનભાઈ પટેલના ટેકાથી જનતા મોરચાની સરકાર આવી હતી, જેના મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ બન્યા હતા. થોડા સમયમાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી અને જનતા મોરચાની સરકારને બરતરફ કરીને ગુજરાતમાં ફરી રાષ્ટ્રપતિનું શાસન લાદ્યું હતું.
૧૯૭૭માં કટોકટી ઉઠાવી લેવાઈ તે પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કરવામાં આવી તેમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો અને બાબુભાઈ જશભાઈ પટેલ બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યારે કેન્દ્રમાં મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા હતા. જનતા પાર્ટીની સરકારનો ધબડકો થયો તેના પગલે ૧૯૮૦માં ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેમાં કેન્દ્રમાં તેમ જ ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર બની હતી. માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમણે ‘ખામ’(ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને ફરી મજબૂત બનાવી હતી. માધવસિંહ સોલંકી ૧૯૮૫ સુધી મુખ્ય પ્રધાન રહ્યા હતા. ૧૯૮૫ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો તે પછી અમરસિંહ ચૌધરી મુખ્ય પ્રધાન બન્યા હતા.
૧૯૯૦માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસનો પરાજય થયો હતો અને જનતા દળ-ભાજપના ગઠબંધનનો વિજય થયો હતો. તેના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલ બન્યા હતા. ૬ મહિનામાં તેમણે પક્ષપલટો કર્યો હતો અને તેઓ કોંગ્રેસના ૩૪ વિધાનસભ્યોના ટેકાથી મુખ્ય પ્રધાનના પદ પર ટકી રહ્યા હતા. ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ચીમનભાઈ પટેલનું ૧૯૯૪માં મરણ થયું ત્યાં સુધી તેઓ મુખ્ય પ્રધાનના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૯૫માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી અને કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા હતા.
કેશુભાઈ પટેલ સામે તેમના જ સાથીદાર શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો. ભાજપના ૪૭ બળવાખોર વિધાનસભ્યોને લઇને તેઓ ખજુરાહો જતા રહ્યા હતા. સમજૂતીના ઉમેદવાર તરીકે સુરેશ મહેતાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા કટ્ટર હરીફો હતા. નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને મુખ્ય પ્રધાન બનવામાં ટેકો આપ્યો હતો, પણ શંકરસિંહ વાઘેલા પોતે મુખ્ય પ્રધાન બનવા માગતા હતા. કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું તે પછી નરેન્દ્ર મોદીને ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ ૧૯૯૬માં ભાજપ છોડીને પોતાનો પક્ષ સ્થાપ્યો હતો. તેમણે સુરેશ મહેતાની સરકારને પણ ઉથલાવી પાડી હતી. ૧૯૯૬માં તેઓ કોંગ્રેસના બહારના ટેકાથી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા.
૧૯૯૬માં શંકરસિંહ વાઘેલા સામે પણ બળવો થયો હતો. તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમના આશીર્વાદથી દિલીપ પરીખ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમની સરકાર પણ લાંબી ટકી નહોતી. ૧૯૯૮માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી, જેમાં ભાજપનો ઝળહળતો વિજય થયો હતો અને કેશુભાઈ પટેલ ફરી વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૦૧માં ગુજરાતમાં ભીષણ ભૂકંપ થયો હતો. તેનાં રાહત કાર્યોમાં ગેરવહીવટને કારણે ભાજપની લોકપ્રિયતામાં જબરદસ્ત ઓટ આવી હતી. તેને ખાળવા અચાનક નરેન્દ્ર મોદીને ગુજરાતના નાથ બનાવવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં ગોધરા કાંડ થયો હતો અને કોમી રમખાણો થયાં હતાં. કોમી રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદી હિન્દુઓના તારણહાર બનીને બહાર આવ્યા હતા. ૨૦૦૨માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં ભારે બહુમતી સાથે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા.
૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા તે સાથે તેમના વિશ્વાસુ આનંદીબહેન પટેલને ગુજરાતની ગાદી સોંપવામાં આવી હતી. બે વર્ષમાં તેમના ગેરવહીવટને કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પાડીને ૨૦૧૬માં વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો તે પછી વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં પાટીદારોને રાજી કરવા માટે વિજય રૂપાણીની આખી કેબિનેટને ઘરે બેસાડવામાં આવી હતી અને ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેની પાછળની મુખ્ય ગણતરી પાટીદારોમાં આમ આદમી પાર્ટીના વધતા જતા પ્રભાવને ખાળવાની હતી. આ ચૂંટણીમાં ‘આપ’ભાજપ માટે મુખ્ય પડકાર બની રહેશે.