આણંદ : આણંદ શહેરની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ફરજ દરમિયાન સિક્યુરીટી ગાર્ડે પોતાના નાણાની લેતી દેતી બાબતે યુવકને ગોળી ધરબી દેવાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. જોકે, યુવક સાથેના વ્યક્તિ અને પોલીસ જવાને જીવ જોખમમાં મુકી સિક્યુરીટી ગાર્ડને બીજી ગોળી છોડે તે પહેલા દબોચી લેવામાં આવ્યો હતો. આ અંગે મોડી સાંજ સુધી સિક્યુરીટી ગાર્ડની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આણંદ શહેરના શાસ્ત્રીબાગ પાસે આવેલા બારદાનવાલા કોમ્પ્લેક્સમાં બેન્ક ઓફ બરોડાની શાખા આવેલી છે.
આ બેંક પર સશસ્ત્ર સિક્યુરીટી ગાર્ડ તરીકે રમેશ જગમલ વરૂ (રહે.શિવમ કોમ્પ્લેક્સ, આણંદ) ફરજ બજાવે છે. તેઓ શુક્રવારના રોજ બેંક પર ફરજ પર હતાં, તે સમયે બેંકમાં આવેલા એક યુવક પર 12 બોરમાંથી ફાયરિંગ કરતાં યુવકને ગોળી ખભાના ભાગે આરપાર ઘુસી ગઇ હતી. બેન્કની અંદર જ કરવામાં આવેલા ફાયરિંગથી બેંક કર્મચારી, ખાતેદારો સ્તબ્ધ થઇ ગયાં હતાં. જોકે, રમેશ બીજો રાઉન્ડ ફાયર કરે તે પહેલા યુવક સાથે રહેલા વ્યક્તિ અને પોલીસ જવાને તુરંત તેમને પકડી લીધાં હતાં અને તેમની રિવોલ્વર છિનવી લીધી હતી. આ ઘટનાના પગલે આણંદ શહેર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સિક્યુરીટી ગાર્ડ રમેશ વરૂ અને ઘવાયેલો યુવકને લાખો રૂપિયાની લેતીદેતી બાબતે ચાલી આવતા માથાકૂટમાં ફાયરિંગ કર્યું હતું.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રમેશ વરૂની પુછપરછ કરતાં તેણે આણંદ શહેરમાં આવેલા સાંઇબાબા મંદિર નજીક રહેતા દીપેન બળદેવભાઈ રબારીના મિત્રને રૂ.75 લાખની રકમ ઉછીની અપાવી હતી. આ વાતને ઘણો સમય થઇ ગયો હતો અને રમેશ દ્વારા વારંવાર ઉઘરાણી કરતાં માત્ર 15 લાખ જ પરત કર્યાં હતાં. બાકીના રૂ.60 લાખને લઇ લાંબા સમયથી માથાકૂટ ચાલી આવતી હતી. દરમિયાનમાં કોઇ બાબતે દીપેન અને તેના કાકા શુક્રવાર બપોરના બેન્કમાં ગયાં હતાં. જ્યાં નાણા મુદ્દે બોલાચાલી થઇ હતી. જેથી રમેશ વરૂએ ફાયરિંગ કર્યું હતું. આ અંગે શહેર પોલીસે મોડી સાંજે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.