આજકાલ દરેક વર્તમાનપત્રમાં અમેરિકા દ્વારા લશ્કરી વિમાનમાં દેશનિકાલ કરેલ ભારતવાસીઓના સમાચાર પ્રગટ થતા રહે છે. ગેરકાયદે પ્રવેશ કરતાં લોકોનો દેશનિકાલ કરવો એમાં કાંઇ ખોટુ નથી પરંતુ અહીં સવાલ એ પેદા થાય છે કે આ બધા લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરી/ઉધાર–ઉછીના લઇ પરદેશમાં સ્થાયી થવાનું કેમ વિચારે છે? આ પરદેશગમનની પ્રક્રિયા ઘણાં વર્ષોથી ચાલે છે પરંતુ વર્ષોવર્ષ થતા સ્થળાંતરના આંકડા જોઇએ તો ખ્યાલ આવે છે કે આ પ્રક્રિયામાં છેલ્લાં થોડાં વર્ષોથી સતત વધારો થતો રહ્યો છે અને સૌથી વધુ સ્થળાંતર દેશના વિકસિત ગણાતાં રાજ્યોમાં અવ્વલ નંબરે આવતાં ગુજરાત અને પંજાબમાંથી થઇ રહ્યું છે. આ પરદેશ ગમનનાં મુખ્ય કારણોમાં આપણા દેશમાં નોકરી–ધંધાની અછત, ખેતીમાં ઘટતી આવક, શિક્ષણનું વ્યાપારીકરણ વિ. મુખ્ય છે.
મીનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના ૨૦૨૩ના રીપોર્ટ મુજબ ૫૪ લાખ ભારતીયો અમેરિકામાં રહેતાં હતાં જે વધીને ૨૦૨૫માં અંદાજે ૫૫ લાખ થયા. આ સિવાય યુ.કે. કેનેડા, યુ.એ.ઇ. જેવા દેશોમાં પણ સ્થળાંતર સતત થઇ રહ્યું છે, જે બતાવે છે કે નોકરી–ધંધાની અછત અને બહેતર જીવનની અપેક્ષા એમને આમ કરવા પ્રેરે છે. એટલું જ નહીં પરંતુ આપણા દેશમાં થતી વિકાસની વાતોમાં એમને શ્રધ્ધા ન હોય એ પણ એક કારણ હોઇ શકે. વર્ષોવર્ષ વધતી જતી બેકારી અને ધંધા–ઉદ્યોગમાં પ્રવર્તતી મંદીને કારણે થતી છટણી પણ લોકોને અન્ય દેશોમાં સ્થળાંતર કરવા પ્રેરે છે. આ સ્થળાંતર સંપૂર્ણપણે રોકી તો ન જ શકાય પરંતુ નોકરી–ધંધાની તકોમાં વધારો આ સ્થળાંતર જરૂર ઓછું કરી લોકોને વિકસિત દેશોમાં સ્થાયી થવા માટે ગેરકાયદેસરના ઉપાયો વિચારતાં પણ ઓછા કરી શકે. લોકોને લોભાવતા વાદાની નહીં પરંતુ વધુ જરૂર છે જમીની હકીકતમાં સુધારા દ્વારા વાસ્તવિક વિકાસની જે એમના જીવનનિર્વાહને બહેતર બનાવી શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
