Business

આજનાં જુવાન હૈયાંઓનું લીલુછમ્મ ‘ઈલ્લુ..ઈલ્લુ’!

આ જગતમાં માનવી માત્ર એક એવી એન્ટિટી છે – અસ્તિત્વ છે જેની પાસે બોલવાની ભાષા છે અને લખવાની લિપિ છે. એ પોતાના મનની વાત બોલીને – લખીને વ્યક્ત કરી શકે છે. એ વાત અલગ છે કે એ પોતાની અભિવ્યક્તિ ક્યા રૂપે-સ્વરૂપે, ક્યા માધ્યમ દ્વારા રજૂ કરે છે. વહી જતા સમયની સાથે એ માધ્યમ પણ ક્રમશ: બદલાતાં રહે છે. અત્યારની વાત કરીએ તો આજના જોગ-સંજોગનો પ્રત્યક્ષ- પરોક્ષ પડઘો એમાં ઝીલાય છે. આજનો માનવી, એમાંય ખાસ કરીને યુવા પેઢીની વિચારણસરણી એમાં ઝલકે છે.

ઉદાહરણ તરીકે, વન નાઈટ સ્ટેન્ડ- પ્રેમ – તલાક – ફીટનેસ – ફેશન – જોબ – સ્ટાર્ટઅપથી લઈને સોશ્યલ મીડિયા અને પર્યાવરણ સુધ્ધાંની વાતમાં એ પેઢી પાછી પાની કરતી નથી. એમની વાત-વિષયમાં કોઈ છોછ નથી. નવીનતા છે-પ્રામાણિકતા છે. હવે તો યુવા પેઢી પાસે નવી ઓળખ-મૈત્રી-પ્રેમના સંદેશની આપ-લે માટે નવી નવી ઍપ્સ આવી ગઈ છે. કોરોના પછીની ઘરબંધીના માહોલમાં આવી બધી ઍપ્સનો વપરાશ ઘણો વધી ગયો છે. આમ છતાં જુવાન હૈયાં માટે જેટલો ગમતીલો વિષય પ્રેમ છે એટલી જ એ પેઢી ગંભીર છે પર્યાવરણ માટે. એમને મન ઍન્વાયર્મેન્ટ એટલે ઍવરીથીંગ – ઘણું બધુ. પ્રદૂષણ પર અંકુશથી લઈને પર્યાવરણની રક્ષા સુધી. જો કે, એમને મન પર્યાવરણ એટલે માત્ર વૃક્ષારોપણ કે વૃક્ષનું જતન જ નહીં. નવી પેઢી ધરતીને વધુ ને વધુ લીલીછમ્મ બનાવવા ઈચ્છે છે.

આજનું આ યંગિસ્તાન ‘ઈલુ ઈલુ’ એટલે કે ‘ આઈ લવ યુ, આઈ લવ યુ’ના ડેટિંગ મેસેજમાં પણ પ્રેમની સાથે પર્યાવરણને પણ લીલુછમ્મ બનાવવાના સંદેશની આપ-લે કરે છે. સભાનતા સાથે થતી આ પ્રવૃત્તિ આજે ‘કલાઈમેટ એક્ટિવિઝમ’ના નામે પણ ઓળખાય છે. આ પ્રકારની કામગીરીમાં અમેરિકાની પેલી કિશોરી ગ્રેેટા થમ્બર્ગનું નામ પણ સંકળાયેલું છે. તમને યાદ હોય તો આ ગ્રેટા એટલે સ્વિડનની એ તરુણી, જેણે અમેરિાકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ પર્યાવરણની નીતિ-રીતિ સામે રીતસરની જબરી ઝુંબેશ ઉપાડી હતી. તરુણ-તરુણીઓમાં આ ગ્રેટા ખાસ્સી લોકપ્રિય છે. એને પગલે ‘ઓકે ક્યુપિડ ’ જેવી બહુ જાણીતી ડેટિંગઍપ પર્યાવરણની રક્ષા કરનારાની ચળવળને ‘થમ્બર્ગીંગ’ ના હુલામણા નામથી ઓળખાવે છે. પર્યાવરણની આ ઝુંબેશને બીજી અનેક જાણીતી ડેટિંગ ઍપ્સ ‘ગ્રીન લવ’ તરીકે પણ ઓળખાવે છે. એ બધી જ ડેટિંગ ઍપની દરેક યુવાનો સાથે પૂર્વ શરત એ જ હોય છે કે તમે ઉન્માદભર્યો રોમાન્સ ભલે કરો પણ એની સાથે શુધ્ધ પર્યાવરણનો ય પ્રચાર ને પ્રસાર કરો!

‘ગ્રીન લવ’ ઝુંબેશમાં આવા મેસેજની નિયમિત આપ-લે થાય છે. જેમ કે: ‘હું પર્યાવરણ શુધ્ધ રહે એ માટે ઈકો-બાઈસિકલ વાપરું છું. મને કારનો વપરાશ પસંદ નથી. તું પણ આવી સાઈકલ વાપરે તો મને વધુ ગમે..!’ આ બીજો મેસેજ પણ જુઓ: ‘તને જો આપણી આ ધરતીને પ્રદૂષણથી ઉગારવામાં રસ ન હોય તો મને પણ તારી સાથે સંબંધ આગળ વધારવામાં જરા પણ રસ નથી!’ આ જ રીતે, કેમિક્લ્સ-રસાયણ રહિત શૅમ્પુ-સાબુ-મેકએપની સામગ્રી વાપરવાની સલાહ પણ પ્રેમી યુગલ એકમેકને આપતાં રહે છે. કેટલાંક યુગલ કૉફી કે પબમાં ડેટ પર જવાને બદલે માત્ર વેગન વાનગીઓ પીરસતી રેસ્ટૉરાંમાં જવુ વધું પસંદ કરે છે. વૃક્ષારોપણની ઝુંબેશની જેમ ઘણાં યુવા યુગલ એકબીજાનાં શહેર કે વિસ્તારમાં એકમેકનાં નામ આપીને અનાથ વૃક્ષને અપનાવીને ઉછેરે પણ છે!

‘આપણે જ ખુદ આ છેલ્લી જનરેશન છીએ, જે સતત પ્રદૂષણ સામે લડીને પૃથ્વીને બચાવી શકે..’ એવું દ્રઢપણે માનતી આજની યુવાપેઢી વાતાવરણને દૂષિત કરતાં મૂળ તત્ત્વો પર અંકુશ મેળવવા પ્રયત્નો પણ કરે છે. વધુ ને વધુ કપાતાં જંગલ અટકે એ સાથે નવાં વૃક્ષારોપણને લીધે વન્યસૃષ્ટિ વધુ લીલીછમ્મ થાય, જેથી એ કુદરતી આફતો સામે આપણું સુરક્ષાચક્ર બની રહે. વૃક્ષોની સાથે વધુ વનસ્પતિ ઉગાડવાના પ્રયાસ સાથે લોકો વધુ સંખ્યામાં વેજિટેરિયન બને અને માંસાહાર ત્યાગી શાકાહાર તરફ વળે એવા પ્રયાસમાં આપણા યુવાનો રહે છે.

કેટલાંક ગ્રુપ – સંસ્થાઓ તો પર્યાવરણના રક્ષણ માટે એક અવનવી ફોર્મ્યુલા લઈ આવ્યાં છે, જે Local-Organic-Vegetarian – Eating અર્થાત LOVEના નામે જાણીતી છે. લોકલ એટલે સ્થાનિક ખોરાક-તાજાં ફ્ળ ખાવ – ઑર્ગેનિક અર્થાત કૃત્રિમ ખાતર વગર તૈયાર કરલી વેજિટેરિયન ખાદ્યસામગ્રી – વાનગી આરોગો. આ ‘લવ’ ફોર્મ્યુલાના ઉપયોગથી પ્રદૂષણ પર અંકુશ મેળવી શકાય છે અને પર્યાવરણનું રક્ષણ પણ શક્ય બને છે. આ સાથે આજની પેઢી એકમેકને સંદેશ પણ આપે છે કે આ પૃથ્વી-ધરતી કંઈ આપણા બાપની જાગીર નથી. આપણા પછીની પેઢીને એ ઓછી દૂષિત અને વધુ સુરક્ષિત આપવાની આપણી નૈતિક ફરજ પણ છે.

Most Popular

To Top