Charchapatra

રાજકપૂરની મહાનતા

શોમેન રાજકપૂરે દ્વારા પુણ્યકાર્યથી  મહાનતા દર્શાવી છે. હિન્દી ફિલ્મોના પ્રારંભિક સમયે કલાકાર માસ્ટર નિસાર તેમની પાછલી જિંદગીમાં કંગાળ થઈ ગયા અને ફિલ્મોમાં નાનકડા પાત્રમાંયે પસંદ થઈ બે ટંકનો રોટલો રળવા વિવશ થઈ ગયા, તેવા સમયે રાજકપૂરની ફિલ્મ ‘‘શ્રી 420’’ફિલ્મના એક ગીત ‘‘મુડ મુડ કે ના દેખ’’નું શુટીંગ ચાલતું હતું, તેમાં કલબ ડાન્સના દૃશ્યમાં સ્થાન મેળવવા માસ્ટર નિસાર પહોંચી ગયા, ત્યારે દિગ્દર્શક રાજકપૂરની નજર જૂના કલાકાર પર પડી ગઈ અને તરત જ તેમણે તે કલાકારને પોતાની પાસે બોલાવી નૃત્ય દૃશ્યમાંથી હટાવીને થોભી જવા જણાવ્યું.

તે પછી તેમની બીજી ફિલ્મ ‘‘બુટ પાલિશ’’ની પટકથામાં થોડાક સુધારા વધારા સાથે એ વિસરાયેલ કલાકારની ભૂમિકા મૂકી, જે મહંમદ રફીના કંઠે ‘‘તુમ્હારે હૈ તુમસે દયા માંગતે હૈં’’જેવું હૃદયસ્પર્શી ગીત બાળકોની ફેરી સાથે ગાતાં બતાવીને રજૂ કર્યું. એ જ રીતે રાજકપૂરની ટીમમાં લેખક કે.એ. અબ્બાસ, ગીતકાર હસરત જયપુરી પણ સદા રહ્યા. તેમની નાયિકા નરગીસ એ ફિલ્મી હસ્તીની મહાનતા આવા જીવનવ્યવહારથી પ્રગટ થતી રહી, જે કદી ના વિસરાય.
સુરત     – યૂસુફ એમ.ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્વાસ્થ્ય સમ્રાટ શિયાળો
ઋતુઓની રાણી ભલે વર્ષા ઋતુ હોય પણ રાજા તો શિયાળો જ ગણી શકાય! સ્ફૂર્તિનો ખજાનો અને સમગ્ર વર્ષ માટે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી એકઠી કરવાની ઋતુ એટલે શિયાળો. પાચનશક્તિ તીવ્ર અને એટલે પચવામાં ભારે ખોરાક પણ શ્રેષ્ઠ રીતે પચી જાય. વસાણા આરોગવાનું મહત્ત્વ શિયાળા ખાતે જ હોય. વિવિધ શાકભાજી અને ફળોની પ્રાપ્તિ પણ શિયાળામાં જ હોય છે ને! ‘ગ્લોબલ વોર્મિંગ’કે અન્ય કારણસર આપણા દેશમાં લગભગ બે-અઢી માસ શિયાળો માનભેર આગમન કરે છે, ગરમીનું લગભગ નવ-દસ માસ સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. વર્ષાઋતુને બાદ કરતાં ગરમીથી ક્યારેક ત્રાહિમામ્ પોકારી જવાય છે એટલે એ સમયે શિયાળો યાદ આવ્યા વિના રહેતો નથી!

જો કે ગરમીને પણ એની ગરિમા છે જ. એના વિના વર્ષાઋતુ શક્ય નથી. એટલે કુદરતે માનવી માટે ત્રણ ઋતુઓનું પ્લાનિંગ યોગ્ય રીતે જ કર્યું છે! ત્રણે ઋતુની આગવી ઓળખ અને જરૂરિયાત છે જ. પણ શિયાળો માણી લેવાની ઋતુ છે. થોડો સમય પંખા અને એ.સી.ને પણ આરામ! તંદુરસ્તી કાજે દોડવા-ચાલવા જવાની કસરત પણ આનંદિત કરે. આમળાં, સંતરાં જેવા વિટામીન-સી યુક્ત ફળોની પ્રાપ્તિ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે. ઉંધિયું-મલાઈ-ઉંબાડિયાની મઝા પણ શિયાળામાં જ માણી શકાય ને? શિયાળાને કદાચિત્ પોતાની મર્યાદા હોઈ શકે. શરદી, ખાંસી અને દમનો વ્યાધિ શિયાળામાં વકરી શકે. પણ, ‘‘ઈલાજ કરતાં અટકાવ સારો’’એના પગલાં પણ લઈ શકાય. શિયાળો માણી લેવાનો.
રાંદેર રોડ          – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top