હિન્દી ફિલ્મોમાં આવતી ચડતી-પડતીની કથાવસ્તુની જેમ અત્યારે ભારતની ફિલ્મો પોતાના પડતીના સમયગાળામાં છે. ભારતીય અને વિશેષ કરીને હિન્દી ફિલ્મોનું બજેટ અને માર્કેટ ખોરવાઈ ગયું છે અને તે અંગેની સ્ટોરી ‘બિઝનેસ ટુડે’માં પ્રકાશિત થઈ છે. આ સ્ટોરીમાં અહેવાલ લખનારા ક્રિશ્ના ગોપાલનને અનેક એવી વિગતો મૂકી આપી છે, જેનાથી ખ્યાલ આવે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એટલે એમાં હિન્દી ફિલ્મ સહિત દક્ષિણ ભારતની પણ તમામ ઇન્ડસ્ટ્રીઝ; જેઓ હાલમાં ફિલ્મના બિઝનેસને લઈને ચિંતિત છે. આવી ચિંતા દર્શાવનારાઓમાં એક છે પ્રોડ્યુસર ચલુવે ગૌડા. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું ગણમાન્ય નામ અને આ બિઝનેસમાં મસમોટું સાહસ કરનારા ચલુગે ગૌડા ‘હોમબેલ’ નામની કંપનીના સ્થાપકોમાંના એક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે અત્યાર સુધી ‘KGF-ચેપ્ટર 1’, ‘કાંતારા’ અને ‘સાલાર’ ફિલ્મો આપી છે. આવી મસમોટી બજેટ આપનારી ફિલ્મો આપનારા ચુલવે ગૌડા અત્યારે ફિલ્મોના બજેટને લઈને ચિંતા અનુભવી રહ્યા છે. તેમના મતે થિયેટર સિવાયની ફિલ્મોની રેવન્યૂમાં ઘટાડો થયો છે; તેની સામે પ્રોડક્શન અને આર્ટીસ્ટ ફીમાં જબરજસ્ત વધારો થયો છે – જેના કારણે ફિલ્મ નિર્માતાઓની સામે વધુ જોખમ ઊભા થયા છે. ફિલ્મ-મેકિંગનું પરંપરાગત મોડલ ધ્વસ્ત થઈ ચૂક્યું છે. તેમના મતે પ્રોડ્યુસર જેટલું જોખમ લઈ રહ્યા છે તેની સામે તેઓને પ્રોફિટની કોઈ ગેરન્ટી નથી. 2024 ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો કુલ બિઝનેસ 18,700 કરોડની આસપાસ હતો. જેમાં OTT, સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય રિલિઝ, બ્રોડકાસ્ટ રાઇટ જેવાં તમામ બિઝનેસ સમાવિષ્ટ છે.
અભિનેતા-અભિનેત્રીઓએ પોતાની ફી તોંતિગ વધારી મૂકી તેનું એક કારણ કોરોના હતું, જ્યારે OTT પ્લેટફોર્મની જાયન્ટ કંપનીઓ અભિનેતા-અભિનેત્રીઓને મોં માંગ્યા દામ આપે. બીજું કે ફિલ્મ થિયેટરમાં આવે તે પહેલાં ડિજિટલ રાઇટ લેવાવા લાગ્યા. આ રીતે ફિલ્મોમાં કામ કરનારા આર્ટીસ્ટોના ભાવ ખૂબ વધ્યા. આ મોડલથી ફિલ્મોની કોસ્ટિંગ વધુ આવવા લાગી. હવે કોરોનાકાળ વીતી ચૂક્યો છે અને તે વખતે પણ જે રીતે નાણાં ચૂકવાતાં હતાં તેમાં કોઈ કમી આવી નથી. આર્ટીસ્ટોની ફી જસની તસ રહી. હવે OTT પ્લેટફોર્મ તેમના બજેટમાં ધરખમ ઘટાડો લાવ્યા છે. ઘણી વખત તો ફિલ્મ થિયેટર રિલીઝમાં સારી કમાણી કરી ચૂકી હોય; તેમ છતાં OTT પ્લેટફોર્મ ફિલ્મને ખરીદવામાં આનાકાની કરે છે અને આ રીતે અનેક ફિલ્મો હાલમાં OTT પર વેચાણ થતી નથી. OTT પર ફિલ્મ ન વેચાય અને કોસ્ટીંગ વધતું રહે – આ રીતે પ્રોડ્યુસર અત્યારે જોખમ વધુ લઈ રહ્યા છે. ફિલ્મોના વધુ ખર્ચનું બિલ આર્ટીસ્ટો પર ફાટતું હોય ત્યારે દેશમાં સૌથી વધુ પૈસા લેનાર સ્ટાર કોણ છે – તે પણ જાણી લેવું જોઈએ. જો તે સ્ટાર સાઉથનો છે એમ કહેવામાં આવે તો તેમાં પહેલું નામ કેટલાંક લોકો રજનીકાંતનું લેશે પરંતુ રજનીકાંત વધુ પૈસા લેનાર સ્ટાર નથી. તેમાં પહેલું નામ આવે છે તે અલ્લુ અર્જુનનું. ‘પુષ્પા -2’ માટે અલ્લુ અર્જુને ફી પેટે 300 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મના પ્રોડક્શનનો ખર્ચ 450 કરોડ સુધી પહોંચ્યો હતો. અર્જુન પછી બીજા ક્રમાંકે સૌથી વધુ સ્ટાર વેલ્યુ મેળવનાર અભિનેતા વિજય છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વિજય 250 કરોડ સુધીની ફી લે છે. આવા સ્ટારની ફી ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂ ત્રણ ગણી વધારે છે. હિન્દી ફિલ્મોમાં ત્રણે ય ખાન પ્રોફીટ શેરીંગના મોડલના અનુસરે છે. ફિલ્મ મોંઘું માધ્યમ છે અને તે માધ્યમ જ્યારે કમાવીને આપે છે ત્યારે તેનો પ્રોફિટ પણ ધૂમ હોય છે પરંતુ હવે તેમાં જોખમ વધુ દેખાવવા માંડ્યું એટલે પ્રોડ્યુસરો તે અંગે ફરિયાદ કરી રહ્યા છે. ફિલ્મના માધ્યમમાં મહત્તમ કમાણી આર્ટીસ્ટ કરી રહ્યા છે તે દોર ફિલ્મ નિર્માણ થવાની શરૂઆત થઈ પછી સંભવત્ પ્રથમવાર આવ્યો છે, જ્યારે નવાસવા આર્ટીસ્ટોને પણ કામ મળવા લાગ્યું છે અને તેમને વાજબી વળતર મળતું થયું છે. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આ બદલાવમાં પ્રોડ્યુસરો બૂમાબૂમ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જોખમ સામે અમારી કોઈ નિર્ધારીત આવક રહી નથી. સામાન્ય રીતે પ્રોડ્યુસર ફિલ્મના પ્રોજેક્ટમાં ખર્ચ કરે પછી તે જ્યાંથી રેવન્યૂ મેળવે છે – તેમાં એક છે થિયેટર, બીજું મ્યુઝિક, ત્રીજું સેટેલાઈટ અને ચોથું ડિજિટલ પ્લેટફોર્મ. જો કે કોરોનાની મહામારી દરમિયાન દર્શકોનો મોટો હિસ્સો માત્ર OTT ફિલ્મ પર મનોરંજન મેળવતો હતો અને તે દરમિયાન OTTના માંધાતાઓ કહેવાય તેવાં ‘નેટફ્લિક્સ’, ‘એમેઝોન પ્રાઇમ’, ‘ડિઝની’ અને ‘હોટસ્ટાર’ ધરખમ રકમના ચેક બનાવીને તમામ ભાષામાં કન્ટેન્ટ ખરીદતા હતા પરંતુ તેની ભરપાઈ એવી ન થઈ શકી. બીજા કેટલાંક પ્રોડક્શનહાઉસ એવું સ્વીકારે છે કે ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું જોખમ વધ્યું છે પણ તેઓ દોષ માત્ર એક્ટર્સ પર નથી નાંખતા. જેમ કે, ‘બાહુબલિ’ ફિલ્મને પ્રોડ્યુસ કરનારા ‘અરકા મીડિયા વર્ક્સ’ના સ્થાપક શોભુ યરલગડ્ડા મુજબ સમગ્રતામાં જોઈએ તો ફિલ્મ પ્રોડક્શનમાં તમામ ખર્ચ વધ્યો છે. તેઓ માને છે કે હવે નિર્માતાઓએ સ્ક્રીપ્ટ અને સારાં કન્ટેન્ટની પરખ કરવાની રહેશે. તેઓ આ વાતને સમજાવતા કહે છે કે, પહેલાં એવું હતું કે તમે સારાં ડિરેક્ટર અને સ્ટાર એક્ટરને લો એટલે કામ પૂરું થઈ જતું હતું. હવે એવું નથી. જો ફિલ્મ સારી નથી તો કોઈ પણ સ્ટાર તે ફિલ્મને બચાવી શકતો નથી. આ માટે તેઓ ‘કંતારા’ અને ‘હનુ-માન’ ફિલ્મનું ઉદાહરણ આપે છે. જેનું બજેટ ઓછું હતું પણ તેની સફળતા ત્રણસો કરોડને આંબી ગઈ હતી. જોકે આ સાથે એક વાત શોભુ યરલગડ્ડા કરે છે કે તેમ છતાં હજુ પણ એવાં પ્રોડ્યુસર છે જેઓ મસમોટું જોખમ ખેડે છે. નીતિશ તિવારી દ્વારા નિર્મિત બે ભાગમાં ‘રામાયણ’ ફિલ્મનું બજેટ 1600 કરોડનું જણાય રહ્યું છે. સ્ટારની સામે હવે સ્ટોરી કેવી રીતે આગળ વધી ચૂકી છે – તે વાત જીઓ સ્ટારના હેડ આલોક જૈન પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આજનો દર્શક મજબૂત સ્ટોરી અને અસ્સલ કન્ટેન્ટને પ્રાથમિકતા આપે છે. તેઓ એવું પણ કહે છે કે હવે ફિલ્મોમાં વધુ ખર્ચ કરવાની વાતને કોરાણે મૂકીને સાચા માર્ગે કેવી રીતે ખર્ચ થઈ શકે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. લાંબા સમય સુધી ટકી રહેવાનો આ જ માર્ગ છે. આ રીતે સૌથી શ્રેષ્ઠ કન્ટેન્ટ મેળવવાની હોડ લાગી છે, પરંતુ અત્યારે તમામ પ્લેટફોર્મ તે વિશે પ્રયોગ કરી રહ્યા છે. બીજું કે દર્શકો માત્ર ને માત્ર સ્ટારને મહત્ત્વ નથી આપતા, તે આમીર ખાનના દાખલાથી સારી રીતે સમજી શકાય. આમીર ખાન સ્ટાર તરીકે સારી વેલ્યૂ ધરાવે છે, તેમ છતાં તેની છેલ્લી બંને ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને લાલસિંઘ ચઠ્ઠા બોક્સ ઓફિસ પર નિષ્ફળ પુરવાર થઈ હતી. જ્યારે હાલની સિતારે ઝમીં પર તેના હટકે સ્ટોરીના કારણે સફળ રહી છે. આ ફિલ્મનું બજેટ 90 કરોડની આસપાસ હતું. પ્રોડ્યુસર તરીકે આમીર ખાને ફિલ્મની ફી ન લીધી હોય. આ લખાય છે ત્યાં સુધી આ ફિલ્મની કમાણીનો આંકડો 160 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે. મતલબ કે હાલમાં ફિલ્મ સિત્તેર કરોડથી વધુ નફામાં ચાલી રહી છે. જોકે હજુ પણ તેના કોઈ અન્ય રાઇટ્સ વેચવામાં આવ્યા નથી. સામાન્ય રીતે આવી ફિલ્મો પ્રદર્શિત થાય તે અગાઉ ડિજિટલ અને સેટેલાઇટ પ્લેટફોર્મ પર વેચાઈ જાય છે. પરંતુ આ કિસ્સામાં આમીર ખાને તેમ કર્યું નથી. એક એવી માન્યતા છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર વેચાણની આમીર ખાને જે કિંમત મૂકી તે 120 કરોડની છે- જે પોસાય તેમ નથી. ફિલ્મોમાં ઘટી રહેલા પ્રોફિટનું એક કારણ ઓછા થઈ રહેલા સ્ક્રીન્સ છે. 2023માં સ્ક્રીનની સંખ્યા 9,742 હતી, જે 2024માં 9,927 થઈ હતી. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આ રીતે બધી બાજુથી માર પડી રહ્યો છે. સામાન્ય રીતે એન્ટરટેઇનમેન્ટને આપણે ઇન્ડસ્ટ્રીઝ તરીકે જોતા નથી. આ ઇન્ડસ્ટ્રી છે અને તેના પર નભનારા લાખો લોકો માટે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે. જો આવું જ રહેશે તો પ્રોડ્યુસર પર લટકતી જોખમની તલવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા નાના માણસો પર આવતા વાર નહીં લાગે.
