ગણેશ ઉત્સવ શરૂ થવાની સાથે જ આખું સુરત શહેર ગણેશમય બની ગયું છે. શહેરના મોટા પંડાળોમાં આંખોને આંજી દે તેવું થીમ બેઝડ ડેકોરેશન થયું છે તે જોવા ઘણા સુરતીઓ ફ્રેન્ડ્સ અને પરિવારની સાથે એક ગણેશ પંડાળથી બીજા પંડાળ તરફ જતા દેખાઈ રહ્યાં છે. ભવ્ય અને સુંદર આવું ડેકોરેશન માત્ર શેરી, મહોલ્લામાં બિરાજમાન શ્રીજીના પંડાળો પૂરતું સિમિત નથી. હવે ગણેશ ભક્ત સુરતીઓ પણ પોતાના ઘરમાં સ્થાપિત કરતા ગણેશજીની મૂર્તિ પણ યુનિક બનાવે છે. તો ઘરમાં બનાવતા મંડપનું પણ થીમ આધારિત ડેકોરેશન કરે છે. આ વખતે કેટલાંક ગણેશ ભક્તોએ પોતાના ઘરમાં સ્થાપિત કરેલી ગણેશજીની પ્રતિમા મુંબઈમાં ખાસ બનાવડાવી છે. તો ડેકોરેશન પણ મોટા પંડાળોના ડેકોરેશનને પાછળ પાડી દે, ફિકુ પાડી દે તેવું નયનરમ્ય કર્યું છે. ઘરોમાં વિરાજમાન ગણેશજીના મંડપના ક્રિએટીવ ડેકોરેશન વિશે વિસ્તૃતમાં જાણીએ…
મહાદેવની થીમ પર ડેકોરેશન, મહેલ જેવો પ્રવેશદ્વાર બનાવ્યો :મયુરભાઈ શાહ

મહિધરપુરા જદાખાડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ શાહ જૈન સમાજના છે. તેમણે જણાવ્યું કે છેલ્લાં 18 વર્ષથી ઘરમાં ગણપતિ બાપ્પાને લાવું છું. મારા ઘરમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની મૂર્તિ બે ફૂટની છે. પાછળ મહાદેવનું એમ્બોઝ કટિંગ કરીને બનાવેલું ચિત્ર છે. આ ઉપરાંત બીજા મહાદેવના નાના નાના ચિત્રો મૂક્યા છે. રાજાશાહી મહેલના પ્રવેશદ્વાર જેવો સુંદર અને ભવ્ય ગેટ બનાવ્યો છે, અને આ ગેટની આજુબાજુ બે રામપાળ (સિપાઈ) મૂકયા છે. ગયા વર્ષે મેં મંદિરની થીમ પર ડેકોરેશન કર્યું હતું. બાપ્પાની મરાઠી સ્ટાઈલમાં આરતી થાય છે, ભજન કીર્તન અને છપ્પનભોગનું આયોજન કરાય છે.
ઓપરેશન સિંદૂરની થીમ પર કર્યું ડેકોરેશન, ગયા વર્ષે વર્લ્ડ કપની થીમ રાખી હતી: સોની શોભનાની

અડાજણ વિસ્તારમાં રહેતા સોનીબેને જણાવ્યું કે હું જ્યારથી સુરત આવી છું ત્યારથી એટલે કે 17-18 વર્ષથી મારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરું છું. અમે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી અલગ અલગ થીમ પર ડેકોરેશન કરીએ છીએ. આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ પર ડેકોરેશન કરાયું છે. દેશભક્તિની ભાવના અને માતૃભૂમિ સાથે હંમેશા જોડાયેલા રહીશું તે ભાવનાથી આ ડેકોરેશન કરાયું છે. ઓપરેશન સિંદૂરના ચાર બેનર લગાવ્યા છે. થર્મોકોલનો ઉપયોગ કરી જમીન બતાવી છે અને જમીન પર સરક્તા લોકો, પોલીસ ઉપરાંત તિરંગા વગેરેનું ડેકોરેશનનો ભાગ છે. આ વખતે અમે બાપ્પાની મૂર્તિ પણ સિંદૂરી રંગની લાવ્યા છીએ જે એક થી સવા ઇંચની છે. મારો દીકરો નાનો હતો ત્યારે એણે ગણેશ સ્થાપનાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારથી અમે ઘરમાં ગણેશજીની સ્થાપના કરીએ છીએ. ગયા વર્ષે વર્લ્ડ કપની થીમ પર એની પહેલાના વર્ષે રામમંદિરની થીમ પર ડેકોરેશન કર્યું હતું. ઘરમાં આ ડેકોરેશન કરતા દોઢ મહિનાનો સમય લાગ્યો છે. વાજતે ગાજતે બાપ્પાનું ઘરમાં આગમન કરાવ્યું હવે 108 દિવાની મહાઆરતી કરીશું અને છપ્પન ભોગનું આયોજન કરીશું. વિસર્જન સોસાયટીના ગાર્ડનમાં જ કરીશું.
ઘરમાં મંડપમાં જ ઉભું કર્યું જંગલ, મોગલી સ્વરૂપમાં મૂર્તિ: સુજલ કાલગુડે

સુજલ કાલગુડે એ જણાવ્યું કે હું ઘરમાં બે વર્ષથી ગણેશ ઉત્સવમાં ગણેશજીની સ્થાપના કરું છું. આ વખતે જંગલ થીમ પર ડેકોરેશન કર્યૂ઼ છે તે માટે આખું લીલુંછમ દેખાય તે રીતે ઝાડ પાંદડા અને પક્ષીઓનું ડેકોરેશન કર્યું છે. મારા ગણપતિ બાપ્પા જેમની મૂર્તિ મોગલી સ્વરૂપમાં છે તેમનું આગમન ગઈકાલે કરવામાં આવ્યું જેમ મોટા પંડાળમાં બિરાજમાન ગણપતિના આગમનમાં ઢોલ તાસાની ધૂમ હોય છે તેમ મારા ઘરમાં પધારેલા બાપ્પાના આગમનમાં પણ ઢોલ તાસાની ધૂમ રહી હતી. ઢોલ તાસા વગાડનાર 25 જણાની ડ્રેસકોડમાં રહેલી ટીમે ઢોલ તાશા વગાડી ભવ્ય આગમન કરાવ્યું હતું. 7 દિવસ દરમિયાન પણ વિવિધ પ્રોગ્રામ ઘરે કરવામાં આવશે. જંગલ થીમનું ડેકોરેશન કરવામાં હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે. નેચરલ જંગલ બતાવવા ગણપતિ બપ્પાની મૂર્તિનો કલર પણ ઝાડના થડનો ચોકલેટી જેવા કલરનો રાખ્યો છે.
પાંખો હલાવતું ગરુડ બનાવ્યું છે અને વાદળોમાં ઉડતા પક્ષી દેખાશે: રેશમા મહાડીક

અડાજણ-પાલ વિસ્તારમાં રહેતા રેશમાબેને જણાવ્યું કે મારા સાસરીમાં મારા હસબન્ડ નાની ઉંમરના હતા ત્યારથી લગભગ 37-38 વર્ષથી શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે અમે ગરૂડની થીમ પર ડેકોરેશન કર્યું છે. પાંખ, મોઢું, માથું હલાવતું ગરૂડ બનાવ્યું છે. ફલાવર પોટમાં બાપ્પાને બેસાડવામાં આવ્યા છે. ગરુડ પોતાના પગથી આ ફલાવર પોટ ઊંચકી હવામાં ફેરવે છે તે રિતની થીમ રાખી છે. આ ઉપરાંત વાદળોનું ડેકોરેશન કરાયું છે જેમાં પંખીઓ ઉડતા દેખાશે. ગયા વર્ષે હિંચકા પર ઝૂલતા ગણપતિનું ડેકોરેશન હતું . તેના પહેલાના વર્ષોમાં ગોળ ગોળ ફરતું અને ખુલતું તથા બંધ થતું કમળ, બોટમાં ગણપતિ અને જંગલ થીમ પર ડેકોરેશન કર્યું હતું. અમે દર વર્ષે અલગ અલગ થીમ પર મંડપ ડેકોરેટ કરીએ છીએ.
પુણેના દગડું શેઠ ગણપતિ મંદિરની થીમ પર ગોલ્ડ વરખનું ડેકોરેશન: મિહિર જાદવ

પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતાં મિહિર જાદવે જણાવ્યું કે અમારા ઘરમાં દાદાના સમયથી એટલે કે લગભગ 25 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન થાય છે. આ વર્ષે પુણે મહારાષ્ટ્રના શ્રીમંત દગડું શેઠ હલવાઈ ગણપતિ મંદિરની થીમ પર ડેકોરેશન કર્યું છે. ગણપતિની પોણા ત્રણ ફૂટની મૂર્તિ પણ દગડું શેઠ ગણપતિના સ્વરૂપમાં જ રહેશે. મૂર્તિના મુગુટ અને ઘરેણાં સોનાની વરખના છે. અમે ગણેશજીની મૂર્તિ અને ડેકોરેશન પાછળ જ 50 હજાર રૂપિયા કરતા વધુ ખર્ચ કર્યો છે. ગયા વર્ષે વાદળોની થીમ પર ડેકોરેશન કરાયું હતું. એની પહેલાં રાજસ્થાની થીમ પર ડેકોરેશન થયું હતું. ઢોલ વાદન વચ્ચે વાજતે ગાજતે બાપ્પાનું આગમન કરાયું છે. જે દિવસે કથાનું આયોજન થશે તે દિવસે લેઝીમ પર્ફોર્મ કરી સાંસ્કૃતિક વાતાવરણ ઉભું કરાશે.