SURAT

પાંડેસરા જીઆઈડીસીના પ્રદૂષણમાં જીપીસીબી તપાસનું નાટક જ કરી રહી છે

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદુષણની માત્રામાં એકાએક વધારો થયો છે. લોકડાઉન બાદ શહેરની પાંડેસરા જીઆઇડીસીના કેટલાક ઉદ્યોગો ખર્ચ બચાવવા માટે ચિંધી અને પ્લાસ્ટિકનો બળતણ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે હવામાં ભારે માત્રામાં મેસ અને ભયંકર રજકણો ભળીને લોકોના શ્વાસમાં જઈ રહ્યાં છે. કોરોનાની મહામારી એક ઝાટકે ફેફસાને નુકસાન કરે છે તો તેની સામે સારવાર કરી બચી પણ શકાય છે. પરંતુ પ્રદુષણ નામક મહામારી લોકોના ફેફસાને ધીમે ધીમે ખતમ કરી રહ્યા છે.

શહેરના પાંડેસરા, સચિન જીઆઈડીસીમાં ઘણા સમયથી પ્રદુષણનું પ્રમાણ ભયંકર સ્તરે વધ્યું છે. પરંતુ જીપીસીબી લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરી રહેલા મિલ સંચાલકોને આડકતરી રીતે સપોર્ટ કરી રહ્યા છે. તપાસનું નાટક કરીને સંતોષ માનતી જીપીસીબીને લોકોના સ્વાસ્થયની કોઈ ચિંતા હોય તેવું ફલિત થતુ નથી. મોટાગજાના મિલમાલિકોના ત્યાં તપાસ અને નમૂના લીધા બાદ કોઇ શિક્ષાત્મક પગલા ભરાયાં નથી. જેને કારણે જીપીસીબીની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં હવામાં ભારે દુર્ગંધ મારે છે. રાતે તો ધૂમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા છે. પાંડેસરા જીઆઇડીસીની આ પરિસ્થિતિ પાછળ કેટલીક મિલોમાં પ્લાસ્ટિક વેસ્ટ અને ચિંધીનો ઉપયોગ થઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

ખુદ જીપીસીબી પણ આ બાબતથી સારી રીતે વાકેફ છે. પરંતુ જીપીસીબીના કેટલાંક ચહેરાને મળતા હપતાને કારણે તેમણે આંખે પાટા બાંધી લીધા છે. પ્લાસ્ટિક અને ચિંધી બાળવાથી હવામાં ઝેરી ગેસ ભળે છે. મિલમાં કચરાનો ઉપયોગ કરવાને કારણે વાતાવરણમાં ડાઈક્સીન, ફ્યુરાન, મરક્યુરી અને પોલીક્લોરીનેડેડ બાઈ ફીનાઈલ જે માણસ, પશુ-પક્ષી અને ખેત પેદાશોને ખૂબ જ નુકસાન કરે છે. પ્લાસ્ટિક બાળવાથી આ વાયુ ઉપરાંત કાળો કાર્બન પણ વાતાવરણમાં ભળે છે.

જે હવાને ખૂબ જ પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકની કોથળીઓ બાળવાથી હવાનું ખરાબમાં ખરાબ પ્રદુષણ ફેલાય છે. ડાઈકોસીન જે નીકળે તે ખેતપેદાશો અને વનસ્પતિ પર જમા થાય છે. જે ધીરે-ધીરે આપણા ખોરાકમાં જાય છે અને કેન્સર કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કોરોનાથી ફેફસા ઉપર થતાં એટેકને તો જાણી, સમજી અને તેની સારવાર કરી શકાય છે. પરંતુ પ્રદુષણને કારણે ફેફસાં પર થઈ રહેલા એટેકને લોકો સમજી શકતાં નથી. અને ધીમે ધીમે તે ફેફસાને વધારે ડૅમેજ કરી નાખે છે. આવી ભયંકર પરિસ્થિતિઓને નજર અંદાજ કરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ માત્ર એમના ખિસ્સા ગરમ કરી રહ્યા છે.

પાંડેસરા જીઆઇડીસીનું પ્રદુષણ સમસ્ત શહેર માટે જોખમી: ડો.એસ.કે.ટાંક જીવિવજ્ઞાની

શહેરની વીર નર્મદ યુનિ.ના જીવ વિજ્ઞાન વિભાગના માજી વડા અને વિજ્ઞાની ડો.એસ.કે.ટાંકે કહ્યું હતું કે, અમે પ્રદુષણ ઉપર ઘણુ સંશોધન કર્યું છે. દેશ વિદેશની યુનિ.ઓમાં ઘણા પેપર પણ રજૂ કર્યા છે. સુરત શહેરમાં જળ વાયુ અને ભૂમિ પ્રદુષણ ઉપર અવારનવાર સંશોધન કરી સમાજને ટકોર કરાઇ રહી છે. પરંતુ પાંડેસરા જીઆડીસી વિસ્તારની જે મિલો પ્લાસ્ટિક વેસ્ટ અને ચિંધી બાળી રહ્યાં છે. તે બાબત ચિંતાજનક છે. બે ચાર મિલ માલિકોને કારણે સમગ્ર સુરત શહેરના માથે સ્વાસ્થ્યનુ મોટુ સંકટ ઉભુ થશે. આવનારા દિવસોમાં કેન્સર જેવી બિમારીના કેસો વધશે. તેમજ પાણી અને જમીનમાં પણ પ્રદુષણ ફેલાવાથી સમગ્ર માનવજાત માટે ખતરાની ઘંટડી છે.

Most Popular

To Top