જો નવા આધુનિક વાહનોને રસ્તાઓ પર દોડાવવા હોય તો જૂના વાહનોને ભંગારમાં મોકલવા જરૂરી હોય છે. જેમ જેમ વાહન જૂનું થાય તેમ તેમ તેની કાર્યક્ષમતા ઘટતી જાય છે. કાર્યક્ષમતા ઘટવાને કારણે અકસ્માત અને પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી થાય છે. અત્યાર સુધીમાં દેશમાં વિવિધ રાજ્યોમાં જૂના વાહનોને રસ્તા પરથી દૂર કરવાના અલગ અલગ નિયમો હતાં પરંતુ હવે આખા દેશમાં વાહનોને ભંગારમાં લઈ જવા માટેની એક જ પોલિસી નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે આ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી.
મોદી દ્વારા જે પોલિસી જાહેર કરવામાં આવી તેમાં 15 વર્ષથી જૂના વાહનો હોય તેને સ્ક્રેપિંગ માટે એટલે કે ભંગારમાં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોદીએ જાહેર કરેલી આ પોલિસીના ફાયદા એ છે કે જે વાહન સ્ક્રેપમાં જશે તેની પર એક સર્ટિફિકેટ મળશે. જેના આધારે તેને નવી ગાડીની ખરીદીમાં રજિસ્ટ્રેશનના ચાર્જમાંથી મુક્તિ મળશે. સર્ટિફિકેટના આધારે તેને રોડ ટેક્સમાં પણ છૂટ મળશે. જૂની ગાડીના મેઈન્ટેનન્સ ખર્ચ, રિપેરિંગ ખર્ચ, ઈંધણનો વપરાશ એમાં પણ બચત થશે. અકસ્માતો ઘટશે, પ્રદૂષણના પ્રશ્નો પણ હલ થશે અને સાથે સાથે નવા-નવા આધુનિકતા સાથેના વાહનોને બજારમાં લાવવાની છૂટ પણ મળશે.
થોડા સમય પહેલા દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આખા દેશમાં ગુજરાતમાં પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટની પણ જાહેરાત કરી હતી. જેમાં તેમણે ભાવનગરના અલંગ ખાતે આ પ્લાન્ટ શરૂ થશે તેમ પણ કહ્યું હતું. આગામી તા.1લી ઓક્ટોબરથી કેન્દ્રની આ નવી નીતિ લાગુ પણ પડી જશે. જો જોવામાં આવે તો સમજી શકાય કે જૂના વાહનોનો પ્રદૂષણમાં હિસ્સો 12 ટકા જેટલો છે. જો આ નીતિથી જૂના વાહનો સ્ક્રેપ થશે તો આ પ્રદૂષણની માત્રામાં પણ મોટો ઘટાડો જોવા મળશે. આમ તો વાહનોના સ્ક્રેપની પોલિસી જાપાન અને બેલ્જિયમમાં પણ લાગુ કરવામાં આવી છે. જેને કારણે એશિયાના દેશ દ્વારા સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલવામાં આવશે. કંડલા બંદરથી આ વાહનો ગુજરાતમાં આવશે.
આ માટે ગુજરાતમાં પણ પાંચેક સ્થળોએ ભંગારવાડા બનાવવામાં આવશે. જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવ્યા બાદ રોડ ટેક્સમાં 25 ટકા, કોમર્શિયલ વાહનોમાં રોડ ટેક્સમાં 15 ટકા અને મોટર વ્હીકલ ટેક્સમાં 25 ટકા સુધીની રાહત આપવામાં આવશે. આગામી દિવસોમાં એવો પણ નિર્ણય કરવામાં આવે તેમ છે કે જૂના વાહન સ્ક્રેપમાં મોકલી નવું વાહન ખરીદનારને જીએસટીમાં પણ 50થી 100 ટકાની છૂટ આપવામાં આવે તેવી સંભાવના છે. જોકે, આ નિર્ણય હાલમાં લેવાયો નથી. તેના માટે જીએસટી કાઉન્સિલ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેની પર ધ્યાન આપવું પડશે.
નવી નીતિને કારણે સરકારને પણ જીએસટીનો 9600 કરોડનો લાભ થવાની સંભાવના રહેલી છે. કારણ કે જૂના વાહનો સ્ક્રેપમાં ગયા બાદ નવા વાહનો ખરીદાશે અને સરકારને જીએસટીનો ટેક્સ મળશે. બીજો મુદ્દો એ છે કે સરકારને જે બહારથી ક્રુડ ઓઈલ આયાત કરવું પડે છે તેમાં પણ નવા વાહનો ખરીદાવાને કારણે ફરક પડશે. આશરે 2400 કરોડ રૂપિયાના ઈંધણની પણ બચત થશે. એવો રિપોર્ટ છે કે જૂના વાહનો હટશે અને નવા વાહનો આવશે તો 9550 કરોડ રૂપિયાની બચત થશે. જે વાહનો સ્ક્રેપમાં જશે તેનું સ્ટીલ પણ બજારમાં આવશે.
આશરે 6550 કરોડ રૂપિયાનું સ્ટીલ સ્ક્રેપ નીકળશે અને તેને કારણે ભારતમાં વિદેશથી સ્ટીલની આયાત પણ ઓછી કરવાની રહેશે. સરકારે તમામ પાસાઓ વિચારીને સરકારે નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે. જોકે, સાથે સાથે એ મોટી સમસ્યા છે કે લોકો જૂના વાહનો કાઢવા માટે જલ્દી રાજી થતાં નથી. ઘણી વખત વાહન સારી કન્ડિશનમાં નહીં હોય તો પણ માલિક દ્વારા વાહન ચલાવવામાં જ આવે છે. આવા વાહનોને કારણે મોટી મોટી સમસ્યાઓ થતી જ રહે છે. સરકારની આ પોલિસી સારી છે પરંતુ સાથે સાથે તેને લોકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. જો લોકો સહકાર આપશે તો જ આ પોલિસીનો અર્થ રહેશે તે નક્કી છે.