Charchapatra

સરકારની ગુલબાંગો વરસાદે પોકળ સાબિત કરી

છેલ્લાં થોડા દિવસોથી અવરિત પડી રહેલા ભારે વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી છે! વડોદરા, રાજકોટ, જામનગર, દ્વારકામાં ભારે પૂર આવ્યું અને જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું! દર ચોમાસે રસ્તે પડતા ભૂવાળો અને ખાડાઓ ગુજરાતની જનતાને કોઠે પડી ગયા છે. એટલે એની અહીં ચર્ચા કરવી નથી! ચર્ચા કરવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની! અહીં પહોંચવાનો માર્ગ સદંતર ધોવાઈ ગયો છે વિચારો અહીં રસ્તા બનાવવામાં ગોબાચારી થઈ તો સામાન્ય રસ્તાની વાત તો દૂરની છે! રાજકોટના થોડા સમય પહેલાં જ તૈયાર થયેલા હીરાસર એરપોર્ટની દિવાલ ધારાશાયી થતા, સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા!

અહીં પણ ગોબાચારી! સરકારની અણધડ નિતીએ વડોદરાવાળાને રીતસરના રડાવ્યા. વારંવાર વિશ્વામિત્રી નદીમાં પૂર આવવા છતાં, સૂચનો થવા છતાં, સરકાર ઉંઘતી રહી અને હવે જનતાનો આક્રોશ જોતા 1200 કરોડનો પ્રોજેક્ટ સૈધ્ધાંતિક મંજૂર ઉપર જ રહેશે એતો આવનાર સમય કહેશે! ધારાસભ્ય રિવાબાને બાદ કરતા એક પણ નેતાઓ કોઈ પણ શહેરમાં પાણી ભરાયેલ વિસ્તારોમાં દેખાયા નથી અને પાણી ઉતરી ગયા પછી આવતા જનતાએ આડે હાથે લીધા. ટૂંકમાં ગુજરાત મોડેલ, વિકસીત ગુજરાત અને ડબલ એન્જિન વાળી સરકારની ગુલબાંગો આ વરસાદે પોકળ સાબિત કરી દીધી છે!!
સુરત     – ભાર્ગવ પંડયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

‘‘રોટલા છાપ’’ ગુજરાત!
મહેનત પસીનાની કમાઈનો રોટલો હંમેશા મીઠો લાગે છે. દાલ-રોટી ખાઓ, પ્રભુ કે ગુન ગાઓ. (દાલબાટી ખાનાર પણ પ્રભુના ગુણ તો ગાઈ શકે છે.) દેશ તેવો વેશ અને દેશ તેવો ખોરાક. આપણે ત્યાં વિવિધ પ્રજા વિવિધ પ્રકારના રોટલા ખાતી જોવા મળે છે. મકાઈના રોટલા, બાજરીના રોટલા, જુવારના રોટલા, નાગલીના રોટલા, ચોખાના રોટલા વગેરે. કેટલાક લોકો મલ્ટીગ્રેન રોટલા પણ ખાય છે. વિવિધ પ્રકારનું અનાજ ભેળવીને તેના લોટમાં જીરૂ, મીઠું, હળદર નાંખીને બનાવેલો રોટલો ઉત્તમ પ્રકારનું પોષણ આપે છે.

દેશ-કાળ પ્રમાણે ખોરાક લેવાથી લાભ મળે. એક ચટાકેદાર સ્વાદવાળો ઔષધિય ગુણયુક્ત ફુદિનાનો રોટલો ખાવા લાયક હોય છે. (વર્ષો પહેલાં ગામડામાં અમારા ઘરમાં આવા પ્રકારનો રોટલો વારંવાર બનતો.) ખાસ કરીને ચોમાસામાં થતી શરદી-તાવમાં તેનાથી ખૂબ ફાયદો થતો. તેમાં ફુદિનો, આદુ, લશણ, મેથી, કાંદો, રિંગ વગેરે નાંખીને બનાવતાં. ગરમાગરમ રોટલા પર તેલ ચોપડીને ખાવામાં લિજ્જત પડતી. વર્ષો પહેલાં શહેરોમાં રોટલો અછત જેવો ગણાતો. પરંતુ આજે શહેરોમાં અનેક કુટુંબ ખાય છે. નાના બાળક માટે ‘‘ચાનકી’’ (ખૂબ નાનો રોટલો ચાનકી તરીકે ઓળખાતો.) બનાવીને જીરૂ-મીઠું ભભરાવીને ધી ચોપડીને ખાવા અપાતો.

કાંદો, લસણ, રાઈ, મેથી વાળો છાસ નાંખીને વધારેલો રોટલો પણ સ્વાદિષ્ટ હોય છે. વાસી, ટાઢા રોટલા સાથે તાજું સફેદ માખણ કોઈ દિવસ ખાધુ છે?! ઉત્તર ગુજરાતના મગના રોટલાને કેમ ભૂલાય? ઉત્તર ગુજરાતમાં કેટલાક અંતરિયાળ ગામોમાં ખવાતો મગનો રોટલો ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. ભરડેલા મગનો મશાલેદાર ગરમાગરમ રોટલો કાંદા સાથે ખાવાનો તમારા નસીબમાં હોય, તો એકાદવાર પૈસાની ચિંતા કર્યા વિના ઝાડ, યાન, જંગલની ટ્રીપ મારી આવજો…! સંભારણું બની જશે.
સુરત     – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top