Comments

પર્યાવરણની ઘોર ખોદવાનો સરકારી ઉત્સવ

ઉત્સવ અને ઉજવણીઓ મૂળ તો માણસને પોતાના એકધારા નિત્યક્રમમાંથી રાહત મળે એ માટે શરૂ કરાયેલાં, પણ હવે જે રીતે એનું વ્યાપારીકરણ, વૈશ્વિકીકરણ અને વિપુલીકરણ થયું છે એ જોતાં લાગે કે હવે ઉત્સવો અને ઉજવણીઓ એકધારો નિત્યક્રમ બની ગયાં છે. એમાં પણ જ્યારથી આ ઉજવણીઓમાં સરકારની સામેલગીરી થવા લાગી એ પછી તેનું ફલક વધતું ગયું.

સરકારો પ્રજાલક્ષી કામને બાજુએ મૂકીને ઉત્સવ-ઉજવણીમાં લાગી પડે અને પ્રજા પણ એવાં આયોજનમાં ઘેલી થઈને મહાલતી રહે તો સરકારને એ જ જોઈતું હોય છે! વગર વિચાર્યે, સતતપણે યોજાતા રહેતા ઉત્સવો પર્યાવરણને કેવું નુકસાન કરે છે એ તો કોણ જોવાનું? કેમ કે, એમાં છેલ્લે ઘોંઘાટ, ગંદકી અને પ્રદૂષણ જ બચે છે.

રાજસ્થાનમાં 27 થી 31 ડિસેમ્બર, 2025 દરમિયાન ‘સામ્ભર ફેસ્ટીવલ’નું સરકાર દ્વારા આયોજન કરાયું. સૌ જાણે છે કે સામ્ભર સરોવર ખારાં પાણીનું અતિ મહત્ત્વનું સરોવર છે, જેને ‘રામસર સાઈટ’ ઘોષિત કરવામાં આવેલી છે. દર શિયાળે અહીં ચારથી છ લાખ યાયાવર પક્ષીઓ આવે છે. આ સ્થળનું પર્યાવરણ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સરોવરના વિસ્તાર પર ડ્રોન નહીં ઊડાડવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  પણ આ સરકારી ફેસ્ટીવલ દરમિયાન સરોવરના મુખ્ય વિસ્તારમાં થઈ રહેલી ઉજવણીને દર્શાવવા માટે કેટલાંય ડ્રોન ઊડતાં દેખાયાં. આટલું ઓછું હોય એમ ઉજવણી દરમિયાન પ્રચંડ ઘોંઘાટ ધરાવતી સાઉન્ડ સિસ્ટમ વગાડાતી રહી, જેનો આંક 91.8 ડેસિબલે પહોંચ્યો.

સામાન્ય અક્કલની વાત છે કે અહીં આવતાં પક્ષીઓ પાસે કંઈ ઘોંઘાટને રોકવા માટેનાં હેડફોન હોતાં નથી. આ સંજોગોમાં તેમની પાસે એક જ વિકલ્પ બચે છે- અહીંથી ઊડી જવાનો. પક્ષીઓના કલબલાટથી જે સ્થળ આ મોસમ દરમિયાન ગૂંજતું રહેતું હોય ત્યાં મોટાં મોટાં સ્પીકરોનો ઘોંઘાટ, વીજળીનો ઝળહળાટ, વાહનોનાં પ્રદૂષણ અને અસંખ્ય લોકોની અવરજવર થવા લાગે તો આ પક્ષીઓને ઊડી જતાં કેટલી વાર લાગવાની!

 અમસ્તું પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા નોંધાયા અનુસાર પર્યાવરણ પ્રણાલીની પરિસ્થિતિની દૃષ્ટિએ સામ્ભર સરોવર દેશની સૌથી ખરાબ આર્દ્ર ભૂમિમાંની એક છે, કેમ કે, અહીં પાણીની નબળી ગુણવત્તા, ઠેરઠેર ઊગી નીકળેલી વનસ્પતિ, મીઠાનો ગેરકાયદે નિકાલ વગેરે અહીં પૂરબહારમાં છે અને એમ કહી શકાય કે પર્યાવરણની દૃષ્ટિએ એ સાવ પડી ભાંગવાને આરે છે.  આટલાં પરિબળો ઓછાં હોય એમ આ ઉત્સવનું આયોજન. ઈકો ટુરિઝમના નામે કુદરતને ખતમ કરવાનું આયોજન વરસોવરસ થતું રહે છે, જેમાં લોકો હોંશે હોંશે પોતાનું યોગદાન આપે છે. આ ફેસ્ટિવલના આયોજન દરમિયાન તમામ પ્રકારની કાનૂની જોગવાઈઓનો સરેઆમ ભંગ થાય અને છતાં એની દરકાર ન કરાય ત્યારે ફરિયાદ કોને કરવી? કાનૂન પાલનમાં સંબંધિત સત્તાતંત્રને શો અવરોધ નડે છે?

 બંધ, સરોવરો, નદીઓ હવે જાણે કે જીવનજરૂરિયાતનાં નહીં, પણ મનોરંજનનાં સાધનો બની રહ્યાં છે, જેના સર્વનાશ થકી અઢળક આવક ઊભી થાય છે. સરદાર સરોવર હોય કે સામ્ભર સરોવર કે સાબરમતી રિવરફ્રન્ટ, આવાં તમામ સ્થળો માનવસર્જિત પ્રદૂષણનો ભોગ બની રહ્યાં છે અને વધુ ને વધુ સ્થળે આ વલણ વિસ્તરી રહ્યું છે.  બદલાતા જતા સમયની વરવી વાસ્તવિકતા એ છે કે આપણને કુદરતનું સાન્નિધ્ય ગમતું નથી.

એવાં સ્થળોએ પણ આપણે આપણી ગંદકી અને પ્રદૂષણ સાથે લેતાં જઈએ છીએ. નિર્લજ્જ વ્યાપારીકરણના આપણે સૌ લાભાર્થી બનીએ છીએ અને સરવાળે જે તે સ્થળના કુદરતી સૌંદર્યની ઘોર ખોદી નાખીએ છીએ. એવરેસ્ટ જેવા દુર્ગમ, અતિ મુશ્કેલ સ્થળે જે રીતનો ધસારો થઈ રહ્યો છે એ જોતાં નદી, સરોવર કે બંધ પર લોકોનાં ટોળેટોળાં ન ઉમટે તો જ નવાઈ! સામ્ભર સરોવર પર ‘સામ્ભર ફેસ્ટિવલ’ યોજવો એ મૂર્ખામીની નહીં, આત્મઘાતી વલણની પરાકાષ્ઠા છે અને આ એક નહીં, જેટલાં પણ આવાં સ્થળોએ સરકારી ફેસ્ટીવલનાં આયોજન થતાં રહેશે એ દરેક આયોજન આત્મઘાત તરફ દોરી જતું પગલું છે એમ માની લેવું.

 આ સ્થળની આસપાસની જીવસૃષ્ટિ કાં પોતાનું સ્થાન બદલી નાખશે કે પછી ઝીંક ઝીલી ન શકવાથી ખતમ થઈ જશે. આવાં આયોજન અગાઉ કાગળ પર કશા અભ્યાસ થયા પણ હોય તો એ કશા કામના નથી. કેમ કે, એ કેવળ એક ઔપચારિક પ્રક્રિયા છે. જે નુકસાન થવાનું હોય એ થઈને જ રહે છે. આપણે જાતભાતના કાયદા બનાવ્યા છે, પણ એ કાગળ પર રહી જાય તો એ બનાવ્યાનો શો મતલબ! આપણી પાસે નાણાં ખર્ચવાની ક્ષમતા આવી જાય એને લઈને કંઈ કુદરતને નુકસાન પહોંચાડવાનો આપણને અધિકાર મળી જતો નથી, પણ આપણને એમ લાગે છે અને ખર્ચેલાં નાણાં વસૂલ કરવાના ઉત્સાહમાં પર્યાવરણને શક્ય એટલું નુકસાન પહોંચાડીએ છીએ.

 આવી ભૂલોનાં પરિણામ વરસોવરસ મળી રહ્યાં છે, પણ હજી આપણે સુધરવાનું નામ લેતાં નથી. પર્યાવરણના નામે જાતભાતની સંધિઓ પર સહી થાય છે, અબજો રૂપિયા વેડફાય છે, પણ છેવટે એનાથી પર્યાવરણને કશો લાભ થતો નથી. ખરેખર તો પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ રાજકીય પક્ષના કે ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓમાં સમાવિષ્ટ થવા જોઈએ પણ આપણે વિકાસની વાતોથી અને વિભાજનના મુદ્દાઓથી સંતુષ્ટ થઈ જઈએ છીએ અને એમાં જ રચ્યાપચ્યા રહેવાનો આનંદ માણતા રહીએ છીએ. એ જ આપણો ઉત્સવ છે અને એ જ આપણી ઉજવણી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top