આખરે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી રૂપિયા 2000ની ચલણી નોટને સરકારે ચલણમાંથી બંધ કરવાનો નિર્ણય લઈ જ લીધો. 2016માં જ્યારે મોદી સરકાર દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે તાત્કાલિક રૂપિયા 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવી હતી. સરકાર દ્વારા તેની સામે 500 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી પણ 1000ની નોટને બદલે 2000 રૂપિયાની નવી નોટ ચલણમાં મુકવામાં આવી. સરકારનું આ પહેલી ભૂલ હતી.
જો 1000ની નોટમાં કાળા નાણાંનો સંગ્રહ થઈ શકતો હોય તો 2000ની નોટમાં તો વધુ કાળું નાણું સંગ્રહી શકાય છે તે મુદ્દો ભૂલી જવામાં આવ્યો. રૂપિયા 500 અને 1000ની નોટને તો કાળાબજારીયાઓ દ્વારા ઠેકાણે પાડી દેવામાં આવી અને 2000ની નોટ સ્વરૂપે ફરી કાળું નાણું સંગ્રહ કરવાનો મોકો તેમને મળી ગયો. જે તે સમયે કેટલીક ચેનલો દ્વારા એવી જાહેરાતો પણ કરવામાં આવી હતી કે 2000ની નોટમાં ચીપ પણ લગાડવામાં આવી છે અને તે મુદ્દો મજાકનું કેન્દ્ર પણ બન્યો હતો. અગાઉની નોટબંધી વખતે જે મુદ્દા સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તે બૂમરેંગ થયા હોવાથી આ વખતે સરકાર દ્વારા એ કાળજી રાખવામાં આવી હતી કે કાળા નાણાંનો મુદ્દો આ વખતે રજૂ નહીં કરાય. સરકાર દ્વારા ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો.
આમ તો આ રીતે નોટબંધી થાય તો તેની ભૂતકાળની જેમ ખૂબ મોટી અસર થાય પરંતુ આ વખતે 2000 રૂપિયાની ચલણી નોટમાં આવી હોહા થવાની સંભાવના નથી. મોદી સરકારને 2000ની નોટ ચલણમાં મૂક્યાના બેથી ત્રણ વર્ષમાં જ એવું લાગવા માંડ્યું હતું કે 2000ની નોટનો ઉપયોગ માત્ર કાળા નાણાંને સંગ્ર કરવા માટે જ કરવામાં આવી રહ્યો છે. આ કારણે જ સરકારે 2019માં જ 2000ની નવી ચલણી નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. સરકાર દ્વારા તે સમયથી જ 2000ની ચલણી નોટ વ્યવહારમાંથી ખેંચી લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.
ના તો બેંક દ્વારા 2000ની નોટ આપવામાં આવતી હતી કે ના તો એટીમમાંથી 2000ની ચલણી નોટ નીકળતી હતી. સરકારે જ્યારે આ પગલાઓ લીધા ત્યારથી જ એવું મનાતું હતું કે સરકાર ગમે ત્યારે 2000ની ચલણી નોટ બંધ કરી દેશે. જોકે, 2000ની ચલણી નોટ વ્યવહારમાંથી બંધ કરી દેવા માટે મોદી સરકારે ચાર વર્ષનો સમય લીધો તે મોટી વાત છે. આરબીઆઈએ 2000ની નોટ ચલણમાંથી બંધ કરવા માટે કરેલી જાહેરાતમાં આગામી તા.30મી સપ્ટેમ્બર સુધી તેને બેંક દ્વારા રૂપિયા 20000ની મર્યાદામાં બદલી આપવાની પણ જોગવાઈ કરી છે. એટલે કે એક સમયે બેંકમાંથી 2000ની વધુમાં વધુ 10 નોટ જ બદલી શકાશે.
ભૂતકાળમાં જ્યારે સરકાર 500-1000ની નોટ ચલણીમાંથી સીધી બંધ જ કરી દીધી હતી પરંતુ આ વખતે આરબીઆઈ દ્વારા 2000ની નોટ ચલણમાં ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે, સરકાર આ નોટને બદલવાની મુદત લંબાવી પણ શકે છે અને જો એવું લાગે તો સરકાર 2000ની નવી નોટ પણ જારી કરી શકે છે. બેંક અગ્રણીઓના કહેવા પ્રમાણે, સરકાર આગામી દિવસોમાં 1000 રૂપિયાની નવી નોટ જારી કરી શકે છે. આરબીઆઈના 2016-17થી 2021-22ના વાર્ષિક અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા અત્યારસુધીમાં 500 અને 2000ની કુલ 6,849 કરોડ ચલણી નોટ છાપવામાં આવી છે. એમાંથી 1,680 કરોડથી વધુ ચલણી નોટો ચલણમાંથી ગાયબ થઈ ગઈ છે. જે નોટ ગાયબ થઈ ગઈ છે તેની કિંમત 9.21 લાખ કરોડ રૂપિયા છે.
આ રકમ જોતાં બની શકે છે કે આ નાણાંનો સંગ્રહ બહાર લાવવા માટે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોય. જો કે, નિષ્ણાંતોના મતે ખરી હકીકત એ છે કે, છેલ્લા ઘણા સમયથી રુપિયો ફરતો ઓછો થઈ ગયો છે. જ્યારે નાણું ફરે ત્યારે તેજી આવે અને જ્યારે નાણું ફરતું બંધ થાય ત્યારે મંદીનો માહોલ સર્જાય છે. સરકારની એવી પણ વિચારણા હોઈ શકે છે કે 2000ની નોટ ચલણમાંથી બંધ કરવાના પ્રયાસમાં જો આ સંગ્રહ કરાયેલું 9.21 લાખ કરોડનું નાણું બજારમાં આવશે તો બજારમાં ફુગાવો અને મોંઘવારી, બંને ઘટવાની સંભાવના છે. સરકાર દ્વારા 2000ની નોટ બંધ કરવાના નિર્ણયની સામાન્ય માણસોને વધારે અસર થાય તેમ નથી. કારણ કે ઘણા સમયથી આ નોટનું ચલણ ખૂબ જ ઓછું છે. જે અસર આવશે તે મોટા ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ રાજકારણીઓ તેમજ ભ્રષ્ટ અધિકારીઓને જ થશે. જોકે, હવે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયની શું શું અસરો થાય છે તે આગામી સપ્ટેમ્બર માસ પુરો થયા પછી જ ખબર પડશે તે નક્કી છે.