Columns

રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે

ગલ્ફના યુદ્ધને કારણે ભારત સરકારની ઊર્જાનીતિની પોકળતા છતી થઈ ગઈ છે. ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે દેશમાં ૨૫ દિવસ ચાલે એટલો ખનિજ તેલનો અને કુદરતી ગેસનો સ્ટોક છે, માટે ચિંતા કરવાની જરૂર નથી. ગલ્ફના યુદ્ધને માંડ દસ દિવસ થયા હતા ત્યાં જ સરકાર તરફથી કોમર્શિયલ રાંધણ ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે હોટેલનો વ્યવસાય સંકટમાં આવી ગયો છે. ઘણા હોટેલમાલિકો ઇન્ડક્શન ચૂલા તરફ વળી રહ્યા છે તો ઘણા લાકડાં ને છાણાંના ચૂલાનો વિકલ્પ પણ વિચારી રહ્યા છે. કાળાં બજાર અને સંગ્રહખોરીને કારણે પણ રસોઈ ગેસ સિલિન્ડરની અછત સ્પષ્ટ વર્તાઈ રહી છે.

દિલ્હી હાઈકોર્ટની કેન્ટીનમાં ભોજન બંધ કરી દેવામાં આવ્યું છે. અયોધ્યામાં મફત ભોજન પૂરું પાડતી રામ રસોઈને મંગળવારે એક કલાક વહેલી બંધ કરવી પડી હતી. બુધવારે તે અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ તમામ કેટરિંગ યુનિટને માઇક્રોવેવ અને ઇન્ડક્શન કુકિંગ વિકલ્પો વાપરવાની સૂચના આપી છે. ફિરોઝાબાદના કાચ ઉદ્યોગને પણ અસર થઈ રહી છે. ઉત્તર પ્રદેશ ગ્લાસ મેન્યુફેક્ચરર્સ સિન્ડિકેટે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.

ઓટોમેટિક કાચની બોટલ ફેક્ટરીઓ અને બંગડી ફેક્ટરીઓએ ઉત્પાદન ૩૦-૪૦ ટકા ઘટાડી દીધું છે. બંગડીની ફેક્ટરીઓ ધરાવતા ઉદ્યોગસાહસિકો મૂંઝવણમાં છે. તેઓ કહે છે કે ગેસ ક્વોટામાં ઘટાડો થવાથી તેમને વધુ સ્પોટ RLNG ગેસનો ઉપયોગ કરવાની ફરજ પડશે. છત્તીસગઢમાં ગેસ પુરવઠામાં વિક્ષેપ પડવાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય પર ભારે અસર પડી છે. વાણિજ્યિક ગેસ સિલિન્ડર ૫,૦૦૦ રૂપિયા  સુધી વેચાઈ રહ્યા છે. રાયપુરના માલવિયા રોડ પર આવેલી ગુજરાતી હોટલના સંચાલક મહેશ ખિલોશિયાએ જણાવ્યું હતું કે નિયમિત ગેસ સપ્લાયના અભાવે રસોડું ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. મેરેજ હોલ સંચાલકો કહે છે કે લગ્ન અને અન્ય કાર્યક્રમો પર પણ અસર પડી શકે છે.

મુંબઈ અને બેંગલુરુ જેવાં શહેરોમાં રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની દુકાનોએ પહેલાંથી જ ચેતવણી આપી છે કે જો પુરવઠો ટૂંક સમયમાં સ્થિર નહીં થાય તો તેમને રસોડાં કામચલાઉ બંધ કરવાની ફરજ પડી શકે છે. મોટી હોટેલ ચેઇન્સમાં વૈકલ્પિક ઇંધણ સ્રોતો હોઈ શકે છે. જો કે, નાના વ્યવસાયો તેમનાં રસોડાને ચાલુ રાખવા માટે સંપૂર્ણપણે થોડા LPG સિલિન્ડરો પર આધાર રાખે છે અને જ્યારે તે સિલિન્ડરો આવતા નથી, ત્યારે કામગીરી બંધ થઈ જાય છે. બેંગલુરુમાં, જ્યાં કોવિડના રોગચાળા પછી ક્લાઉડ કિચન ઝડપથી વિસ્તર્યાં હતાં, ત્યાં અછતને કારણે ઓપરેટરોને તેમના મેનુઓ પર ફરીથી વિચાર કરવાની ફરજ પડી છે.

ઇન્દિરાનગરમાં મોડી રાત સુધી ડોસા ક્લાઉડ કિચન ચલાવતા વિક્રમ ઐયર કહે છે કે તેમણે પહેલાંથી જ ઘણી વાનગીઓ ઓછી કરી દીધી છે. મુંબઈની ગીચ રેસ્ટોરન્ટ ઇકોસિસ્ટમ ખાસ કરીને સપ્લાય વિક્ષેપો માટે સંવેદનશીલ છે. અંધેરી પૂર્વમાં નાની રેસ્ટોરન્ટના માલિક મહેશ શેટ્ટી કહે છે કે રાંધણ ગેસના સપ્લાયર્સે ડિલિવરીની પુષ્ટિ કરવાનું બંધ કરી દીધું છે. કેટલીક રેસ્ટોરન્ટોમાં સગડી વાપરવાનું ચાલુ થઈ ગયું છે.

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર સ્પષ્ટપણે પડી રહી છે. ઝારખંડની રાજધાની રાંચીમાં LPG સિલિન્ડરની અછતને કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી પોતાનાં રોજિંદાં કામ છોડીને ગેસ સિલિન્ડર લેવા માટે પોતાના વારાની રાહ જોઈ રહ્યાં છે જેથી તેઓ ઘરે ભોજનની વ્યવસ્થા કરી શકે.

LPGના ભાવમાં વધારા બાદ, ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો હવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. લાઇનમાં ઊભેલા એક ગ્રાહકે કહ્યું કે તે છેલ્લા પાંચ દિવસથી ગેસ સિલિન્ડર માટે ચિંતિત છે, પણ મેળવી શક્યા નથી. તે સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભો છે, પરંતુ હજુ સુધી તે મળ્યું નથી. તેણે કહ્યું કે સરકાર દાવો કરે છે કે રસોઈ ગેસની કોઈ અછત નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે મેળવવો મુશ્કેલ બની ગયો છે. અન્ય દેશોમાં ચાલી રહેલાં યુદ્ધોની અસરો ભારતમાં અનુભવાઈ રહી છે.

ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને અછત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં ઝારખંડના મંત્રી ઇરફાન અંસારીએ કહ્યું કે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ગેસ સિલિન્ડરના ભાવો હવે વધી ગયા છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે. ફુગાવો ચરમસીમાએ પહોંચશે અને દેશ બરબાદ થઈ જશે. દેશ નજીકના ભવિષ્યમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. સરકાર ફક્ત હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમી રહી છે. યુદ્ધ બીજે ક્યાંક થઈ રહ્યું છે, બોમ્બમારો બીજે ક્યાંક થઈ રહ્યો છે, પરંતુ તેની અસર દેશભરમાં અનુભવાઈ રહી છે.

ભારતનાં રેસ્ટોરન્ટ અને નાનાં ખાદ્ય સેવા ક્ષેત્ર લાખો લોકોને રોજગારી આપે છે, જેમાં રસોઈયા, મદદગાર, ડિલિવરી રાઇડર્સ, સપ્લાયર્સ અને ક્લીનર્સનો સમાવેશ થાય છે. મોટી હોટેલ ચેઇનથી વિપરીત નાનાં સંચાલકો ઓછા માર્જિન પર કામ કરે છે. LPG સપ્લાયમાં થોડો વિક્ષેપ પણ તેમના વ્યવસાયોને સંપૂર્ણપણે બંધ કરી શકે છે. ઉદ્યોગ સંગઠનોએ પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી છે કે સતત અછત હજારો નાનાં ખાણીપીણીનાં સ્થળોને કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પાડી શકે છે અને જ્યારે મીડિયાની હેડલાઇન્સ વૈશ્વિક ભૂરાજનીતિ અને ઊર્જા બજારો પર કેન્દ્રિત છે, ત્યારે તેનાં પરિણામો દેશભરનાં પડોશનાં રસોડાંઓમાં અનુભવાઈ રહ્યાં છે.

ભારત હાલમાં વિશ્વમાં LPGનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. ગયા વર્ષે દેશમાં આશરે ૩.૩૧૫ કરોડ મેટ્રિક ટન LPGનો વપરાશ થયો હતો. ભારતની કુલ LPG માંગનો લગભગ બેતૃતીયાંશ ભાગ આયાતનો છે. વિશ્વના તેલ અને ગેસના શિપમેન્ટનો નોંધપાત્ર હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. તે પર્સિયન ગલ્ફને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડતો દરિયાઈ માર્ગ છે. ભારત તેના LPGનો ૯૦ ટકા હિસ્સો મધ્ય પૂર્વમાંથી આયાત કરે છે; તેથી આ ક્ષેત્રમાં કોઈ પણ વિક્ષેપ ભવિષ્યમાં પુરવઠાના અવરોધો અંગે ચિંતા પેદા કરી શકે છે.

આ બધા વચ્ચે દેશભરમાં ઘરેલું રસોઈ ગેસના ભાવમાં વધારો થયો છે, જે ૭ માર્ચ, ૨૦૨૬ થી અમલમાં આવશે. ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ૬૦ રૂપિયાનો વધારો થયો છે અને ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ૧૧૫ રૂપિયાનો વધારો થયો છે. આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને ફુડ આઉટલેટ જેવા વ્યવસાયો પર અસર થવાની ધારણા છે. મધ્ય પૂર્વના સપ્લાયર્સ પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતે અમેરિકા સાથે વ્યૂહાત્મક આયાત કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ વ્યવસ્થા હેઠળ આપણો દેશ ૨૦૨૬ના અંત સુધીમાં આશરે ૨૨ લાખ ટન LPG આયાત કરવાની યોજના ધરાવે છે. જો કે અમેરિકાનો ગેસ ભારતમાં પહોંચતાં હજુ મહિનાઓ નીકળી જશે. ખરી જરૂર ગેસની હાલની તંગીને દૂર કરવાની છે.

ગેસની અછતને કારણે, કેટલાંક હોટલ માલિકોએ ગ્રાહકોને ખોરાક પૂરો પાડવા માટે લાકડાં અને કોલસાનો ઉપયોગ કરવાનો આશરો લીધો છે. જો કે, આ વ્યવસ્થા કામચલાઉ છે અને તેના કારણે ખર્ચ વધી રહ્યો છે. હોટેલ માલિકોનું કહેવું છે કે જો પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઘણી નાની હોટલ અને રેસ્ટોરન્ટને કામચલાઉ ધોરણે બંધ કરવી પડી શકે છે. હોટેલ માલિકો કહે છે કે જો વાણિજ્યિક LPGનો પુરવઠો ટૂંક સમયમાં સામાન્ય કરવામાં નહીં આવે, તો તેની ખાદ્ય ઉદ્યોગ અને તેના સંબંધિત રોજગાર પર પણ નોંધપાત્ર અસર પડી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top