Charchapatra

સરકાર આતંકી તત્વોને નરકના દરવાજે પહોંચાડે

તાજેતરમાં પહેલગામ વિસ્તારમાં નિસહાય નિર્દોષ પ્રવાસીઓ પર શૈતાન સ્વરૂપના નરાધમોએ કાયરતા પૂર્વકનો હુમલો કરી ભાગી ગયા હોવાની ઘટના બની. પશુતા પણ શરમાઇ જાય તેવા પ્રકારનું કૃત્ય ગણાય. પાડોશી દેશ પાકિસ્તાન પર આતંકીઓને આતંકી પ્રશિક્ષણ અને રક્ષણ આપવાની કુચેષ્ટાની શંકા જયા વિના રહે નહિ. વળી પાકિસ્તાન પોતાને ઇસ્લામી ગણતંત્ર ગણાવે છે તો પછી સવાલોનો સવાલ એ થાય છે કે નિર્દોષ નિસહાય લોકોની હત્યાઓ જેવા ઘાતકી કૃત્યને તો ઇસ્લામ સાથે દૂરદૂરનો પણ સંબંધ નથી.

ઇસ્લામ ધર્મમાં માનવતાના દુશ્મન તરીકે શૈતાનનું વર્ણન કરવામાં આવ્યું છે. માનવરૂપી શૈતાનો નિર્દોષ લોકોની હત્યાઓને અંજામ આપતા ખચકાય નહિ ત્યારે તેઓએ સમજી લેવાની જરૂર છે કે નેકીનો બદલો નેક છે અને બુરાઇનો બદલો બુરો છે. ખુદા આવા શૈતાનોને દુનિયામાં અને કયામતના દિવસે એમને માફ કરશે નહિ. તેઓ છટકી શકશે નહિ. તે પહેલા આપણી સરકારે પણ આવા નઠારા તત્વોને વાસ્તવિક નરકના દરવાજા સુધી પહોંચાડી દેવા જોઇએ.
સુરત     – અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top