Gujarat

વાઈબ્રન્ટ સમિટ પહેલા સરકાર નવી ગ્રીન હાઈડ્રજન ફયુઅલ નીતિ જાહેર કરશે


ગુજરાતની 10મી વાયબ્રન્ટ સમિટ પૂર્વે મૂડીરોકાણ આકર્ષવા રાજ્ય સરકાર ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ નીતિ લાવી રહી છે.રાજ્યના કચ્છ સહિત દરિયાકિનારાના અનેક વિસ્તારોમાં સરકારી જમીન અનામત કરી દેવામાં આવી છે. વાયબ્રન્ટ સમિટ પહેલાં ગ્રીન હાઇડ્રોજન પોલિસી જાહેર કરવામાં આવશે. અત્યારે આ પોલિસી હેઠળ મુખ્યમંત્રી કાર્યાલય અને સંલગ્ન વિભાગોના અધિકારીઓની બેઠકો ચાલી રહી છે.

આ નીતિ અંતર્ગત હાઈડ્રોજન ઈંધણ ઉત્પાદન જેવા સનરાઈઝ સેક્ટર કે જે ક્ષેત્ર નવું છે અને દુનિયાના દેશોમાં વિકસી રહ્યું છે અને તે ભવિષ્યમાં મહત્વપૂર્ણ બનવાનું છે તેના માટે નાણાકીય સબસિડી અથવા વાયેબિલિટી ગેપ ફંડિંગના સ્વરૂપમાં પ્રોત્સાહનો સમાવાશે.રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ તેને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ફ્યુચર ફ્યુઅલ માટે અમે ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાવી રહ્યાં છીએ, જેમાં પ્રોજેક્ટ સ્થાપનારા ઉદ્યોગજૂથોને અનેક પ્રોત્સાહન અને જમીન અપાશે.

વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન ઉર્જા ઉત્પાદનને આબોહવા પરિવર્તનના પ્રતિકાર તરીકે જોવામાં આવે છે જે નાણાકીય પ્રોત્સાહનો સંશોધન અને વિકાસ અને માનવ સંસાધનોના ક્ષેત્રને પણ આવરી લેશે. ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અદાણી જૂથ, એલએન્ડટી, એનટીપીસી, ગેઇલ અને આઇઓસી જેવી કેટલીક મોટી કંપનીઓ હાઇડ્રોજન ફ્યુઅલ પ્રોજેક્ટ માટે ઉત્સુક હોવાનું માનવામાં આવે છે.

સચિવાલયના ઊર્જા વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ માટે અત્યારે અમેરિકા, જાપાન, ચીન, રશિયા, યુરોપિયન દેશો, યુકે, નેધરલેન્ડ જેવા દેશો ખૂબ આગળ નિકળી ગયા છે. આ દેશોએ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ શોધવા માટે ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલના પ્રોજેક્ટોને ઝડપથી માન્યતા આપવાનું શરૂ કર્યું છે ત્યારે ભારત સરકારે પણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારના પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા માટેના પગલાં ભરવાના શરૂ કર્યા છે.

Most Popular

To Top