ચાર વર્ષ પહેલા વિશ્વમાં આવેલી કોરોના નામની મહામારીએ આખા વિશ્વની હાલત ખરાબ કરી નાખી હતી. બિનસત્તાવાર રીતે કોરોનાને કારણે આશરે 2 કરોડથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે વૈશ્વિક અર્થતંત્ર તાસક પર મૂકાઈ ગયું હતું. વિશ્વ માંડ માંડ કોરોનાની મહામારીમાંથી ઉગર્યું છે ત્યારે વિશ્વમાં ફરી ગમે ત્યારે મોટી મહામારી આવવાનો દાવો વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ દ્વારા કરવામાં આવ્યો છે. ટેડ્રોસએ દાવા સાથે ચેતવણી આપી છે કે, વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવશે. હેલ્થ સ્ટડીમાં કરાયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે, ગમે ત્યારે મોટી મહામારી આવવાનો ખતરો છે. તેમણે ડબલ્યુએચઓની બેઠકમાં બોલતા કહ્યું કે, ‘આગામી સમયમાં કોઈપણ સમયે ગમે ત્યાં વૈશ્વિક સંકટ આવી શકે છે. આ સંકટ આવવામાં 20 વર્ષ પણ લાગી શકે છે અને કદાચ આવતીકાલે પણ આવી શકે છે.’
ટેડ્રોસએ આગામી મહામારી માટે વિશ્વને તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભૌગોલિક રાજકીય સ્થિતિ અને આર્થિક સંકટ કોરોના મહામારીની યાદ અપાવી રહ્યા છે. આપણે આગામી મહામારી માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારી આવતીકાલે અથવા તો આગામી 20 વર્ષ બાદ આવી શકે છે. કોરોના મહામારીમાં સરકારી આંકડા મુજબ 70 લાખ લોકોના મોત થયા હતા, જોકે તેનો વાસ્તવિક આંકડો બે કરોડથી વધુ હોઈ શકે છે. વૈશ્વિક મહામારીના કારણે અર્થવ્યવસ્થાને 10 હજાર અબજ ડૉલરનું નુકસાન થયું હતું.
‘આગામી મહામારીને ધ્યાને રાખી અન્ય દેશો સાથે મહામારી અંગે ચર્ચા કરવાની તેમજ સમજૂતી કરવાની જરૂર છે. જેથી વૈશ્વિક સ્તરે સરકારો રોગચાળાનો સામનો કરવા માટે એક વ્યૂહરચના માટે વૈશ્વિક ભાગીદારી દ્વારા બંધાયેલી રહે. આપણે વિશ્વભરની સરકારોને સાથે સમજૂતી કરવા આગળ વધવું જોઈએ અને સાર્વત્રિક સર્વસમાવેશક કરાર કરવો જોઈએ. તેમણે ડબલ્યુએચઓની બેઠકમાં આવેલા દેશના તમામ પ્રતિનિધિઓને અપીલ કરી છે કે, આપણે હવે આ સમજૂતીને અંતિમ રૂપ આપવાની જરૂર છે, તેથી તમે સર્વસંમતિથી કરાર માટે તૈયાર થઈ જાઓ.
ટેડ્રોસની આગાહી ગંભીર છે. કોરોના જેવી મહામારી ગમે ત્યારે આવી શકે છે. આવી મહામારી લોકોના જીવ લેવાની સાથે સાથે આર્થિક રીતે મોટું સંકટ ઊભું કરી શકે છે. જેમ યુદ્ધ માટે સરકારે તૈયાર રહેવું પડે છે. તેવી જ રીતે મહામારી માટે પણ જે તે દેશની સરકારોની તૈયારી હોવી જરૂરી છે. જો આ તૈયારીઓ હશે તો જ મહામારીના સમયે લોકો અને અર્થતંત્રને બચાવી શકાશે. આજના સમયમાં જે રીતે સ્પર્ધાનો માહોલ છે તેણે સ્થિતિને જટીલ બનાવી દીધી છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ભારતમાં સદીઓથી ભવિષ્યનો વિચાર કરીને પગલા લેવાની પ્રથા અમલમાં છે.
પ્રત્યેક કુટુંબ દ્વારા સંકટના સમયનો સામનો કરી શકાય તે માટે નાણાંથી માંડીને અન્ય જોગવાઈઓ રાખવામાં જ આવે છે. આજ રીતે સરકારોની પણ તૈયારીઓ જરૂરી છે. કોરોના વખતે પ્રત્યેક દેશની સરકાર ઉંઘતી ઝડપાઈ હતી. ત્યાં સુધી કે પ્રથમ લહેર વખતે દર્દીને કઈ દવા આપવી તે પણ નક્કી નહોતું. મહામારી વાયરસ કે પછી બેકટેરિયાના સ્વરૂપમાં આવી શકે છે. ટેડ્રોસએ ઉઠાવેલો મુદ્દો વિચારણાને પાત્ર છે અને ભારત સરકાર તેને ગંભીરતાથી લેશે તો ભવિષ્યમાં મહામારીના સમયમાં ભારતનો ઓછા જોખમ અને નુકસાને ઉગારો થશે તે નક્કી છે.
