કોઈપણ દેશને પચાવી પાડવા માટે ભૂતકાળમાં યુદ્ધો ખેલાતા હતા. જોકે, બ્રિટને વિશ્વના અન્ય દેશો પર વેપારના માધ્યમથી ઘૂસીને તે દેશ પર કબ્જા જમાવ્યા હતા. હાલમાં ચીન બ્રિટનની પદ્ધતિને અનુસરી રહ્યું છે. ચીન દ્વારા દુનિયાના નાના દેશોને નાણાંકીય સહાય કરીને તેની પર વર્ચસ્વ જમાવવામાં આવી રહ્યાં છે. આ તમામની વચ્ચે હવે જે તે દેશની પ્રજાને ભ્રમિત કરવા માટે અને આના દ્વારા તે દેશમાં અરાજકતા ઊભી કરીને તે દેશ પર કબ્જો જમાવવા માટે હવે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થવા માંડ્યો છે. ભૂતકાળમાં વિદેશી તાકતો દ્વારા જે તે દેશની ચોથી જાગીરને કબ્જામાં લેવાના પ્રયાસો કરવામાં આવતા હતા. તે જ રીતે હવે સોશિયલ મીડિયાને ખરીદીને અથવા તો સોશિયલ મીડિયા પર વિચારધારાનો મારો કરીને તે દેશને હેરાન કરવાના અને તેમાં અંધાધુંધી ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયાના માધ્યમ થકી જ હવે જે તે દેશના રાજનેતાઓ પણ દેશની પ્રજાને ભ્રમિત કરવા અને પોતાની તરફે કરવા માટે દાવપેચ ખેલી રહ્યાં છે.
સોશિયલ મીડિયાની સારી અસરની સામે તેની ખરાબ અસર પણ તેટલી જ છે. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા ભારતની વિરોધમાં સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહેલા અભિયાનનો ખુલાસો થયો હતો. પાકિસ્તાન દ્વારા ઓપરેટ કરવામાં આવતી 20 જેટલી યુ-ટ્યુબ ચેનલ તેમજ બે વેબસાઈટ પર આ કારણે જ ભારત સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. આ ચેનલ્સ અને વેબસાઈટ પર ભારત સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓ પર ફેક ન્યુઝ ચલાવવામાં આવી રહ્યાં હતાં. આ ચેનલ્સ અને વેબસાઈટને નયા પાકિસ્તાન ગ્રુપ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ ગ્રુપ દ્વારા યુ-ટ્યુબ ચેનલનું આખું એક ગ્રુપ ઊભું કરવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા અન્ય ચેનલો પણ ચલાવવામાં આવી રહી છે. પાકિસ્તાનની આ નાપાક હરકતનો ખુલાસો થયો પરંતુ પાકિસ્તાનની સાથે સાથે ચીન કે પછી અન્ય રાષ્ટ્રો દ્વારા પણ ભારતમાં આ રીતે ફેક ન્યુઝ ચલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જે રીતે પાકિસ્તાનના ઈરાદાનો પર્દાફાશ થયો છે તે જોતાં ભારત સરકારે હવે માત્ર સરહદ પર જ નહીં પરંતુ ઈન્ટરનેટ પર પણ યુદ્ધ લડવું પડશે. યુ-ટ્યુબ ચેનલની સાથે સાથે વેબસાઈટ અને સોશિયલ મીડિયાના અન્ય સ્ત્રોત દ્વારા પણ ભારતની વિરૂદ્ધમાં ફેક ન્યુઝ ચલાવવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જે સહજતાથી દરેક વ્યક્તિ પાસે ઉપલબ્ધ છે. દિવસે ને દિવસે સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે.
આ કારણે સરકારે હવે આખા સોશિયલ મીડિયા પર નજર રાખવાની નોબત આવી છે. હાલમાં પાકિસ્તાનની યુ-ટ્યુબ ચેનલ્સ અને વેબસાઈટનો પર્દાફાશ થયો છે પરંતુ અન્ય દેશો દ્વારા પણ આ રીતે ભારતની સામે પરોક્ષ યુદ્ધ ખેલાતું હોય તો નવાઈ નહીં હોય. ચીન સહિતના અન્ય વિવિધ દેશ દ્વારા પોતાને ત્યાં ફેક ન્યુઝને ફેલાતા અટકાવવા માટે સોશિયલ મીડિયાના અનેક સ્ત્રોતને બ્લોક કરી દેવામાં આવ્યા છે. પરંતુ ભારતમાં હજુ તેની શરૂઆત છે. સરકારે હવે તે ક્લિયર કરવાની જરૂરીયાત છે કે સોશિયલ મીડિયા પર આવતા સમાચારો કેટલા સાચા છે? સરકારે આ માટે એક સિસ્ટમ ઊભી કરવાની જરૂરીયાત છે તે નક્કી છે.