Charchapatra

સર્વનાશ અટકાવવા સરકાર કાંઇ કરે

તા.24-1-24ના દિને ‘ગુજરાતમિત્ર’માં ‘સમુદ્ર એક કિનારા અનેક’માં સામુહિક વિનાશના હસ્તાક્ષરો’ શીર્ષક હેઠળનો અતિ શોચનીય લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એ લેખમાં ChatGPT જેવા આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ પત્રો લખી આપે, ટુચકા કહી શકે અને કાનૂની સલાહ પણ આપે, પણ તે કમ્પ્યુટરાઈઝ ટેક્ષ્ટના સ્વરૂપે. તે આપણી સહીની આબેહુબ નકલ પણ કરી શકે. આમ બીજાને ઠગવા માટે જાણે કે સ્પર્ધા ચાલી રહી છે. હસ્તાક્ષરમાં આપણા હસ્તાક્ષર કયા છે તે પારખી શકીએ નહીં. આ નવી શોધમાં જોખમ જેવા તેવા નથી.  GAN એટલે જનરેટિવ એડવર્સિયલ નેટવર્ક નામનું વૈજ્ઞાનિકોએ યંત્ર વિકસાવ્યું છે. આ ટેકનોલોજીથી કોઇ પણ ચિત્રમાંથી નવું ચિત્ર અને સંગીતમાંથી નવું સંગીત પેદા કરી શકાય અને આ ટેકનિક બનાવટી ચહેરા અને નવું સંગીત પેદા કરવામાં વપરાવા લાગ્યા.

બીજાના અવાજની ઘાતકી નકલ, માણસના ચહેરા વર્તન વગેરે કૃત્રિમ બુદ્ધિથી થાય છે.આ બધું ખૂબ જ જોખમકારક છે. આ નવી ટેકનોલોજી અબુધામી મોહમ્મદબીન ઝૈયદ યુનિવર્સિટી ઓફ આર્ટિફિશ્યલ ટેકનોલોજી  HWT  તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે સૌ સત્તાધારી રાજનીતિજ્ઞોએ ભેગા મળી આવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. લેખક કહે છે તેમ સર્વનાશ થાય તો નવાઈ નહીં. આ લેખમાં સારી એવી માહિતી લેખકે રજૂ કરી છે. નિરક્ષર લોકો આમ તો છેતરાય જ છે અને હવે ભણેલા પણ ભૂલા પડશે તો નવાઈ પામવા જેવું નથી. માણસ જ માણસની ઘોર ખોદી રહ્યો છે એવું બની રહ્યું છે.
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

લોકશાહીની ક્રૂર મજાક
બિહારની રાજનીતિમાં આજે જે બન્યું એ પછી શું સંવિધાન? શું લોકશાહી? શું જનમતની દરકાર? લોકશાહીને મજાક બનાવીને મૂકી દીધી છે.આવું શીખવાડે છે ધર્મ? આવા આદર્શ છે પ્રભુ શ્રી રામના નામ લેનારાના? ત્યાગ અને તપસ્યાનો પર્યાય એટલે રામ.અને અહીં સામ, દામ,દંડ અને ભેદ,યેન કેન પ્રકારે સત્તા જાળવી રાખવા માટે લોકલાજને સાવ કોરાણે મૂકી દીધી છે.અન્ય પક્ષો કે વિપક્ષો માની લઈએ કે ખૂબ જ ભૂલો ભૂતકાળમાં કરી ચૂક્યા હશે તો એમની ભૂલોને સુધારવા આ લોકો આવ્યા છે કે થઈ ગયેલી ભૂલોથી પણ વધુ મહાન અને મોટી ભૂલોના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા આવ્યા છે.આવું જ બધું કરવું હોય અને લોકોને પણ ગમતું હોય તો બંધ કરો આ ઇલેક્શનના ખોટા તાયફા અને ખર્ચા અને મન ફાવે તેને મન ફાવે તે હોદ્દો સોંપી દો.આંખના બદલે આંખના નિયમ પ્રમાણે સરવાળે આખી દુનિયા આંધળી થઈ જશે.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top