અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની ( corona) મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. હોસ્પિટલોમાં બેડ ( bed) ની અછત વચ્ચે ઓક્સિજનની પણ સમસ્યા ઊભી થઈ છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ઓક્સિજનના ( oxygen) અભાવે 66 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા ( drug control of india) એ ચેતવણી આપી હોવા છતાં રાજ્ય સરકારે કોઇ જ કાર્યવાહી ન કરી રાજ્યમાં ઓક્સિજનના અભાવ અને અછતએ સરકારનું ગુનાહિત બેદરકારી ભર્યું કૃત્ય છે, તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના કંટ્રોલર જનરલ ડોક્ટર વી.જી. સોમાણીએ પત્ર લખ્યો હતો. જેમાં તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટેના ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2020માં સ્ટેન્ડિંગ પાર્લામેન્ટરી કમિટીએ સરકારને ઓક્સિજન અંગે તાકીદ કરી હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ઓક્સિજનની અછત માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ સંપૂર્ણપણે જવાબદાર છે. હાલમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, દર્દીઓ ભગવાન ભરોસે છે. હોસ્પિટલમાં બેડ મળી જાય તો હોસ્પિટલમાં ઓક્સિજન મળતો નથી, તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઔદ્યોગિક એકમો માટે ઓક્સિજન તૈયાર કરનારા એકમોને સરકારે મંજૂરી નહોતી આપી, સરકારની આ પોલીસીને કારણે આજે હોસ્પિટલમાં દર્દીઓ ઓક્સિજન માટે દર્દીઓ ટળવળી રહ્યા છે.
ડો. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં ઔદ્યોગિક ગેસ એકમના 10 જેટલા પ્લાન્ટ છે. તેમ છતાંય રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. આમ ઓક્સિજનની અછત રાજ્ય સરકારની ગંભીર બેદરકારી છે. આજની સ્થિતિ રાજ્યમાં ચાર લાખથી વધુ કોરોનાના કેસો નોંધાયેલા છે. ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. શહેર અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાં સ્થિતિ કફોડી બની રહી છે, અને દિવસે દિવસે સ્થિતિ વધુ કફોડી બનતી જાય છે. ભાજપની અનગઢ નીતિને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
રાજ્યમાં એક તરફ કોરોનાના દર્દીઓ તેમજ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રેમડેસિવિર મળતા નથી , આ ઉપરાત ઓકિસજનનો જથ્થો પણ મળતો નથી તે માટે ત્વરીત પગલા ભરવા માટે ખુદ ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સોમવારે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.ઈનામદારે પત્રમાં લખ્યું છે કે વડોદરા મનપા દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારની હોસ્પિટલો એમ બે કેટેગરીમાં વહેંચીને ઓક્સિજનનો જથ્થો આપવાનું બંધ કરી દેવાયું છે. જો આ ઓક્સિજનનો જથ્થો આપવાનું બંધ કરી દેવાશે તો દર્દીઓનું શું થશે ? આ બાબતે મારો સખ્ત વિરોધ છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બિમારીએ પગપેસારો કરી દીધો છે, એટલે લોકડાઉનનો અથવા તેને અનુરૂપ પગલા લેવા જરૂરી છે. વધુમાં રેમડેસિવિર ઈન્જેકશનની ખુબ તકલીફ પડી રહી છે, તે પણ દૂર કરવી જોઈએ.