યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે ભારત સરકારે મિશનનું નામ ઓપરેશન ગંગા રાખ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ અંગેની જાણકારી આપી હતી. હકીકતે યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી નીકળીને રોમાનિયાના રસ્તેથી એર ઈન્ડિયાનું વિમાન 219 ભારતીયોને લઈને શનિવારે સાંજે મુંબઈ ઉતર્યું હતું. રશિયાના હુમલાના કારણે યુક્રેની હવાઈ ક્ષેત્રને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ ત્યાં ફસાયેલા ભારતીયોને ઉગારવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો યુક્રેનથી બસોમાં સવાર થઈને રોમાનિયા પહોંચી રહ્યા છે. રોમાનિયાના શહેર બુખારેસ્ટ ખાતેથી તેઓ સૌ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર થઈને ભારત પહોંચ્યા છે.
ઓપરેશન ગંગા અંતર્ગત બીજી ઉડાનમાં રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી 250 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયા 1942 ફ્લાઈટ રવિવારે વહેલી સવારે આશરે 03:00 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ત્યાં યુક્રેનથી પરત આવેલા પ્રત્યેક ભારતીયને ગુલાબ આપીને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટરના માધ્યમથી ઓપરેશન ગંગા અંતર્ગત 240 ભારતીય નાગરિકો સાથેની ત્રીજી ફ્લાઈટ હંગરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના થઈ હોવાની માહિતી આપી હતી.શનિવારે જ્યારે 219 વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિમાન મુંબઈમાં ઉતર્યું ત્યારે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે તેમને રીસિવ કર્યા હતા.
તે સિવાય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વિટ કરીને ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘વેલકમ બેક. હેશટેગ ઓપરેશન ગંગાનું પ્રથમ સ્ટેપ.’ જો કે, અહીં ગંભીર બેદરકારી પણ સામે આવી હતી અને તે એ હતી કે રશિયા અને યૂક્રેન વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે યૂક્રેનમાં 350 જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા હોવાની જાણકારી વાલીઓએ 14મી ફેબ્રુઆરીએ જ ગુજરાત સરકારને આપી દીધી હતી. વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી. ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓમાં વડોદરાના પણ હતા. જેમને પરત લાવવા માટે વાલીઓ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.
વાલીઓનું કહેવું હતું કે, વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે સર્પક કરી વિશેષ વિમાનની વ્યવસ્થા કરી ફસાયેલા વિદ્યાર્થીઓને ગુજરાત લાવવામાં આવે. સંભવિત યુદ્ધના કારણે ફ્લાઈટના ભાડામાં અધધધ વધારો કરાયો છે. જે ફ્લાઈટનું ભાડું સામાન્ય રીતે 20 હજાર હોય છે તેનું હાલ એક લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં તે સમયે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન કર્યું ન હોય તેમ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કેન્દ્ર સરકારે કોઇ ગોઠવણ કરી ન હતી. યુદ્ધ તો ચાર દિવસ પહેલા શરૂ થયું અને તેના એક સપ્તાહ પહેલા જ વડોદરાના વાલીઓએ ગંભીર સ્થિતિની જાણ સરકારને કરી દીધી હતી.
તે સમયે તો દરેક એરસ્પેસ ખુલ્લી હતી. સરકાર ધારતે તો એરલાઇન્સ સાથે સંકલન કરીને વધુ વિમાનો મોકલીને તમામ લોકોને પરત લાવી શકાય તેવી સ્થિતિ હતી. તે સમયે વાલીઓ પોતાના ખર્ચે વિદ્યાર્થીને લાવવા માટે પણ તૈયાર હતાં. તેમની વિનંતી માત્ર એટલી જ હતી કે, સરકાર વિદ્યાર્થીને પરત લાવવા માટે સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરે. પરંતુ તે સમયે તેમ થયું નહીં અને ભારતીય વિદ્યાર્થીઓને મિસાઇલ અને બોમ્બ ધડાકાની વચ્ચે ભૂખ્યા તરસ્યા બંકરમાં રહેવા માટે છોડી દેવામાં આવ્યા. હવે સરકાર જાગી છે અને સ્પેશિયલ વિમાન મોકલી રહી છે. જ્યારે સામાન્ય સ્થિતિ હતી ત્યારે જ જો વિમાનો મોકલી આપવામાં આવ્યા હોત તો ભારતના બાળકોને આવી રીતે સબડવાનો વારો નહીં આવ્યો હોત.