Editorial

કોરોના જેવા જ લક્ષણો ધરાવતા H3N2 વાયરસ પ્રત્યે સરકાર ગંભીર બને તે જરૂરી

કોરોનાની મહામારી હજુ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ શકી નથી અને ત્યાં કોરોના જેવા જ લક્ષણો ધરાવતા ફ્લુએ માથું ઉંચકીને લોકોને હેરાન કરી નાખ્યા છે. સ્વાઈન ફ્લુમાંથી મ્યુટેટ થઈને આ ફ્લુનો વાયરસ આવ્યો છે. આ વાયરસને  H3N2 વાયરસ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આ વાયરસના એકાદ-બે કેસ નોંધાયા હતા પરંતુ ધીરેધીરે આખા ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ આ વાયરસના કેસ ફેલાવા માંડ્યા છે. આ ફ્લુ સામાન્ય ફુલ જેવો જ છે પરંતુ તેની અસર નાબૂદ થવામાં સમય લાગે છે અને તેને કારણે દર્દી હેરાન થઈ જાય છે.

આ  ફ્લુથી ગભરાવા જેવું નથી પરંતુ જે રીતે તેનાથી સાજા થવામાં સમય લાગે છે તેણે લોકોને ગભરાવી મૂક્યા છે. આ  ફ્લુમામં સામાન્ય શરદી,ખાંસી,તાવ જેવા લક્ષણો જ આવે છે પરંતુ તેનાથી સાવચેત રહેવું જરૂરી છે તેમ તબીબો કહી રહ્યા છે. ગુજરાતમાં આ વાયરસના કેસની સંખ્યા વધી રહી હોવા છતાં પણ સરકાર હજુ સુધી આ  વાયરસ મામલે એટલી જાગૃત નથી. કારણ કે આ વાયરસ એટલો જીવલેણ નથી.

રાજકોટના એઈમ્સના ડિરેકટર સીડીએસ કટોચે કહી રહ્યા છે કે આ વાયરસ એટલો ગંભીર નથી પરંતુ તે દર્દીને ખાંસી ,શરદી અને તાવમાં હેરાન કરી નાખે છે. આ કારણે જ તેનાથી વધુ સાવચેત રહેવાની જરૂરીયાત છે. કટોચે જણાવી રહ્યા છે કે, આ વાયરસ સ્વાઈન ફ્લુના H1N1માંથી મ્યુટેટ થયેલો વાયરસ છે. જેથી તેમાં સ્વાઈન ફ્લુ જેવા લક્ષણો પણ આવે છે. આ એક પ્રકારનો ઈન્ફ્લુએન્ઝા વાયરસ છે. શ્વાસ સંબંધિત વાઈરલ ઈન્ફેકશન આના કારણે થાય છે. આશરે 3થી 4 અઠવાડિયા સુધી દર્દીને આના લક્ષણો રહે છે.

ત્રણેક દિવસ સુધી તાવ રહે છે અને બાદમાં 4 અઠવાડિયા સુધી ઉધરસ રહે છે. આ પ્રકારના ફ્લુમાં કોરોનાની ગાઈડલાઈનની જેમ જ સાવચેતી રાખવામાં આવે તો તેનાથી બચી શકાય છે. આ વાયરસના કેસ વધી રહ્યા હોવાને કારણે કેટલાક શહેરોમાં હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ વાયરસને કારણે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ફ્લુના કેસમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ફ્લુમાં માત્ર લક્ષણો જોઈને નક્કી કરી શકાતું નથી. તેના માટે લોહીના નમુના લઈને તપાસ કરવામાં આવે છે અને બાદમાં જ તેને કન્ફર્મ કરી શકાય છે. જેને આ પ્રકારના ફ્લુના લક્ષણો જોવા મળે તો તેણે તાત્કાલિક ડોકટર પાસે નિદાન કરાવીને જ દવા લેવી જોઈએ. સીધી એન્ટિબાયોટિક લેવાને કારણે જીવનું જોખમ ઊભું થઈ જાય છે. આ વાયરસને કારણે સુરત અને વડોદરામાં મોત થયા છે.

જેને કારણે આ વાયરસની ગંભીરતા વધી જવા પામી છે. ગુજરાતમાં હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરંતુ આ વાયરસને કારણે પોંડિચેરીમાં ધો.1થી 8ની શાળાઓ 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ આ વાયરસના કેસ વધી રહ્યા છે. આ ફ્લુનો એકપણ કેસ નોંધાયો નહીં હોવા છતાં પણ ગોવા સરકારે તેના માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેટલી તૈયારી ગોવા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેટલી તૈયારી જોકે, ગુજરાતમાં કરવામાં આવી નથી. જે રીતે ગુજરાતમાં આ ફ્લુના કેસ વધી રહ્યા છે તે જોતાં ગુજરાત સરકારે તાકીદના ધોરણે જાગી જવાની જરૂરીયાત છે. કોરોનાની શરૂઆત પણ આવી જ રીતે થઈ હતી અને બાદમાં તેણે જે કાળો કેર વર્તાવ્યો છે તેને સરકારે ભૂલવું જોઈએ નહીં.

જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં ફ્લુના કેસ વધે તેવી સંભાવના છે. ક્લાઈમેટ ચેન્જને કારણે આમ પણ રોગચાળો ફેલાય તેવી સ્થિતિ હોય જ છે તેમાં આ વાયરસે નવો ઉપાડો લીધો છે. અગાઉ સ્વાઈન ફ્લુએ અનેકનો ભોગ લીધો હતો. ભલે અત્યારે આ વાયરસને કારણે મોતનો આંકડો એટલો મોટો નથી પરંતુ જે રીતે વાયરસની મ્યુટેટ થવાની પ્રકૃતિ હોય છે તે રીતે આગામી દિવસોમાં આ વાયરસ મ્યુટેટ થઈને ફરી લોકોને હેરાન કરે તો નવાઈ નહીં હોય. ગુજરાત અને સાથે સાથે કેન્દ્ર સરકારે ચેતીને તાકીદના ધોરણે પગલાઓ લેવાની જરૂરીયાત છે. જો તેમ નહીં થાય તો કોરોનાની જેમ આ વાયરસ પણ આગામી દિવસોમાં મોટી મહામારી બની જશે તે નક્કી છે.

Most Popular

To Top