Editorial

સરકારે ઝડપથી 500થી વધુના મૂલ્યની ચલણી નોટ બજારમાં લાવવી જ પડશે

ભૂતકાળમાં મોરારજી દેસાઈના શાસન વખતે દેશમાં નોટબંધી કરવામાં આવી હતી. બાદમાં નરેન્દ્ર મોદીના શાસનમાં દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દેવાઈ હતી. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બાદમાં 500 અને 2000ની નવી નોટ ચલણમાં મુકવામાં આવી હતી. આશરે સાતેક વર્ષ બાદ હવે 2000ની નોટ પણ ચલણી પર પરત ખેંચવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર ધીરેધીરે 2000ની નોટ ચલણમાંથી દૂર કરી રહી છે અને તેને કારણે હવે નાણાંકીય વહેવારમાં મુશ્કેલીઓ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે.

સામાન્ય રીતે જેમ જેમ સમય જાય અને પ્રગતિ થાય તેમ તેમ ચલણનું મૂલ્ય ઘટતું જાય છે. મોંઘવારી વધે તેમ તેમ વસ્તુની કિંમત વધે છે અને તેને કારણે જ્યારે ખરીદારી કરવાની હોય ત્યારે મોટી રકમની ચલણી નોટની જરૂરીયાત ઊભી થાય છે. ભૂતકાળમાં 1000ની ચલણી નોટ માર્કેટમાં હતી અને ત્યારબાદ 2000ની ચલણી નોટ માર્કેટમાં ચાલી રહી હતી પરંતુ હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે 2000ની ચલણી નોટ માર્કેટમાં ચલાવવા માટે ભાગ્યે જ કોઈ તૈયાર છે અને તે કારણે લોકોએ 500ની ચલણી નોટ ખિસ્સામાં લઈને ફરવું પડે તેવી નોબત આવી છે. ભૂતકાળમાં 1000ની ચલણી નોટ હતી ત્યારે રાહત હતી પરંતુ હવે સિનારીયો તેનાથી ઉંધો થઈ ગયો છે અને 1000ની નોટ ફરી ચલણમાં લાવવામાં આવે તેવી જરૂરીયાત ઊભી થઈ ગઈ છે.

તાજેતરમાં જ્યારે 2000ની ચલણી નોટને પરત ખેંચવા માટે પગલાઓ જાહેર કરવામાં આવ્યા ત્યારે એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે આગામી દિવસોમાં ફરી માર્કેટમાં 1000ની ચલણી નોટ આવશે પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારનો હાલના તબક્કે 1000 રૂપિયાની ચલણી નોટ માર્કેટમાં મુકવાનો કોઈ જ પ્લાન નથી. હાલમાં ભારતના બજારોમાં એક અંદાજ પ્રમાણે 33.48 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટ ફરી રહી છે. જેમાં રૂપિયા 1થી શરૂ કરીને રૂપિયા 500 અને 2000ની ચલણી નોટનો સમાવેશ થાય છે. તેમાં પણ હાલમાં 25 લાખ કરોડ રૂપિયાની એકલી 500ની જ ચલણી નોટ ભારતીય બજારોમાં ફરી રહી છે. હાલમાં ભારતીય બજારોમાં સૌથી મોટા મૂલ્યની નોટ 500ની જ હોવાથી ચલણનો મોટો ભાર તેની પર મુકાઈ ગયો છે. સરકારે ભલે અગાઉની જેમ પેનિકનો માહોલ નહીં સર્જાય તે માટે 2000ની ચલણી નોટ રાતોરાત બજારમાંથી બંધ કરી દીધી નથી પરંતુ સરકારે હાલની સ્થિતિને જોતાં ઝડપથી 500થી વધુ મૂલ્ય ધરાવતી ચલણી નોટ બજારમાં મુકવી જ પડશે.

બજારોમાં મોટી ચલણની નોટ ફરતી કરાય તે જે તે દેશની પ્રગતિની પણ નિશાની ગણાય છે. મોટી રકમની વસ્તુઓની ખરીદીની સાથે ચલણી નોટોની હેરફેર કરવા માટે પણ મોટી રકમની ચલણી નોટ જરૂરી હોય છે. હાલમાં ભલે રિઝર્વ બેંક દ્વારા ઈન્કાર કરવામાં આવતો હોય પરંતુ આગામી સપ્ટેમ્બર માસમાં જ્યારે 2000ની ચલણી નોટને બદલાવવાની મુદત પુરી થઈ જશે ત્યારબાદ સરકારે નવી મોટી રકમની ચલણી નોટને બજારમાં મુકવા અંગેનો નિર્ણય કરવો જ પડશે. મોદી સરકાર ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા તરફ જઈ રહી છે ત્યારે ભારતમાં માત્ર 500ની જ ચલણી નોટ બજારમાં રહે તે કોઈપણ રીતે ચાલી શકે તેમ નથી. મોદી સરકાર જેટલું જલ્દી આ સમજશે તે દેશની અર્થવ્યવસ્થાના લાભમાં રહેશે તે નક્કી છે.

Most Popular

To Top