Columns

NEET પરીક્ષા રદ કરવા સિવાય સરકાર પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી

કેન્દ્રમાં ત્રીજી વખત ભાજપી મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેની સામે સૌથી મોટો પડકાર NEET ની પરીક્ષામાં થયેલા ભયંકર ગોટાળાને સૂલઝાવવાનો પેદા થયો છે. જે દિવસે ચૂંટણીનું પરિણામ જાહેર થયું તે જ દિવસે NEET નું પરિણામ પણ જાહેર કરીને જે ચાલાકી કરવામાં આવી હતી તેના થકી પણ પરીક્ષા લેનારી NTA નો છબરડો ઢાંકી શકાયો નહોતો. NEET ના કૌભાંડને કારણે NTAના અધ્યક્ષને રાજીનામું આપવાની ફરજ પડાયા પછી પણ વિદ્યાર્થીઓને સંતોષ થયો નથી. હવે આ પરીક્ષા રદ કર્યા સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ બચ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગ્રેસ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ફરીથી NEET ની પરીક્ષા ૨૧ જૂને લેવામાં આવી છે.

NEET કાઉન્સેલિંગ માટે ૬ જુલાઈની તારીખ પણ આપવામાં આવી છે; પરંતુ સંકટનાં વાદળો હજુ દૂર થયાં નથી, કારણ કે હજુ પણ NEET UG પરીક્ષાને સુપ્રીમ કોર્ટની ક્લીનચીટ મળી નથી. ઉલટું, NEET પેપર લીકમાં એક પછી એક જે પ્રકારના પુરાવાઓ સામે આવી રહ્યા છે તે સરકારની અને વિદ્યાર્થીઓની ચિંતા વધારી રહ્યા છે. બિહારમાં મળેલ નવીનતમ NEET પેપર લીક પુરાવાથી તમામ વિદ્યાર્થીઓ માટે NEET રદ થવાની સંભાવના વધી ગઈ છે. બિહારમાંથી કેટલાંક બળેલાં પ્રશ્નપત્રો મળી આવ્યાં છે. તેના ૬૮ પ્રશ્નો NEET પ્રશ્નપત્ર સાથે મેળ ખાય છે. તેની તપાસ બાદ બિહાર સરકારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટે કેન્દ્ર સરકારને માહિતી આપી છે કે પેપર લીક થયું છે.

EOU એ મૂળ NEET પ્રશ્નપત્ર સાથે બળી ગયેલી નકલોમાંથી ૬૮ પ્રશ્નો મેળવ્યા હતા. આ પ્રશ્નોના સીરીયલ નંબર પણ વાસ્તવિક પેપર જેવા જ છે. આ અહેવાલ શિક્ષણ મંત્રાલયને સોંપવામાં આવ્યો હતો, ત્યાર બાદ મંત્રાલયે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો. બિહાર પોલીસે ધરપકડ કરાયેલા ઉમેદવારોના ઘરેથી બળી ગયેલી નકલોમાંથી એક કાગળના ટુકડા પર પરીક્ષા કેન્દ્રનો યુનિક બાર કોડ પણ મળી આવ્યો હતો. EOU રિપોર્ટ જણાવે છે કે બાર કોડ ઓએસિસ સ્કૂલનો છે, જે ઝારખંડના હજારીબાગમાં આવેલી CBSE સ્કૂલ છે. તે NTA દ્વારા નિયુક્ત સત્તાવાર NEET પરીક્ષા કેન્દ્ર પણ હતું.

આ પેપર લીક કેસના તાર ૬ રાજ્યો સાથે જોડાયેલા હોવાનું જણાય છે. હવે સીબીઆઈએ પણ આ મામલે એન્ટ્રી કરી છે અને પ્રથમ એફઆઈઆર નોંધી છે.  NEET પેપર લીક મુદ્દે સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે અને વિપક્ષ આને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. લોકસભાની બેઠક દરમિયાન પણ આ મુદ્દે તડાફડી થવાની છે. બિહાર અને ઝારખંડમાં, બિહાર અને રાજ્ય પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOU) ની જુદી જુદી ટીમો દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં અલગ-અલગ જગ્યાએથી ૩૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં પોલીસે બિહાર અને ગુજરાતમાં અનેક લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે ૬ પોસ્ટ ડેટેડ ચેક પણ રિકવર કર્યા છે. EOUના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) માનવજીત સિંહ ધિલ્લોને કહ્યું કે આ ચેક તે પરીક્ષા માફિયાઓના નામે છે. કથિત રીતે, NEET પેપર આપવાના બદલામાં તેમણે દરેક ઉમેદવાર પાસેથી ૩૦-૩૦ લાખ રૂપિયાના ચેક લીધા હતા. બિહારનો અમિત આનંદ NEET પેપર લીક કેસનો માસ્ટરમાઈન્ડ છે, જે પહેલાં પણ ઘણા પેપર લીકમાં સામેલ છે.

આ આરોપીએ કબૂલાત કરી છે કે તેણે સિકંદર યાદવેન્દુ સાથે લાખો રૂપિયામાં પેપરનો સોદો કર્યો હતો. બિહાર ઉપરાંત ઝારખંડનું હજારીબાગ પણ NEET પેપર લીકના દાયરામાં આવ્યું છે. એવી શંકા છે કે ઝારખંડના હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી પેપર લીક થયું હતું.  હજારીબાગની આ શાળા પેપર લીક માટે કુખ્યાત છે. આ વર્ષે ૧૫ માર્ચે BPSC પરીક્ષાનું પેપર પણ લીક થયું હતું અને તેમાં પણ ઓએસિસ સ્કૂલનું નામ આવ્યું હતું.  હજારીબાગના એક પ્રોફેસર પણ શંકાના દાયરામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આ પ્રોફેસરે જ પરીક્ષા માફિયાઓને પેપર મોકલ્યું હતું.

તેમણે શિક્ષકના વ્યવસાયને અભડાવ્યો છે. બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટની સમગ્ર તપાસ હવે આ પ્રોફેસરની આસપાસ કેન્દ્રિત થઈ ગઈ છે, કારણ કે આ પ્રોફેસર જ પેપર લીકના મૂળમાં હોવાનું લાગી રહ્યું છે. એવું બહાર આવ્યું છે કે NEET પેપર લીક કેસનું મહારાષ્ટ્રના લાતુર જિલ્લા સાથે પણ જોડાણ છે. આ કેસમાં ૨૨મી જૂનની રાત્રે નાંદેડની એટીએસની ટીમે બે શિક્ષકોની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી.

હવે મહારાષ્ટ્ર સરકારે આ કેસમાં SITની રચના કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રાલયે પ્રારંભમાં વિલંબ કર્યા પછી નવા ફણગાઓ ફૂટતાં NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો સીબીઆઈને વ્યાપક તપાસ માટે સોંપ્યો હતો. સીબીઆઈ તમામ રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆરનો કબજો લેશે. આ રાજ્યો દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને પણ સીબીઆઈની કસ્ટડીમાં લેવામાં આવશે.

NEET-UG માં ગ્રેસ માર્કસ મેળવનારા ૧,૫૬૩ વિદ્યાર્થીઓ માટે પાંચ રાજ્યોમાં ૭ કેન્દ્રો પર પુનઃપરીક્ષા લીધી હતી. તેમાં માત્ર ૮૧૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૭૫૦ પરીક્ષા આપવા આવ્યા ન હતા. ૫ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં, હરિયાણાના ઝજ્જરમાં ૬ ટોપર્સ આવ્યા હતા, જ્યાં ૪૨% વિદ્યાર્થીઓ ફરીથી NEET માટે આવ્યા ન હતા. ગ્રેસ માર્કસ મેળવનારા ૧,૫૬૩ વિદ્યાર્થીઓમાંથી ૭૯૦ તો ગ્રેસ માર્કસને કારણે ક્વોલિફાય થયા હતા.

જો કે, NTA એ હજુ સુધી જણાવ્યું નથી કે જેમણે ફરીથી NEET પરીક્ષા ન આપી તેમાંથી કેટલા એવા છે જેઓ છેલ્લી વખત ગ્રેસ માર્કસ વિના ક્વોલિફાય થયા હતા. અગાઉ શિક્ષણ મંત્રાલયે એનટીએ પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા લાવવા માટે સાત સભ્યોની સમિતિની જાહેરાત કરી હતી. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ ડિરેક્ટર કે. રાધાકૃષ્ણન તેના પ્રમુખ હશે. આ સમિતિ બે મહિનામાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે.

૨૧ જૂન, શુક્રવારે એક વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ૭૭૩ ઉમેદવારો ગ્રેસ માર્ક્સ મેળવ્યા વિના નાપાસ થયા છે, માટે આખી પરીક્ષા રદ કરીને ફરીથી લેવામાં આવે. આ કેસની સુનાવણી ૮ મી જુલાઈએ થવાની છે, તેથી ૬ જુલાઈથી શરૂ થઈ રહેલા કાઉન્સિલિંગને પણ ૨ દિવસ માટે લંબાવી દેવી જોઈએ, એવી માગણી થઈ હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર સ્ટે મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. ફરીથી પરીક્ષાની માંગ પર NTAને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પહેલાં પણ બે અલગ-અલગ અરજીઓની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપે છે. આ વિવાદો પછી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાઈ ગયું છે, કારણ કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ પરીક્ષાનું આગળ શું થશે? સુપ્રીમ કોર્ટ હવે ૮મી જુલાઈએ તમામ અરજીઓની સુનાવણી કરશે. કોર્ટે કહ્યું છે કે જો NEET ની કાઉન્સેલિંગ પ્રક્રિયા ૬ જુલાઈએ શેડ્યૂલ મુજબ શરૂ થાય છે, તો પણ જો તેને જણાય છે કે પરીક્ષા યોગ્ય રીતે લેવામાં આવી નથી, તો કોર્ટને તેને રદ કરવાનો અધિકાર છે.

NEET પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાએ માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં પરંતુ તેમનાં પરિવારો પર પણ અસર કરી છે. જે વિદ્યાર્થીઓ ફરીથી આ પરીક્ષા આપી રહ્યાં છે તેઓ પણ તેનાથી ખુશ નથી. જો ૨૪ લાખ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનું કહેવામાં આવશે તો સરકારનું નાક કપાશે. આ કારણે કેન્દ્ર સરકારનું શિક્ષણ ખાતું ફરીથી પરીક્ષા લેવાનો વિરોધ કરી રહ્યું છે. જો ૮મી જુલાઈએ સુપ્રીમ કોર્ટ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવશે તો સરકારની આબરૂ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top