Columns

સરકાર પાસે કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે કોઈ નક્કર પ્લાન નથી

કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે ૧૯૯૦ પૂર્વે કાશ્મીર ખીણમાંથી હિન્દુ પંડિતોનો સફાયો કરવાનું આતંકવાદી અભિયાન ચાલુ થયું હતું. ત્યારે કાશ્મીર ખીણમાં સદીઓથી વસતા પંડિતોની એક પછી એક હત્યા કરીને એવું ડરામણું વાતાવરણ પેદા કરવામાં આવ્યું હતું કે જે પંડિતો બચ્યા હતા તેઓ પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને પોતાના માદરે વતનને છોડીને ચાલી નીકળ્યા હતા. આવા લાખો પંડિત પરિવારો ૩૨ વર્ષ પછી પણ દિલ્હીની અને જમ્મુની નિરાશ્રિત છાવણીઓમાં વસે છે. તેમની એક આખી પેઢી નિરાશ્રિત છાવણીઓમાં મોટી થઈ છે.

૨૦૧૪ માં કેન્દ્રમાં ભાજપનું રાજ આવ્યું તે પછી કાશ્મીરી પંડિતોને આશા બંધાઈ હતી કે સરકારના સધિયારાથી તેઓ પોતાની માતૃભૂમિમાં પાછા ફરી શકશે, પણ તે આશા ઠગારી પુરવાર થઈ હતી. ભાજપના આઠ વર્ષના શાસન પછી પણ જેમને સરકારી નોકરી મળી છે તેવા બહુ ઓછા પંડિત પરિવારો ખીણમાં પાછાં ફરી રહ્યાં છે. બાકીનાં પરિવારો પાછા ફરવાનાં શમણાં જોતાં હતાં ત્યાં કાશ્મીર ખીણમાં નવો ઝંઝાવાત પેદા થયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા પછી કાશ્મીરના આતંકવાદીઓએ રહ્યાસહ્યા લઘુમતી (હિન્દુ અને શીખ) કોમનાં લોકોની સફાઈ કરવા નવેસરથી આતંકવાદી અભિયાન આદર્યું છે. ૧૯૯૦ ના દસકામાં કાશ્મીર ખીણમાં માત્ર ત્રણ ટકા જ બિનમુસ્લિમો બચ્યા હતા, જેમાં શીખો અને ઉત્તર ભારતીયો મુખ્ય હતાં. હવે આતંકવાદીઓ વીણી વીણીને તેમને મારી રહ્યા છે. તેને કારણે ફરીથી ખીણમાં ભયનો માહોલ પેદા થવાથી બાકી રહેલા બિનમુસ્લિમોની હિજરત ચાલુ થઈ છે. પોલીસે તેમને રાહત છાવણીઓમાં જતા રહેવાની તાકીદ કરી હોવાથી સાબિત થઈ ગયું છે કે સરકાર તેમની સુરક્ષા કરી શકે તેમ નથી. જો આવો જ માહોલ ચાલુ રહ્યો તો કાશ્મીર ખીણને ૧૦૦ ટકા મુસ્લિમ બનાવવાની આતંકવાદીઓની યોજના સફળ થશે.

કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર આવી તેનાં આઠ વર્ષ પછી પણ સરકાર પાસે કાશ્મીરી પંડિતોની ઘરવાપસીનો કોઈ નક્કર પ્લાન દેખાતો નથી. સરકારના આંકડાઓ મુજબ ૩૭૦ મી કલમના અંત પછી પણ માત્ર ૫૨૦ પરિવારો જ કાશ્મીર ખીણમાં પાછાં ફર્યાં છે. ભારતના નકશામાં મુગટમણિનું સ્થાન શોભાવતું કાશ્મીર ઇસુના તેરમા સૈકા સુધી હિન્દુ રાજ્ય હતું, જેમાં અમુક લોકો બૌદ્ધ ધર્મ પણ પાળતાં હતાં. આદિ શંકરાચાર્યે વર્ષો સુધી આજના શ્રીનગરમાં તપ કર્યું હતું. તેમના નામે ઓળખાતી શંકરાચાર્ય હિલ આજે પણ શ્રીનગરમાં મોજૂદ છે. મોઢેરામાં જેવું સૂર્યમંદિર છે તેવું સૂર્યમંદિર કાશ્મીર ખીણમાં આવેલું હતું, જેના જીર્ણ અવશેષો આજે પણ માર્તંડ મંદિરના રૂપમાં જોવા મળે છે. ઇ.સ. ૧૩૮૯ માં સિકંદર બત્શિકન નામના ધર્માંધ મુસ્લિમ બાદશાહે કાશ્મીર જીતી લીધું અને હજારો હિન્દુઓની કતલ કરી. સિકંદરે લાખો હિન્દુઓને મુસ્લિમ બનાવ્યા હતા.

મુસ્લિમો અને મોગલોના સતત આક્રમણ છતાં કાશ્મીરની આશરે ૧૫ ટકા જેટલી વસતિ હિન્દુ હતી. કાશ્મીરમાં ઇ.સ. ૧૮૪૬ થી ૧૯૪૭ સુધી ડોગરા વંશના હિન્દુ રાજાઓનું શાસન રહ્યું, જે દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો સંપીને રહેતા હતા. ઇ.સ.૧૯૪૭ માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના જિહાદીઓ કાશ્મીર પર ત્રાટક્યા. તેમનાથી ડરીને હિન્દુઓની ૨૦ ટકા જેટલી વસતિ કાશ્મીર છોડીને હિન્દુસ્તાનના અન્ય ભાગોમાં હિજરત કરી ગઇ. ઇ.સ. ૧૯૮૧ સુધી તો કાશ્મીરની કુલ વસતિમાં હિન્દુઓની ટકાવારી ઘટીને માત્ર પાંચ ટકા પર જ આવી ગઇ હતી.

૧૩૮૯ ની સાલમાં મુસ્લિમ બાદશાહે કાશ્મીર ખીણમાં હિન્દુઓની જેવી કતલ કરી હતી તેને યાદ અપાવે તેવી કતલ ૬૦૦ વર્ષ પછી કાશ્મીર ખીણમાં થઇ ત્યારે કેન્દ્ર સરકાર તેની મૂક સાક્ષી બની રહી હતી. પાકિસ્તાનતરફી ત્રાસવાદીઓના જૂથે ૧૯૮૯ ની ૧૯મી જાન્યુઆરીએ કાશ્મીર ખીણમાં હજારો વર્ષોથી વસતા હિન્દુ પંડિતોની કતલ શરૂ કરી. તેમણે નિર્દયતાપૂર્વક ૨૧૯ કાશ્મીરી પંડિતોની હત્યા કરી નાંખી, જેમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. ત્રાસવાદીઓના હાથમાં મસ્જિદોના માઇકના ભૂંગળાઓ પણ આવી ગયાં હતાં. તેમણે હિન્દુઓને ચેતવણી આપી કે જો તેઓ કાશ્મીર છોડીને ચાલ્યા નહીં જાય તો તેમની પણ હત્યા કરી નાંખવામાં આવશે. કાશ્મીરમાં ત્યારે રાષ્ટ્રપતિનું શાસન હતું. ગવર્નર જગમોહનના હાથમાં બધી સત્તા હતી. તેમણે હિન્દુઓને સંરક્ષણ આપવાને બદલે મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી. કહેવાય છે કે જગમોહનને કાશ્મીરી ત્રાસવાદીઓ ઉપર તૂટી પડવાનું નિમિત્ત જોઇતું હતું, માટે તેમણે પંડિતોની હત્યા થવા દીધી.

કાશ્મીરમાં ત્યારે ત્રાસવાદીઓનો એટલો પ્રભાવ હતો કે તેઓ બધા નાગરિકોની ઘડિયાળનો સમય પણ પાકિસ્તાનના સમય મુજબ અડધો કલાક પાછળ મૂકવાની ફરજ પાડતા હતા. કાશ્મીરી પંડિતો પોતાનાં ઘરમાં બેસીને ‘રામાયણ’ સિરિયલ પણ જોઇ શકતા નહોતા. છેવટે ભયભીત થયેલા પંડિતો પોતાનો જીવ બચાવવા કાશ્મીર ખીણમાં આવેલાં પોતાનાં બાપદાદાનાં મકાનો મૂકીને ચાલી નીકળ્યાં. તેમને આશરો આપવા જમ્મુ, ઉધમપુર અને દિલ્હીમાં રાહતછાવણીઓ ઊભી કરવામાં આવી. ઇ.સ.૧૯૮૯ ના અંત સુધીમાં આશરે ૩,૦૦,૦૦૦ પંડિતો કાશ્મીરમાંથી હિજરત કરી ગયા હતા. ભારતનાં પ્રસાર માધ્યમો આ અત્યાચાર બાબતમાં બહુધા મૌન જ રહ્યા.

માદરે વતન છોડીને સરકારી રાહત છાવણીઓમાં આશરો લઇ રહેલા કાશ્મીરી પંડિતોને એવી આશા હતી કે ખીણમાં ટૂંક સમયમાં વાતાવરણ નોર્મલ થઇ જશે અને તેઓ પોતાના ઘરે પાછા ફરી શકશે. પરંતુ ખીણમાં વાતાવરણ બગડતું જ ચાલ્યું. કાશ્મીરી પંડિતો પોતાનાં જે મકાનો ખાલી છોડીને ગયાં હતાં તેનો કબજો પડોશના મુસ્લિમ પરિવારોએ લઇ લીધો અથવા મકાનો ખંડેર થઇ ગયાં. રાહત છાવણીઓ જ લાખો લોકોનું ઘર બની ગઇ. પહેલાં ૧૦ વર્ષમાં રાહત છાવણીઓમાં આશરો લઇને રહેતા આશરે ૮,૦૦૦ લોકો બીમારી અને રોગચાળાનો શિકાર બની ગયા હતા.

ઇ.સ. ૧૯૯૮ થી ૨૦૦૪ દરમિયાન કેન્દ્રમાં એનડીએની સરકાર આવી અને અટલબિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું; પણ તેમાં એટલી બધી શરતો હતી કે બહુ ઓછા પંડિતો તે સ્વીકારવા માટે તૈયાર થયા હતા. આ પેકેજમાં કાશ્મીરી પંડિતોને નોકરી આપવામાં આવતી હતી, પણ રહેઠાણની વ્યવસ્થા તેમણે જાતે કરી લેવાની હતી. વળી નોકરીમાં તેમને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરવાની સવલત પણ આપવામાં આવી નહોતી. આ પેકેજ ફ્લોપ પુરવાર થયું હતું. નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા તે પછી તેમણે કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે નવેસરથી પ્રયત્નો આદર્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે જે કાશ્મીરી પંડિત પોતાનાં વતનમાં પાછા ફરવા માગતા હોય તેમને સરકારી નોકરી આપવામાં આવશે. પરંતુ ૩૦ વર્ષમાં કાશ્મીરના સમાજજીવનમાં જે પરિવર્તન આવ્યું છે તેને કારણે ઘણા પંડિતો પાછા ફરવામાં ભય અને સંકોચ અનુભવે છે. અમુક પંડિતો કાશ્મીર ખીણમાં અલગ પ્રાંતની માગણી કરી રહ્યા છે, જેમાં માત્ર હિન્દુઓ જ વસતા હોય. વર્તમાન સરકાર સામે આ બહુ મોટો પડકાર છે. કાશ્મીરી પંડિતો સરકારની નિષ્ઠાની કસોટી કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top