Gujarat

વિધાનસભાનું સત્ર એક અઠવાડિયું લંબાવવાની વિપક્ષની માંગ સાથે સરકાર અસહમત

કોરોના કાળમાં તમામ મોરચે નિષ્‍ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્‍ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું હતું. શુક્રવારે મળેલી કામકાજ સલાહકાર સમિતિમાં કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્‍યોએ મુખ્‍યમંત્રીને આગ્રહપૂર્વક વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર એક અઠવાડિયા માટે લંબાવવું જોઈએ. જોકે વિપક્ષની સત્ર લંબાવવાની વાત સાથે સરકાર સહમત ન થઈ તેનું દુઃખ છે, તેવું ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે કામકાજ સલાહકાર સમિતિમાં સરકારને વિનંતી કરી હતી કે, નવા મુખ્‍યમંત્રી, નવી કેબિનેટ, નવી કામકાજ સલાહકાર સમિતિ ગુજરાતની ગૌરવવંતી સંસદીય પ્રણાલિકાઓને પુનઃસ્‍થાપિત કરે. કોરોના વોરીયર્સ સહિત કોરોનાના તમામ મૃતકોને સામૂહિક શ્રદ્ધાંજલિ આપવા સભાગૃહ સમક્ષ ખાસ પ્રસ્‍તાવ લાવવા સરકારને વિનંતી કરી હતી.

નવી કેબિનેટે પહેલી જ બેઠકમાં અતિવૃષ્‍ટિના પીડિતોને વળતર વધારવા માટેનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પક્ષે મુખ્‍યમંત્રીને વિનંતી કરી છે કે, ૧૦૦ વર્ષમાં સૌથી મોટી તબાહી મચાવનાર તાઉતે વાવાઝોડું હોય કે જામનગર, દેવભૂમિ-દ્વારકા કે રાજકોટમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્‍ટિ હોય, જેમાં મોટી સંખ્‍યામાં અસરગ્રસ્‍તો સહાયથી વંચિત છે ત્‍યારે સરકાર સત્‍વરે સર્વે અને રી-સર્વે કરે અને અસરગ્રસ્‍ત પરિવારો તથા જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં વળતર મળે તે માટે પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે અવકાશ આપવો જોઈએ.

ભૂતકાળની પરંપરાઓને અનુસરતા ઉપાધ્‍યક્ષનું પદ હંમેશા વિપક્ષ પાસે રહ્યું છે, ત્‍યારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સૌથી સિનિયર ધારાસભ્‍ય કે જેઓ છ ટર્મનો બહોળો અનુભવ ધરાવે છે, સંસદીય બાબતોના જાણકાર છે, સરળ વ્‍યક્‍તિત્‍વ, સ્‍વચ્‍છ પ્રતિભા, ઉચ્‍ચ અભ્‍યાસ અને બહોળા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્‍વ કરે છે એવા ડો. અનિલ જોષીયારાને વિધાનસભાના ઉપાધ્‍યક્ષ તરીકે મૂકવા માંગણી રજૂ કરી છે. સરકાર ગંભીરતાથી આ અંગે વિચારી ભૂતકાળની પરંપરાઓ અને ઉચ્‍ચકોટિના આદર્શોને અનુસરશે તેવી માંગણી કરીએ છીએ. અપેક્ષા રાખીએ કે ત્રણેય બાબતોને લઈ મુખ્‍યમંત્રી સકારાત્‍મક રીતે વિચારશે અને વિધાનસભાનું સત્ર લંબાવવાની માંગણીનો સ્‍વીકાર કરશે.

Most Popular

To Top