કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે, જેની ગમે તે ઘડીઍ જાહેરાત થઇ શકે છે. સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સરકાર લોકડાઉન ખતમ થવાના પગલે બે લાખ કરોડ રૂપિયાથી વધુનું રાહત પેકેજ જાહેર થઇ શકે છે, જેની ટૂંકમાં જાહેરાત થવાની સંભાવના છે.
આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર કોરોના આર્થિક રાહત પેકેજ પર પીઍમઓ અને નાણાંં મંત્રાલય વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. લોકડાઉન પુર્ણ થતાં પુર્વે રાહત પેકેજની જાહેરાત થઇ શકે છે. જેના માટે સરકાર ઇન્ડસ્ટ્રી રોડમેપ બનાવી શકે છે. આ પેકેજ માટે સરકાર રિઝર્વ બેન્ક વચ્ચે ચર્ચા થઇ શકે છે.
સરકાર દ્વારા આર્થિક પેકેજ કેટલાક સેકટરને ફોકસ રાખીને કરવામાં આવી શકે છે. જેમાં રોજગારી પુરી પાડતા સેકટરને વધુ પ્રભુત્વ આપવામાં આવી શકે છે. જેનાથી લોકોની રોજગારીનો પ્રશ્ન પણ દૂર થઇ શકે. કોરોનાની અસરની સૌથી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર ઝડપી પડી રહી હોવાથી આ સેકટર ઉપર પણ ફોકસ કરવામાં આવશે.
આર્થિક રાહત પેકેજ માટે કરાયેલી બેઠકમાં ઍવીઍશન, હોટલ, ટુરીઝમ, ફીશરીઝ સેકટર ઉપર ઉંડાણપુર્વક ચર્ચા થઇ છે. જેમાં અોટો, અોટો કમ્પોનન્ટ મેન્યુફેકચર કંપનીઅોઍ પણ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું છે. ટૂંક સમયમાં આવનારા આર્થિક પેકેજમાં અસંગઠિત ક્ષેત્રના કારીગરો માટે પણ રાહતની જાહેરાત થઇ શકે છે. જેમાં પગારનો ઍક હિસ્સો સરકાર ચૂકવશે તેવી ચર્ચા ચાલી રહી છે.
આ દરમ્યાન લોકડાઉન સંદર્ભમાં સસ્પેન્સ ચાલી રહયો છે. કેટલાક રાજ્યો તથા નિષ્ણાંતો લોકડાઉન વધારવાની માગ કરી રહયા છે. કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવો ઉપર વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રી તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે ચર્ચા કરશે, પરંતુ હાલની સ્થિતિઍ લોકડાઉન વધે તેવી સંભાવના પ્રબળ બનતી જાવા મળી રહી છે.