આ વર્ષની શરૂઆતમાં, મકર સંક્રાન્તિ પછી દેશભરમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે ઘણા એવુ માનતા હતા કે કોરોનાવાયરસનો રોગચાળો હવે ગયો સમજો, સરકારે પણ કોવિડના રોગચાળા સામે જીત જાહેર કરી દીધી હતી, પણ માર્ચમાં ધીમે ધીમે કેસો વધવા માંડ્યા અને કોઇએ ધાર્યું નહીં હોય તે રીતે કોરોનાવાયરસજન્ય રોગ કોવિડ-૧૯નું ત્રીજું મોજું દેશમાં શરૂ થયું. એપ્રિલ અને મે મહિનામાં તો દેશભરમાં હાહાકાર મચી ગયો. રોજના ચાર લાખ જેટલા કેસો નીકળવા લાગ્યા, ઓક્સિજનના અભાવે ઘણા લોકોના મોતના અહેવાલ આવવા માંડ્યા, ગંગા નદીમાં વહેતા મૃતદેહોની તસવીરોએ દેશના જ નહીં, દુનિયાના લોકોને હચમચાવી મૂકયા.
દુનિયામાં કોઇ દેશમાં સર્જાયા નહીં હોય તેવા દ્રશ્યો આ રોગચાળાથી ભારતમાં સર્જાયા. જૂન મહિનામાં કેસો ઘટ્યા અને બીજું મોજું શમી ગયેલું જણાયું, પણ લોકો અને સરકાર હવે રોગચાળા પર વિજયની વાતો કરવાનું જાણે ભૂલી ગયા હતા! બીજું મોજું પુરુ઼ શમ્યુ કે ન શમ્યુ તે અંગે મતભેદ હતા અને ત્રીજા મોજાની વાતો થવા લાગી. હાલ ફરીથી દેશમાં કોવિડના કેસો ધીમે ધીમે વધવા માંડ્યા છે ત્યારે ત્રીજું મોજું શરૂ થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી, પણ કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી દીધી છે કે આ મહિનામાં જ ત્રીજુ મોજું શરૂ થઇ શકે છે.
દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાનું નવું, નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે એવી ચેતવણી કેટલાક આઇઆઇટી નિષ્ણાતોએ આપી છે. એપ્રિલ-મે મહિનામાં કોવિડના બીજા મોજાએ દેશભરમાં હાહાકાર મચાવ્યા પછી કેસો ખૂબ ઓછા થઇ ગયા હતા, પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસથી દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને કેરળમાં કેસો ફરીથી વધવા માંડ્યા છે ત્યારે આ નિષ્ણાતોએ આગાહી કરી છે કે કોરોનાવાયરસના રોગચાળાનું ત્રીજું મોજું આ મહિને જ શરૂ થઇ શકે છે અને ઓકટોબરમાં તેની પિક આવી શકે છે. આઇઆઇટી હૈદરાબાદ અને આઇઆઇટી કાનપુરના નિષ્ણાતો અનુક્રમે મથુકુમાલી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલે એક ગાણિતીક મોડેલના આધારે આગાહી કરી છે કે કોવિડ-૧૯નું નવું પરંતુ બીજા મોજા કરતા નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે. તેમણે અંદાજ બાંધ્યો છે કે આ મોજામાં સારામાં સારા સંજોગોમાં દરરોજના એક લાખ કરતા ઓછા કેસો નીકળી શકે છે જ્યારે સૌથી ખરાબ સંજોગોમાં દરરોજના લગભગ ૧પ૦૦૦૦ કેસો નીકળી શકે છે.
સોથી હાઇ કોવિડ રેટ ધરાવતા રાજ્યો જેવા કે કેરળ અને મહારાષ્ટ્ર ચિત્ર બદલી શકે છે એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું. આ ત્રીજું મોજું બીજા મોજા કરતા કેસોની બાબતમાં ઘણુ નાનુ હોઇ શકે છે. બીજા મોજામાં મે મહિનામાં દરરોજના ૪૦૦૦૦૦ કરતા વધુ કેસો નીકળતા હતા જેની સામે આ મોજામાં દરરોજના વધુમાં વધુ દોઢ લાખ કેસો કદાચ નીકળી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ત્રીજા મોજાની ટોચ ઓકટોબરમાં આવી શકે છે અને તેમાં ખરાબ સંજોગોમાં દરરોજના દોઢ લાખ જેટલા કેસો નીકળી શકે છે. એક મેથેમેટિકલ મોડેલના આધારે આ આગાહી તે નિષ્ણાતોએ જ કરી છે જેમણે બીજા સખત મોજાની સચોટ આગાહી કરી હતી.
દેશમાં રસીકરણ હજી પણ એકંદરે ધીમુ છે ત્યારે લોકો કોવિડને લગતા નિયમો પાળવાની બાબતમાં બેદરકારી દાખવી રહ્યા છે તે બાબત ખૂબ ચિંતાજનક છે. હવે દેશમાં તહેવારોની ઋતુ નજીક આવી રહી છે તે બાબત પણ રોગચાળાના સંદર્ભમાં ચિંતા કરાવે તેવી છે. ભારતના જ નહીં, દુનિયાના અનેક દેશોના લોકો રોગચાળા અંગેના નિયમોનું પાલન કરવા બહુ ઉત્સુક હોતા નથી તે આપણે અનેક અહેવાલો પરથી જાણ્યું છે. પણ ભારતની વિશાળ અને ગીચ વસ્તી જોતા ભારતીયોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે જે આપણે રાખતા નથી.
બીજું મોજું શમી ગયા પછી હિલ સ્ટેશનો પર અને બજારોમાં કેવી ભીડ થઇ છે તે આપણે જોયું છે. હવે તહેવારોની ઋતુ શરૂ થશે. ગણેશોત્સવ અને નવરાત્રી જેવા તહેવારો ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રમાં મોટી ભીડને નોંતરનારા રહે છે. એક વર્ષ સંયમ રાખ્યા બાદ બીજા વર્ષે આ તહેવારોમાં સંયમ રાખવા લોકો કદાચ તૈયાર નહીં પણ થાય, પણ હાલ સંયમ રાખ્યા વિના છૂટકો નથી. ત્રીજા મોજામાં બીજા મોજા જેવા સંજોગોનું નિર્માણ નહીં થાય તે માટે સરકાર અને પ્રજા – બંનેએ સાવચેતી રાખવી પડશે.