Columns

સરકારને અને પ્રજાને પણ દેવું કરીને જલસા કરવાની કુટેવ પડી ગઈ છે

ગુજરાતીમાં કહેવત છે કે જેટલી ચાદર હોય તેના કરતાં મોટી સોડ તાણવી જોઈએ નહીં. આજ કાલનાં અર્થશાસ્ત્રીઓ આ કહેવતમાં માનતાં નથી. તેઓ દેવું કરીને પણ દેશનો વિકાસ કરવામાં માને છે. કોઈ પણ દેશનું દેવું આંતરિક અને બાહ્ય બે પ્રકારનું છે. કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી ભારતનો ઝડપી વિકાસ થતો હોય તેવું દેખાય છે, પણ આ વિકાસ સરકારે ઉધાર લીધેલાં નાણાં પર થઈ રહ્યો છે. ભારતનું આંતરિક દેવું અને બાહ્ય દેવું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. માર્ચ ૨૦૨૪માં ભારતનું કુલ રાષ્ટ્રીય દેવું ૧૬૮.૭૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું, જે માર્ચ ૨૦૨૫ સુધીમાં વધીને ૧૮૧.૬૮ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.

ભારતમાં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી કેન્દ્ર સરકારના કુલ દેવામાં તોતિંગ વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં ભારતનું કુલ દેવું ૫૫.૮૭ લાખ કરોડ રૂપિયા હતું, જેમાં ૧૧ વર્ષમાં ૧૨૫. ૮૧ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ભારતે પહેલાં ૬૮ વર્ષમાં કુલ ૫૫.૮૭ લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું હતું, પણ મોદીના રાજમાં બીજું ૧૨૫.૮૧ લાખ કરોડ રૂપિયાનું દેવું કરવામાં આવ્યું છે. ભારતની જે કુલ રાષ્ટ્રીય આવક છે, તેના ૮૦ ટકા જેટલું તો સરકારનું દેવું છે.  ભારત સરકારની તમામ પ્રકારના કરમાંથી થતી વાર્ષિક આવક ૨૮.૩૭ લાખ કરોડ રૂપિયા છે, પણ તેનું દેવું વાર્ષિક આવકના ચાર ગણાથી પણ વધુ છે. જો ભારત સરકાર ચાર વર્ષ સુધી તેની તમામ આવક દેવું ચૂકવવામાં ખર્ચી કાઢે તો પણ દેવું ચૂકવી શકાય તેમ નથી.

ભારત સરકારની જે કરની આવક છે તેમાંના ૨૫ ટકા જેટલી રકમ તો સરકારે ઉધાર લીધેલાં નાણાં ઉપર વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર ચલાવવા માટે પોતાની આવક કરતાં ચાર ગણું દેવું કરે તો તે બરબાદ જ થઈ જાય. તેને કોઈ વધુ રૂપિયા ઉધાર આપે નહીં, પણ ભારત સરકારને ભારતની પ્રજા જ રૂપિયા ઉધાર આપે છે. ભારત સરકાર દ્વારા જે બોન્ડ બહાર પાડવામાં આવે છે, તેને લોકો ખરીદે છે, જે સરકારને આપવામાં આવેલું ધિરાણ જ છે. હકીકતમાં આપણી સરકાર પ્રજા પાસેથી રૂપિયા ઉધાર લઈને પોતાનું ગાડું ગબડાવે છે. જો ભારતના લોકો સરકારના બોન્ડ ખરીદવાના બંધ કરી દે તો પણ સરકારને દેવાળું કાઢવું પડે તેવા હાલ છે.

ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ સરેરાશ દેવું ૪.૮૦ લાખ રૂપિયા છે. માર્ચ ૨૦૨૩ માં આ દેવું ૩.૯૦ લાખ રૂપિયાથી થોડું વધુ હતું. તેમાં છેલ્લાં બે વર્ષમાં આમાં ૨૩ ટકાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે પ્રતિ ભારતીય સરેરાશ દેવું ૯૦,૦૦૦ રૂપિયા જેટલું વધ્યું છે. ભારતમાં જન્મ ધારણ કરનારું પ્રત્યેક બાળક માથે ૪.૮૦ લાખ રૂપિયાનું દેવું લઈને જન્મે છે. નવાઈની વાત એ છે કે આ દેવામાં નજીકના ભવિષ્યમાં ઘટાડો કરવાની સરકારની કોઈ ઇચ્છા નથી કે યોજના પણ નથી. આ કારણે જ ભારતનું આંતરિક અને બાહ્ય દેવું ઝડપથી વધી રહ્યું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતનું અર્થતંત્ર બમણું થયું છે. આ આર્થિક વૃદ્ધિ વિશ્વમાં સૌથી ઝડપી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ના ડેટા અનુસાર છેલ્લા દાયકામાં ભારતનો GDP ૧૦૫ ટકા વધ્યો છે.

હાલમાં ભારતનો GDP ૪.૩ ટ્રિલિયન ડોલર છે, જે ૨૦૧૫ માં ૨.૧ ટ્રિલિયન ડોલર હતો. ભારતનો GDP પણ ઉધાર લેવામાં આવેલાં નાણાંના સહારે વધી રહ્યો છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં ભારતનું વિદેશી દેવું ૭૩૬ અબજ ડોલર જેટલું હતું, જે પાછલા વર્ષ કરતાં ૧૦ ટકા વધુ છે. આ દેવું GDP ના ૧૯ ટકા દર્શાવે છે. તેમાં બિનનાણાંકીય કોર્પોરેશનોનો હિસ્સો સૌથી મોટો ૩૫.૫ ટકા છે, થાપણ લેતી સંસ્થાઓનો હિસ્સો ૨૭.૫ ટકા અને સરકારોનો હિસ્સો ૨૨.૯ ટકા છે.

ભારતની કેન્દ્ર સરકાર જેમ દેવું કરીને જલસા કરવામાં માને છે, તેવું રાજ્ય સરકારોનું પણ છે. રાજ્ય સરકારોનું દેવું પણ સતત વધી રહ્યું છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) નો એક નવો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ ચિંતાજનક છે. CAG ના ડેટા દર્શાવે છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં તમામ ૨૮ રાજ્યોનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધ્યું છે. ૨૦૧૩-૧૪ માં આ દેવું ૧૭.૫૭ લાખ કરોડ રૂપિયા હતું. ૨૦૨૨-૨૩ માં તે વધીને ૫૯.૬૦ લાખ કરોડ રૂપિયા થયું. આ રિપોર્ટ રાજ્યોની નાણાંકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે. આ દેવું તેમના કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન (GSDP) ના ૨૨.૯૬ ટકા જેટલું છે. પંજાબ પર સૌથી વધુ દેવું છે, જ્યારે ઓડિશા પર સૌથી ઓછું દેવું છે.

અગિયાર રાજ્યોએ તેમના ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લીધેલા ભંડોળનો ઉપયોગ કર્યો હતો. ૨૦૨૨-૨૩ ના અંતમાં પંજાબ પર સૌથી વધુ દેવું હતું, જે તેના GSDP ના ૪૦.૩૫ ટકા હતું. આ પછી નાગાલેન્ડ (૩૭.૧૫ ટકા) અને પશ્ચિમ બંગાળ (૩૩.૭૦ ટકા) નો ક્રમ આવે છે. ઓડિશા (૮.૪૫ ટકા), મહારાષ્ટ્ર (૧૪.૬૪ ટકા) અને ગુજરાત (૧૬.૩૭ ટકા) પર સૌથી ઓછું દેવું હતું. ગુજરાત સરકારનું દેવું ૧૪,૨૮૧ કરોડ રૂપિયા જેટલું વધ્યું છે, જેના કારણે વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ સરકારી દેવું ૩.૮૫ લાખ કરોડ રૂપિયા થયું છે. રાજ્ય સરકાર ૩.૮૫ લાખ કરોડ રૂપિયાના દેવાં પર ૧૦.૯૮ ટકા વ્યાજ ચૂકવી રહી છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ગુજરાત સરકારનું કુલ દેવું ૩.૨૦ લાખ કરોડ હતું અને રાજ્યમાં માથાદીઠ દેવાંનો બોજ ૫૧,૧૧૬ રૂપિયા હતો.

સરકારો દ્વારા દેવું કરીને વિકાસ કરવાની નીતિ ભારત પૂરતી મર્યાદિત નથી. વિશ્વના ઘણા દેશો આજે દેવું કરીને વિકાસ કરવાની નીતિ અપનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ના તાજેતરના અંદાજો સૂચવે છે કે વૈશ્વિક જાહેર દેવું કોવિડ-૧૯ રોગચાળાના યુગના સ્તરને વટાવી શકે છે, જે ૨૦૨૦ માં જીડીપીના ૯૮.૯ ટકા સુધી પહોંચ્યું હતું. ફિસ્કલ મોનિટરના વિશ્લેષણ મુજબ વિશ્વભરમાં જાહેર દેવું ૨૦૨૭ સુધીમાં GDP ના ૧૧૭ ટકાથી વધુ થઈ શકે છે, જે બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું સ્તર હોઈ શકે છે. ભારતનો દેવાંથી જીડીપી ગુણોત્તર ૮૦ ટકા છે, જે તેને વૈશ્વિક સ્તરે ૩૧મા ક્રમે રાખે છે. ભારતની કેન્દ્ર સરકાર ૩૧ માર્ચ, ૨૦૩૧ સુધીમાં દેવાંથી જીડીપીના ગુણોત્તરમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્ય રાખે છે. ચીન ૨૧મા ક્રમે છે અને તેનો જાહેર દેવાનો ગુણોત્તર ૯૬ ટકા છે, જે અન્ય વિકસિત દેશો કરતાં તુલનાત્મક રીતે ઓછો છે. વિકસિત અર્થતંત્રોમાં જાપાનમાં દેવાંથી જીડીપીનો ગુણોત્તર સૌથી વધુ ૨૩૪.૯ છે, જે ચાલુ રાજકોષીય ખાધ અને વૃદ્ધ વસ્તીને કારણે વધુ ખરાબ થયો છે.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા ૨૦૨૫ માં ૧૨૩ ટકાના ઊંચા દેવાંથી જીડીપીના ગુણોત્તર સાથે વૈશ્વિક સ્તરે આઠમા ક્રમે છે. અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું ૩૭.૪ ટ્રિલિયન ડોલર જેટલું થઈ ગયું છે. ફ્રાન્સ ૧૧૬.૩ ટકાના જાહેર દેવાના ગુણોત્તર સાથે નવમા ક્રમે છે અને કેનેડા ટોચના દસમા સ્થાન ધરાવે છે. કુલ દેવાંમાં એવી બધી જવાબદારીઓનો સમાવેશ થાય છે જેમાં દેવાદાર દ્વારા ભવિષ્યમાં કોઈ તારીખે લેણદારને વ્યાજ અથવા મુદ્દલની ચુકવણી કરવાની જરૂર પડે છે. આમાં SDR, ચલણ અને થાપણો, દેવાંની સિક્યોરિટીઝ, લોન, વીમો, પેન્શન અને પ્રમાણિત ગેરંટી યોજનાઓ અને ચૂકવવાપાત્ર અન્ય ખાતાંઓના સ્વરૂપમાં દેવાંની જવાબદારીઓનો પણ સમાવેશ થાય છે.

દુનિયાના દેશો આટલું તોતિંગ દેવું કરીને પોતાનું ગાડું ગબડાવી શકે છે, તેનું એક કારણ સેન્ટ્રલ બેન્કો દ્વારા બહાર પાડવામાં આવતી પેપર કરન્સી અને સરકારો દ્વારા બહાર પાડવામાં આવતા બોન્ડ છે. આ કાગળિયાં છાપીને સરકારો પ્રજા પાસેથી રૂપિયા વ્યાજે લઈ શકે છે અને બેફામ ખર્ચાઓ કરી શકે છે. જો સરકારે આવક કરતાં વધુ ખર્ચો ન કરવો જોઈએ, તેવો કાયદો ઘડવામાં આવે તો સરકારના ખર્ચાઓ ઉપર અંકુશ આવી જાય તેમ છે.

સરકારો આજે જે રીતે રૂપિયા ઉધાર લઈ રહી છે તે જોતાં તે કદી તે રૂપિયા ચૂકવી શકે તેમ નથી. આ ઉધાર લેવામાં આવેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા માટે પણ સરકાર નવી ઉધારી કરી રહી છે. સરકારનું ઉદાહરણ લઈને આપણી પ્રજા પણ પોતાની આવક કરતાં વધુ રકમની ઉધારી કરી રહી છે અને પોતાના ખર્ચાઓ કાઢી રહી છે. લોકો આજે ઘર, મોટર કાર, ટી.વી., ફ્રીઝ, વોશિંગ મશીન, એર કન્ડીશનર અને વિદેશી ટુર પણ ઉધારી પર કરી રહી છે. આ રીતે આપણી મોટા ભાગની પ્રજા દેવાદાર બની ગઈ છે. આ દેવું જે દિવસે ચૂકવવાનું આવશે તે દિવસે દેવાળું ફૂંકાવાની નોબત આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top