Charchapatra

સરકારે કરવાનાં કાર્યો

સરકારની સૌથી મોટી આવક પ્રજા તરફથી પ્રાપ્ત થતાં ટેક્સની હોય છે અને ટેકસરૂપે પ્રાપ્ત થયેલા પૈસાનો સદુપયોગ સરકારે પ્રજાની સુખાકારી જેવા કે શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, પાણી ઇત્યાદિ પાછળ ખર્ચવાના હોય છે. સરકારની પ્રાથમિકતા પ્રજાની સુખાકારી સિવાય અન્ય કંઈ હોઈ જ ના શકે. આટલી બંધારણીય જોગવાઈ હોવા છતાંય સરકારી શાળા અને સરકારી હોસ્પિટલોની અવદશા અને ખસ્તા હાલત કેમ છે? પ્રજાના જ પૈસા પ્રજા માટે વાપરવાના હોય તો,આમ આદમી સરકારી હોસ્પિટલ અને સરકારી શાળાઓનાં પગથિયાં ચડતાં કેમ ખંચકાય છે? બધા જ મંત્રીઓ અને સંત્રીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં અને એમનાં સંતાનોનું ભણતર સરકારી શાળાઓમાં ફરજિયાત કરી દેવામાં આવે તો કેવું? કોઈ પણ ગરીબ માણસ આજે ન્યાયાલયનાં પગથિયાં ચડતાં કેમ ગભરાય છે? ગરીબો માટે ન્યાય દુર્લભ અને દુષ્કર કેમ બનતો જાય છે? આજે ન્યાયાલય પણ કેમ પક્ષપાતી વલણ દાખવી રહ્યું છે? કોઈ પણ તેજસ્વી બાળકોનું ભણતર  પૈસાના અભાવે ન અટકે,એ જોવાની જવાબદારી સરકારની ખરી કે નહીં? કોઈ પણ ગરીબ વ્યક્તિની સારવાર પૈસાના અભાવે નહીં અટકે એવી જવાબદારી સરકારની સુનિશ્ચિત કરી શકાય કે નહીં? ઘણી વખત સરકાર પોતાના કાર્યમાં “સુંદરતા” ને અધિક પ્રાધાન્ય આપતી હોય છે, જ્યારે સરકારની પ્રાથમિક્તા પ્રજા માટેની “સુવિધા “ હોવી જોઈએ. સરકાર અને પ્રજા બંને કાયદાને  અનુસરે તો જ લોકશાહીનું હાર્દ જળવાય.

સુરત     – પ્રેમ સુમેસરા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top