નડિયાદ: ખેડા નગરપાલિકાની લાખો રૂપિયાની મિલ્કતો જપ્ત થયાં બાદ આખરે સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યાં હતાં અને કોન્ટ્રાક્ટર સાથે મિટીંગોનો દોર શરૂ કર્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરે સમાધાન કરી સામાન પરત સોંપ્યો હતો.
ખેડા શહેરમાં દશેક વર્ષ અગાઉ ડ્રિંકીંગ વોટર સપ્લાયની કામગીરી કરનાર કિફકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના કોન્ટ્રાક્ટરને 33 લાખ રૂપિયા ચુકવવામાં પાલિકાએ અખાડા કર્યા હતાં. જેથી કોન્ટ્રાક્ટરે બાકી નીકળતાં લેણાંની રકમ ઉપરાંત વ્યાજ મળી રૂપિયા 48 લાખ મેળવવા માટે ખેડા કોર્ટમાં અપીલ કરી હતી. જેની મુદ્દતમાં પાલિકા તરફથી કોઈ હાજર રહેતું ન હોવાથી આખરે કોર્ટે પાલિકાની મિલ્કત જપ્તીનો હુકમ કર્યો હતો.
જે મુજબ કોન્ટ્રાક્ટરની ટીમે તારીખ ૨૦ અને ૨૧ મી જુલાઈના રોજ મિલ્કત જપ્તીની કામગીરી હાથ ધરી હતી. આ બે દિવસ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકામાંથી ખુરશી-ટેબલ, સોફા, પંખા, એ.સી, તિજોરીઓ, એક ટ્રેક્ટર, એક સ્વીપર મશીન અને બે જેટીંગ મશીન સહિતનો સામાન જપ્ત કર્યો હતો. જેને પગલે ખેડા નગરપાલિકા કચેરી ખાલીખમ થઈ ગઈ હતી. આ ખબર જોતજોતામાં સમગ્ર રાજ્યભરમાં ફેલાઈ જતાં ખેડા નગરપાલિકાના આબરૂના ધજાગરાં ઉડ્યાં હતાં. જેને પગલે પાલિકાના સત્તાધીશોની આંખ ઉઘડી હતી અને કોન્ટ્રાક્ટર સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જેમાં પાલિકાએ ૪૮ લાખને બદલે ૩૫ લાખ રૂપિયા ચુકવવાની ઓફર મુકી હતી. વ્યાજ સિવાયની તમામ રકમ પરત મળતી હોવાથી કોન્ટ્રાક્ટરે આ ઓફર સ્વીકારી લીધી હતી અને જપ્ત કરેલો તમામ સામાન પાલિકાને પરત સોંપ્યો હતો.