શરીરનું અંગે અંગ સત્સંગ કરે એ જ પરમાર્થ છે. ઈશ્વર સર્વત્ર છે. પરમેશ્વર સર્વજ્ઞ છે. પરમાત્મા સંપૂર્ણ છે. માણસના સર્વાંગમાં સ્થિત છે. સર્વ અવયવોમાં, ઇંદ્રિયોમાં, અણુઅણુમાં વ્યાપ્ત છે એટલે જ આંગળીમાં ટાંકણી ખૂંચે કે રસ્તામાં ઠોકર વાગે તો ‘હે રામ’ કરીને ઉદ્દગાર નીકળે છે. માથાના વાળથી પગના નખ સુધી ઈશ્વર દેહમાં જ વિરાજમાન છે. ઘણી વાર માણસ બોલે છે. મારો આત્મા રામ કહે છે. તું તારામાંના ઈશ્વરને સ્મરીને બોલે. માણસ ઈશ્વરને શરીરની બહાર શોધે છે. મંદિરમાં, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, મઠ, આશ્રમ, દેરાસર, દેવળ અને ઊંચી પર્વતઘાટીમાં, તીર્થસ્થાનોમાં જાય છે. એ જેને શોધે છે તેને સાથે લઇને જતો હોય છે. આવું જ ચાલતું આવ્યું છે.
ઈશ્વર સત્ય, શુદ્ધ, સાત્ત્વિક પવિત્ર પાવનતાને ચાહે છે. શરીરમાં આ બધું જ એના નિર્મલ તત્ત્વો જેની પાસે હોય તેનામાં ઈશ્વર દેખાઈ આવે છે. એટલે જ લોકો રંગાવધૂત, સાંઈબાબા જલારામ બાપા, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, પુનિત મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આદિના ચરણોનું દર્શન કરવા પડાપડી કરતા હોય છે. એમનો હાથ પોતાના માથા પર પડે એવી ઈચ્છા કરે છે કારણ કે એ દેહધારી પુરુષોમાં પરમાત્મા છે એની આપણને ખાતરી છે . એમના જેવું જ શરીર આપણું છે, આપણે શરીર પર દુર્લક્ષ કરીએ છીએ. મુખમાં વાણી સરસ્વતી વાસ કરે છે ત્યાં મધુરતા હોવી જોઇએ, ત્યાંથી મનુષ્ય અભદ્ર અર્વાચ્ય, કઠોર અસત્ય, અશ્લીલ બોલે છે. ખોટાં આશ્વાસનો આપે છે ત્યારે દેવી સરસ્વતી નારાજ થાય જ! અવયવોના ચારેય ઉપયોગ જોઈએ.
આંખોમાં ચંદ્રસૂર્યનું તેજ છે એટલે આકાશથી પાતાળ સુધીની ભવ્યતા અને સૂક્ષ્મતા જોઈ શકાય છે. માણસ ન જોવાનું મનભરીને જુએ છે જે જોવાનું છે તે જોતો જ નથી. તે સૂર્ય-ચંદ્રનું અપમાન કરે છે. કાનોથી બીજાની નિંદા, નાલેશી સાંભળવા એને ગમે છે. જીવનોદ્ધારની વાતો સાંભળવાનો એને કંટાળો આવે છે. ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ થાય છે. પેટમાં વૈશ્વાનર બ્રહ્મા છે. તેમાં શાકાહાર કરવાના બદલે અભક્ષ ભક્ષણ કરે છે. ત્યાજ્ય વ્યંજનો ખુશીથી ખાય છે. તૃષ્ણાદેવી પવિત્ર સ્વચ્છ જળની પ્યાસી હોય છે. તો માણસ અરુચિકર, માદક પીણાંઓ પીએ છે. નસ્કોરામાં વાયુદેવનું સ્થાન છે, નાકથી સુવાસિત પરિમલ સૂંઘવાના બદલે માદક ઝેરી ધૂમ્રપાનનો શોખીન બને છે. શ્વાસે શ્વાસે નામસ્મરણના બદલે તે ધૂમ્રપાનનો વ્યસની બને છે. તે વાયુની પ્રતારણા છે.
હાથમાં ઇન્દ્રની શક્તિ છે. તે સુકર્મોથી પૃથ્વીને પલ્લવિત કરી શકે છે. દાન કરીને માન મેળવી શકે છે પણ માણસ પોતાના કર કમલોથી અપવિત્ર કામો કરે છે, જળ આપવાને બદલે મળ પીવડાવે છે. પગમાં વિષ્ણુનું બળ છે. પગમાં દર્શનીય શક્તિ છે. પગ દેહનો આધારસ્તંભ છે પણ માણસ અપવિત્ર સ્થાને જઇને દૂષિત બને છે. અપવિત્ર સ્થાને ઠોકર મારવાની હોય છે ત્યારે એ ચાકર તરીકે રહે છે. માણસ અધમતાની ચાકરી કરે છે. કપાળ મધ્યમાં આજ્ઞાચક્રનું પવિત્ર સ્થાન છે, ત્યાં શીતલ ચંદનનું તિલક કરવાની પ્રથા છે, તે કર્તવ્યનું સ્મરણ અને નસીબની પૂજા છે. ત્યાં કાળાં વાદળ જેવા વાળનું ઝૂમખું રાખે છે. ગુનાહિત કર્મો કરીને કલંકનો ટીકો લગાવે છે. ભાલમાં ચંદ્રની શીતલતા નહિ પણ ક્રોધનો અગ્નિ રાખે છે.
મસ્તકમાં શીરસ્થ બુદ્ધિદાતા ગણેશજીની પવિત્ર વિચારગ્રંથિની ઉપલબ્ધતા છે, સદ્દવિચારોની ખાણ છે. સદ્દવિચારોથી આચાર સુધરે છે. આચારથી વ્યવહાર સુધરે અને સદ્દવ્યવહારથી સુખની નિર્મિતી થાય છે. સદ્દવિચારોથી સુગમ્ય જ્ઞાન પ્રવાહ વહે છે જે અજ્ઞાનના અંધકારને નષ્ટ કરે છે. પણ માણસ દ્વેષ, વિચારોથી જ્ઞાનમૂર્તિને બંદિસ્થ કરી નાંખે છે. કલાગુણ, પ્રતિભાતત્ત્વ, પુરુષાર્થ, પરાક્રમ, ભક્તિ અને પ્રયત્ન વિચારશક્તિ મસ્તકમાં વિચરતી હોય છે.મનુષ્ય વિચારોને સ્વાર્થ લોભ-લાલચ પદ-પ્રતિષ્ઠામાં ભેરવાઇ મૂકે છે એટલે એની અવસ્થા દાનવવત બને છે. માણસ જ્ઞાન અને કલા દ્વારા સમાજને આનંદ આપી શકે છે. કર્મ બુદ્ધિથી ઉદ્યમ આપી શકે છે.
ઉદ્યમથી લક્ષ્મી આવે છે એટલે અર્થ, અર્થથી પુરુષાર્થ વધે, પુરુષાર્થથી કીર્તિ થાય, કીર્તિ પ્રસિદ્ધિ આપે છેે અને પ્રસિદ્ધિ સિધ્ધિ પાસે લઇ જાય. મસ્તક દેહનું મહત્ત્વનું અંગ છે ત્યાં ષટચક્રોનું મહત્ત્વનું ચક્ર સદસ્ત્રાર ચક્ર છે. જે માનવીને મહામાનવ બનાવવાની શક્તિ ધરાવે છે. પણ સિદ્ધિના ધનથી મન સુખી બને, સુખ તનને બળવાન કરે છે. તનના બળ પર કતૃત્વ શ્રેષ્ઠ બને. કતૃતત્વ કર્તવ્યને નિભાવે છે એટલે સમજદાર માણસે, બુદ્ધિ અને બળના ઘોડાઓને સમયના રથને જોડીને કર્મના રસ્તા પર દોડવું જોઇએ. તો શરીરમાંનો પરમેશ્વર ઉદય પામે છે. શરીર મન, બુદ્ધિ, આત્માને યોગ્ય દિશાએ વાળીને શરીરના પ્રત્યેક અવયવોમાં ઇશ્વરીય શક્તિ છે. તેનો અનુભવ રાખીને સુયોગ્ય કર્મ કરવાથી પરોપકાર, પરમાર્થનું સુખ મળે છે અને દેવ-ધર્મમાં શા માટે નિષ્ઠા વધે છે તેમાં જ વિશ્વનું કલ્યાણ છે. વિશ્વેશ્વરાય નમ: