ગુરુની પૂજા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવાય છે. અષાઢ પૂર્ણિમાના િદવસે વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસ કે જેમણે સૌથી પહેલા માનવને 4 વેદોનું જ્ઞાન આપ્યું હતું. એમનો જન્મ થયો હતો તેથી આ દિવસને ગુરૂ પૂર્ણિમા તથા વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે અને એમને સૃષ્ટિના પ્રથમ ગુરૂ કહ્યાં છે. કહેવાય છે કે, ગુરુ વગર સાચું જ્ઞાન પ્રાપ્ત નથી થઈ શકતું. એટલે જ પ્રત્યેક મનુષ્યના જીવનમાં એક ગુરુ હોવા આવશ્યક છે. આજે સમાજમાં કેટલીય વ્યક્તિઓએ તેમના વર્ક ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુરત માં પણ વિભિન્ન ક્ષેત્રમાં આગળ પડતું સ્થાન ધરાવનાર હસ્તીઓના જીવવને દિશા આપનાર તેમના ગુરુ જ રહ્યા છે. તેમને જીવનનો ઉદ્દેશ્ય તેમના ગુરુએ જ સમજાવ્યા છે. 13th જુલાઈ ગુરૂપૂર્ણિમા આવે છે ત્યારે જાણીએ આવો શહેરની નામાંકિત વ્યક્તિઓના જીવનમાં ગુરુનું શું સ્થાન રહ્યું છે. ગુરુએ તેમના કરિયરને કઈ રીતે બીલ્ટ અપ કર્યું તે તેમનાજ શબ્દોમાં જાણીએ-
લૉઈફને ફાઇનલ ઓપ આપે તે ગુરુ: ડૉ. જગદીશ સખીયા (ડરમેટોલોજીસ્ટ)
ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું કે, જીવનમાં ત્રણ થી ચાર ગુરુ હોય છે. એક શૈક્ષણિક ગુરુ જેમની પાસેથી આપણે એજ્યુકેશન મેળવીએ છીએ. શિક્ષણમાં પ્રાયમરી, સેકન્ડરી, હાયર એજ્યુકેશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એમ અલગ-અલગ હોય છે. પણ મારા લાઈફ ચેંજિંગ ગુરુ ડૉ. કે. એમ. આચાર્ય છે. આમ તો વ્યક્તિના જીવનમાં સ્પિરિચ્યુઅલ અને બિઝનેસ ગુરુ પણ હોય છે. મેં ડૉ. કે.એમ. આચાર્યને ગુરુ એટલે માન્યા કે ડરમેંટોલોજીસ્ટ એમના અંડરમાં કર્યું. મારી લાઈફ ચેન્જ ત્યાંથી થઇ છે. મારા ગુરુ વર્કોહોલિક છે. 70 વર્ષની ઉંમર થવા છતાં મારાથી વધુ કામ કરે છે. હું મારા ગુરુ પાસેથી ડીસીપ્લીન શીખ્યો. સૌથી મહત્વનું લાઈફનું પોઝીટીવ એટીટયુડ છે. એમના આ ગુણોએ મને તેમની તરફ આકર્ષિત કર્યા. મારી પ્રોફેશનલ કેરિયર એમણે બનાવી. મેં જીવનનો સાર એમની પાસેથી મેળવ્યો છે. મારા ગુરુ ખૂબ સધ્ધર છે એટલે એમને વસ્તુઓ સાથે કોઈ લેવા દેવા નથી. એમણે જે વિચાર આપ્યા છે તે બીજાને શેર કરીએ તે એમને બહુ ગમે. હું દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરું. તેમને જે વર્ક કર્યું છે તે સ્પ્રેડ કરું છું. એ રીતે તેમના પ્રત્યેની મારી ભાવનાઓને વ્યક્ત કરું છું.
સ્વામીજી કહે છે દરેક વ્યક્તિમાં એક પોઝિટિવ ભાવ અને શક્તિ રહેલી છે : મથુર સવાણી (સામાજીક કાર્યકર અને પદ્મશ્રી)
મથુરભાઇ કહે છે કે ઋષિએ કહ્યું છે કે ઇશ્વર શકિતનાં રૂપમાં છે અને શકિત કણ – કણમાં છે. આપણું શરીર કરોડો કણથી બન્યું છે એટલે આત્મા એ પરમાત્મા છે. તેઓ કહે છે કે હું મારી જાતને કશું સમજતો નથી. કુદરત જ તમને વિચારો આપે છે જે તમને ગમી જાય છે. મથુરભાઇને એવા વિચારો સ્વામી સચ્ચિદાનંદનાં ગમે છે. સ્વામીજીને તેઓ પોતાના ગુરૂ માને છે કારણકે સ્વામી સચ્ચિદાનંદ દરેક માનવીમાં શકિત અને પરોપકાર ભાવને જાગ્રત કરે છે. હું એમને ગુરૂપૂર્ણિમાએ મળવા જાઉં છું અને હું એમના વિચારોનો મારી જિંદગીમાં અમલમાં મૂકું છું જે મારી જીવનયાત્રામાં ઉપયોગી થાય છે. મથુરભાઇ કહે છે કે દરેક વ્યકિતમાં એક પોઝિટિવ ભાવ પડેલો છે, એક શકિત છે પરંતુ તમારે એના માટે પોઝિટિવ થવું પડે એવું સ્વામીજી કહે છે અને તેઓને એ વિચાર ખૂબ ગમે છે. મથુરભાઇ કહે છે કે સ્વામીજી એમના વિચાર કોઇ અનુસર તેનાથી ખુશ જ થાય છે કે એમના વિચારોથી લોકો કલ્યાણ થાય છે અને એને જ સ્વામીજી પોતાને આપેલી ભેટ સમજે છે.
દુનિયાના તમામ વૈભવ હોવા છતાં સિમ્પલ લાઇફ આકર્ષે છે: હરમીત દેસાઇ (આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ પ્લેયર)
હરમીત પીટર કાર્લ્સને પોતાના ગુરૂ માને છે. જેઓએ તેને સ્વીડનમાં ટી.ટી. રમવાની ટ્રેનિંગ આપી હતી. તે તેઓને પોતાના પાર્ટનર, ટ્રેનર અને ગાર્ડિયન માને છે. તેઓ માને છે કે તેમને તેમના ટ્રેનર પીટરનો આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાનો લ્હાવો મળ્યો જે ઘણો કામનો રહ્યો છે. હરમીત એમના કોચ પીટરના સ્ટ્રોંગ કેરેકટર, સમર્પણ અને અનુશાસન જેવા ગુણોથી ખૂબ પ્રભાવિત છે. તેઓ પોતાના મિત્ર દ્રવ્યના પિતા સવજીભાઇ ધોળકિયા જે ખૂબ નામી ડાયમંડ બિઝનેસમેન છે તેમને પણ પોતાના ગુરૂ માને છે. હરમીત કહે છે કે સવજીભાઇ પાસે દુનિયાની દરેક વૈભવી વસ્તુઓ છે છતાં તેઓ ખૂબ સિમ્પલ લિવિંગ ધરાવે છે અને આટલા સફળ બિઝનેસમેન હોવા છતાં ફેમિલીને ખૂબ મહત્વ આપે છે. તેમના આ ગુણો હરમીતને ખૂબ સ્પર્શે છે. હરમીતે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય જીત પીટર કાર્લ્સને અર્પણ કરી હતી અને સવજીભાઇ એમની પાસેથી કશું સ્વીકારતા નથી પરંતુ તેઓ ચોકકસપણે કોઇક રીતે ભવિષ્યમાં તેમનો આભાર વ્યકત કરવાની ઇચ્છા ધરાવે છે.
મારા ગુરુએ મને ગંભીરતા અને પરિપકવતા કેળવવાના પાઠ આપ્યા હતા : કમલ વિજય તુલસ્યાન (ટેકસટાઇલ ઉદ્યોગ અગ્રણી)
કમલભાઇ ટેકસ્ટાઇલ ડાઇંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે વ્રજલાલ ધમણવાલા જે ટેકસ્ટાઇલ મીલના માલિક હતા તેમને તેઓ પોતાના આજીવન ગુરૂ માનતા હતા. કમલભાઇ કહે છે કે જયારે તેમણે પાંડેસરામાં ફેકટરીની શરૂઆત કરી હતી ત્યારે વ્રજલાલભાઇ એસોસિએશનના પ્રમુખ હતા. વ્રજલાલભાઇ જરા ધીર-ગંભીર સ્વભાવના હતા અને એ સમયે કમલભાઇ ચંચળ સ્વભાવના હતા. કમલભાઇનું કહેવું છે કે વ્રજલાલભાઇએ એમને એવી સલાહ આપી હતી કે જીવનમાં કંઇક કરવું હોય અને સમાજમાં રહેવું હોય તો તમારે ચંચળતા ઓછી કરવી પડે અને ગંભીરતા તથા પરિપકવતાનો ગુણ કેળવવો પડે. એમની આ શિખામણ મેં અનુસરી અને મારું જીવન બદલાયું અને હું આ મુકામ હાંસિલ કરી શકયો. આજે વ્રજલાલભાઇ હયાત નથી પરંતુ એ આજે હોત તો હું એમના ચરણ સ્પર્શ કરીને એમનો આભાર વ્યકત કરતે.