આપણે સાધનાના ફળની નિશ્ચિતતાને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ શ્રદ્ધાની વિભાવનાને પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ૬/૪૭ શ્લોકમાં અર્જુનને શ્રદ્ધાનો મહિમા દૃઢાવતાં કહે છે કે, योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना । श्रद्धावान्भजते यो मां समे युक्तमो मतः ।।અર્થાત્, જે ભક્ત મને સંપૂર્ણ શ્રદ્ધાથી ભજે છે તે સર્વશ્રેષ્ઠ યોગી છે. એક વાર રણમાં એક માણસ તરસ્યો હતો. તેને દૂર એક ઝૂંપડું દેખાયું. આ ભાઈ ત્યાં ગયો. તેની બાજુમાં જ કટાઈ ગયેલો પાણીનો પંપ હતો. માંડ માંડ ત્યાં પહોંચ્યો ને પંપનું હેન્ડલ પકડી પંપ કર્યો પણ પાણી ન નીકળ્યું. તે પંપની બાજુમાં એક જગ પડ્યો હતો. તેની પર એક ચિઠ્ઠીમાં લખેલું, મિત્ર આ પાણી પીતા નહીં. આ પાણી પંપમાં મૂકો ને પછી પંપ ચલાવતાં પાણી આવશે ને છેલ્લે જગમાં પાણી ભરવાનું ભૂલી ન જતાં. મુંઝાયેલા તેને શું કરવું તે ખ્યાલ ન આવ્યો.
જગનું પાણી પીશ તો થોડી વાર જીવી જવાશે ને જો પંપમાં નાખીશ ને વધુ પાણી આવશે તો લાંબા સમય સુધી વાંધો નહીં આવે. આમ વિચારતાં-વિચારતાં અનિશ્ચિત મનવાળા એવા તે પુરુષે જગનું પાણી પંપમાં નાખ્યું ને પછી હેન્ડલથી પંપ ચલાવવા લાગ્યો. પાણી નીકળ્યું નહીં. આથી ફરી તેણે પ્રયત્ન કર્યો. ટીપે-ટીપે કરી શરૂ થયેલું પાણી ધારાપ્રવાહથી નીકળવા લાગ્યું. તે ખૂબ આનંદમાં આવી ગયો. પાણી પીધું ને પછી જગમાં પાછું ભરી દીધું ને બીજા મુસાફર માટે ચિઠ્ઠીમાં ઉમેર્યું કે,‘Trust me, this actually works’ વિશ્વાસ રાખજે, આ પ્રમાણે થશે. આવી શ્રદ્ધા હોય તો કામ થાય.
પરંતુ ભગવાન અને તેમના આવાં અમૃત વચનોમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવામાં ઘણી વાર આપણી બુદ્ધિ પાછાં પગલાં ભરતી હોય છે. એક બાજુ આપણને રોજની ક્રિયાઓમાં તો શ્રદ્ધા છે જેમ કે સવારમાં બાથરૂમમાં જઈએ તો નળમાં શ્રદ્ધા છે કે આમાંથી પાણી નીકળશે, એસિડ નહીં નીકળે. ગૃહસ્થને પત્નીએ બનાવેલી રસોઈમાં શ્રદ્ધા છે કે તે નુકસાન નહીં કરે. બસ કે ટ્રેનમાં પણ શ્રદ્ધા છે કે તે નિશ્ચિત સ્થળે પહોંચાડશે. નોકરને શેઠમાં શ્રદ્ધા છે કે તે પગાર જરૂર આપશે. બેંકમાં દરેકને શ્રદ્ધા છે કે વ્યાજ મળશે અને પૈસા સચવાશે. આપણને 10 રૂપિયાના તાળામાં પણ શ્રદ્ધા છે કે આપણું ઘર સાચવશે. આવી તો કેટકેટલીય બાબતોમાં આપણે શ્રદ્ધા રાખી જીવન વ્યતીત કરી રહ્યા છીએ. જીવનની રોજિંદી ઘટનામાં શ્રદ્ધા રાખીએ છીએ પણ અધ્યાત્મ અથવા ભક્તિ સંબંધી ક્રિયા આવે ત્યારે શ્રદ્ધામાં ડગમગાટ થઈ જાય છે પરંતુ જો અતિ દૃઢ શ્રદ્ધા રહે તો વ્યક્તિ મહાન કાર્યો તરફ ગતિ કરે છે.
જેઇમ્સ ક્લાર્ક આ વાતની પુષ્ટિ આપતાં કહે છે કે,“આપણે જેમને જોયા નથી એવા પરમાત્મામાં શ્રદ્ધા રાખીએ તેમાંથી જ જીવનની તમામ તાકાત અને ગતિ પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધા ધરાવે છે તે તાકાતવાન અને મજબૂત છે. જે શંકાશીલ છે તે નિર્બળ રહે છે. દૃઢ શ્રદ્ધા માણસને મહાન કર્મો માટે પ્રેરે છે.” ભારતના ઇતિહાસમાં નજર નાખીએ તો કેટલાય પ્રસંગો આંખોની સામે તરવરવા લાગે છે કે જેમાં શ્રદ્ધાનું શરણું સ્વીકારવાથી સર્વશ્રેષ્ઠ યોગીની નામાવલીમાં સ્થાન પ્રાપ્ત થયું હોય. તેમાંનો એક પ્રસંગ એટલે પ્રહલાદનો પ્રસંગ.
ભગવાનની ભજનભક્તિમાં લીન રહેતા પ્રહલાદ પર પિતા હિરણ્યકશિપુને ખૂબ ગુસ્સો આવતો. પિતાએ તેને મારવાના ઘણા પ્રયત્નો કર્યા. તેનેે મોટા હાથીઓ નીચે કચડાવ્યો, ઝેરી સાપનો દંશ દેવડાવ્યો, પર્વતની ટોચ પરથી પછાડ્યો, ઝેર પીવડાવ્યું, ભભૂકતી આગમાં અને ઊંડા સમુદ્રમાં નાખ્યો છતાં પ્રહલાદને કોઈ પ્રકારની હાનિ ન પહોંચી. તેને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હતી અને આ જ શ્રદ્ધાએ જન્મ આપ્યો નૃસિંહ અવતારને. ભક્તની શ્રદ્ધાની લાજ રાખવા ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ થયા અને પ્રહલાદની રક્ષા કરી.
સતયુગમાં જોવા મળતી આવી શ્રદ્ધાને કળિયુગમાં પણ જીવનમાં જીવનાર હતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ. જેઓ પોતે ભગવાનમાં અખંડ શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા અને તેમનું જીવન જોઈને અન્યનાં જીવનમાં પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ જાગતા હતાં. ૨૩/૪/૧૯૮૫ પ્રમુખસ્વામી મહારાજને એરઇન્ડિયાના પ્લેન દ્વારા લંડન જવાનું હતું. કેટલાક આતંકવાદીઓએ એરઇન્ડિયાનું કનિષ્ક પ્લેન તોડેલું અને ધમકી પણ આપી હતી, એટલા માટે લંડનના હરિભક્ત સી.એમ.પટેલે બાપાને ફોન કરી કહ્યું કે આપ એરઇન્ડિયા એરલાઇન્સમાં ન આવો, આતંકવાદીઓની ધમકી છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજ કહે કે આતંકવાદીમાં વિશ્વાસ છે તો ભગવાનમાં નથી? માટે અમે તો એરઇન્ડિયામાં જ આવીશું. આવા યોગીને ગીતામાં સર્વ શ્રેષ્ઠ યોગી કહ્યા છે.