20મી સદીના અંત સુધી માણસ મશીનને કમાન્ડ આપતો હતો, પરંતુ દુનિયા હવે એટલી બદલાઈ ચૂકી છે કે એક મશીન જ મશીનને કમાન્ડ આપીને કામ કરાવે છે અને એમાં ઈન્ટરનેટની મદદ મળે છે. બે મશીન ઈન્ટરનેટની મદદથી જોડાઈને કામ પાર પાડે એને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય છે. આપણને ઉપયોગી બધી જ ચીજવસ્તુઓનું ઈન્ટરનેટ સાથે જોડાણ થાય તેને ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ (IOT) કહેવાય છે. એકથી વધુ ડિવાઈસનું આંતરિક ઓટોમેટિક જોડાણ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. એક રીતે ડિવાઈસનું નેટવર્કિંગ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. એનાથી આપણી રોજિંદી જિંદગી વધુ સરળ બને છે. ઈન્ટરનેટની કનેક્ટિવિટીથી જેટલી બાબતોને જોડી શકાય એ તમામ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. ધારો કે ફ્રિજમાં ફળ-શાકભાજીનો નિયત જથ્થો રાખ્યો છે. સેટિંગ્સ જ એવું કર્યું છે કે એટલો જથ્થો ઓછામાં ઓછો મેઈન્ટેન થાય. જેવો નિયત થયેલો જથ્થો ઓછો થાય કે તરત ફ્રિજ જાતે જ ફળો-શાકભાજીનો ઓર્ડર કરી નાખે તો એ ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ એક્ટ થઈ કહેવાય!
ધારો કે વાવાઝોડાનો ભય હોય એ વખતે આપણે કાર લઈને વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર તરફ જઈએ ત્યારે કારનો વીમો આપનારી કંપનીના સેન્સર્સ ઓટોમેટિક આપણી કારને એ વિસ્તારમાં ન જવાનો સંકેત આપે તે ઈન્ટરનેટ ઓફ થિંગ્સના કારણે થયું કહેવાય. કોઈ અવાવરું જગ્યાએ વાહનને અકસ્માત નડે ત્યારે ઈજાગ્રસ્ત બેહોશ હોય અને તેને કોઈની મદદ મળી શકે તેમ ન હોય, પણ વાહનમાં લગાવેલા વિશેષ સેન્સર્સથી નજીકના પોલીસ સ્ટેશનના કંટ્રોલરૂમને જાણ થાય અને એમ્બ્યુલન્સને ય લોકેશનની જાણકારી મળે; થોડાંક સમયમાં ડિવાઈસના આંતરિક કનેક્શનના કારણે મદદ મળી જાય અને માણસનો જીવ બચી જાય. આ ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી શક્ય બન્યું કહેવાય. આવા તો અનેકાનેક પરિવર્તનો આવ્યા છે, આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય જેવા કેટલાય ક્ષેત્રોમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ વરદાન બનશે. તેનાથી માણસની સુખાકારીમાં ન ધારેલી ઝડપે પરિવર્તન આવશે.
સ્માર્ટ વિલેજનો કે સ્માર્ટ સિટીનો જે વિચાર છે તે પણ આમ તો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે જોડાયેલો છે. ઈન્ટરનેટની મદદથી ઓટોમેટિક પદ્ધતિથી બધું જ થતું રહે તેને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી ચાલતા શહેરનું ઉદાહરણ આપવાનું હોય તો મસદર શહેરનો ઉલ્લેખ કરવો પડે. અબુ ધાબીથી 17 કિલોમીટર દૂર આવેલું મસદર શહેર ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી સાકાર થઈ રહ્યું છે. ઝીરો કાર્બનના સંકલ્પ સાથે શહેરમાં વિવિધ સુવિધા મળશે. રણમાંથી આવતી ગરમ હવાને ઠંડી હવામાં પરિવર્તિત કરવા માટે હાઇ વિંડ ટાવર્સ બનાવાયા છે. એના કારણે આપમેળે ઠંડક થતી રહે છે. છ-સાત બિલ્ડિંગ્સનું મોડેલ તૈયાર થઈ ચૂક્યું છે અને શહેરમાં લગભગ બધું જ સ્વયં સંચાલિત છે. એ માટે સીધી કે આડકતરી રીતે ઈન્ટરનેટની મદદ લેવાઈ છે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સની વ્યાખ્યા બહુ વિશાળ છે. અત્યારે ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું જેટલું અસ્તિત્વ છે એનાથી અનેકગણું આવનારા વર્ષોમાં હશે. તેની મદદથી અનેક ક્ષેત્રોમાં ન કલ્પેલી ક્રાંતિ થશે. ટેકનો-એક્સપર્ટ્સ માને છે કે આજે જે દુનિયા દેખાય છે તે આવનારા સમયમાં સદંતર બદલાઈ જશે. કૃષિ, ઔદ્યોગિક, માહિતી પછી ઈન્ટરનેટ ઓફ થિંગ્સને ચોથી ક્રાંતિ ગણવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિમાં પણ વળી પાંચમી ક્રાંતિ ઈન્ટરનેટ ઓફ થિંગ્સના કારણે થશે. એક માણસ બીજા માણસ સાથે અલગ અલગ માધ્યમોથી કોમ્યુનિકેશન કરતો હતો. કોમ્યુનિકેશનના કેટલાય મીડિયમ બદલાયા પછી આખરે માણસ મશીન સાથે કોમ્યુનિકેશન કરતો થયો. હવે એક મશીન બીજા મશીન સાથે કોમ્યુનિકેશન કરીને માણસને મદદરૂપ થાય. આ સ્થિતિને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહે છે અને તે સૂત્રના સર્જનનું નામ છે- કેવિન એશટોન.
***
1999 માં બ્રિટિશ ટેકનો-એક્સપર્ટ કેવિન એશટોને ટેકનોલોજીની દુનિયામાં નવો વિચાર રજૂ કર્યો હતો અને તેને નામ આપ્યું હતું – ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ઓટો-આઈડી સેન્ટરના સહસ્થાપક કેવિને આ શબ્દપ્રયોગ પ્રચલિત કરવાની સાથે સેન્સરિંગ ટેકનોલોજીના સંશોધનનો પણ પાયો નાખ્યો. રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશનને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટે અનિવાર્ય ગણાવીને કેવિને કહ્યું હતું કે ડિવાઈસથી ડિવાઈસને જોડવા માટે મજબૂત વાયરલેસ ટેકનોલોજી વિકસાવવી પડશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સને કોઈન કરવા ઉપરાંત કેવિનનું મહત્વનું પ્રદાન એ છે કે તેણે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશનના ગ્લોબલ માપદંડો ઘડયાં. રેડિયો ફ્રિકવન્સી વગર ઈન્ટરનેટ ઓફ થિંગ્સ વ્યાપક બની શકશે નહીં એવું શરૂઆતથી જ પારખી ગયેલા કેવિને 1989-90 માં શોધાયેલી બ્લૂટૂથ ટેકનોલોજીના વ્યાપમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. એટલે જ 55 વર્ષના આ સંશોધકને માત્ર ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ સૂત્રના સર્જક તરીકે જ નહીં, પરંતુ આ વિચારને નવી દિશા આપનારા સંશોધક તરીકે ય જગતમાં માન-સન્માન મળે છે.
હરિત મુનશી