Editorial

કોવિડનો રોગચાળો ધીમો પડ્યા પછી વિશ્વમાં શરૂ થયેલું મોંધવારીનું ચક્ર લાંબુ ચાલી શકે છે

કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેને દોઢ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો છે, મંદ પડ્યો હોવા છતાં હજી આ રોગચાળો ચાલુ જ છે અને વિશ્વના કેટલાક ભાગોમાં તો હજી પણ તેની તીવ્રતા નોંધપાત્ર છે. આ દોઢ વર્ષ દરમ્યાન આ રોગચાળાએ વિશ્વના અર્થતંત્રને પણ ઘણા ફટકાઓ માર્યા છે. ભારત સહિતના અનેક દેશોના અર્થતંત્રો આ રોગચાળાને કારણે હચમચી ગયા હતા અને હજી પણ તેની અસરમાંથી પુરા બહાર આવી રહ્યા નથી, ત્યારે હવે આ રોગચાળાની સીધી અને આડકતરી અસર તરીકે વિશ્વભરમાં મોંઘવારીનું ચક્ર શરૂ થતું જણાઇ રહ્યું છે.

કોવિડનો રોગચાળો ધીમો પડ્યા પછી અનેક દેશોએ નિયંત્રણો હળવા કર્યા અને અર્થતંત્રો ફરી કંઇક ધમધમતા થયા અને વૈશ્વિક પ્રવાસો પણ ધીમી ગતિએ શરૂ થયા તેના પછી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મોંઘવારી દેખાવા માંડી છે અને ભારતમાં તો જીવનજરૂરી ચીજવસ્તુઓની બાબતમાં મોંઘવારી નોધપાત્ર વધી છે. તો બીજી બાજુ યુરોપ અને અમેરિકામાંથી પણ મોંધવારીના અહેવાલો બહાર આવી રહ્યા છે.

યુરોપિયન યુનિયનના દેશોમાં મોંઘવારી ૨૦૦૮ પછીના સૌથી ઉંચા સ્તરે પહોંચી હોવાનું હાલના અહેવાલો જણાવે છે. અને ત્યાંની આ મોંઘવારી પાછળનું સૌથી મહત્વનું કારણ ઇંધણના વધેલા ભાવો મનાય છે. ઓઇલ અને ગેસના તીવ્ર ઉંચા ભાવોએ યુરોનો ચલણ તરીકે ઉપયોગ કરતા ૧૯ દેશોમાં વાર્ષિક ફુગાવાના દરને સપ્ટેમ્બરમાં એક દાયકા કરતા વધુ સમયના સૌથી ઉંચા સ્તરે પહોંચાડ્યો છે. અર્થશાસ્ત્રીઓ અને મધ્યસ્થ બેન્કરો કહે છે કે ફુગાવામાં આ ઉછાળો હંગામી છે પણ ઇંધણોની ઉંચી કિંમતોને કારણે ઘરોના ઉંચા યુટિલિટી બિલોમાં લોકોનું દુ:ખ હળવું કરવા માટે સરકારો કશું કરી શકતી નથી.

યુરોપિયન યુનિયનની આંકડાશાસ્ત્રીય એજન્સી યુરોસ્ટેટે શુક્રવારે જાહેર કર્યું હતું કે સપ્ટેમ્બરમાં ફુગાવો ૩.૪ ટકા હતો, જે ઓગસ્ટના ૩.૦ ટકા કરતા વધુ છે અને ૨૦૦૮ પછી સૌથી ઉંચો છે. કુલ એકંદર ફુગાવો ઇંધણોની કિંમતમાં ૧૭.૪ ટકાના આંચકાજનક વધારાને કારણે વધુ વધ્યો છે. અર્થશાસ્ત્રીઓ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક કહે છે કે ફુગાવામાં તાજેતરનો ઉછાળો હંગામી છે અને તે આવતા વર્ષે હળવો થશે. જો કે તેણે કિંમતોમાં ઉછાળા અને આગામી શિયાળામાં ગેસની તંગીનો ભય દૂર કર્યો નથી. અમેરિકામાં પણ ફુગાવો વધ્યો છે.

યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે પણ શુક્રવારે એવાલ આપ્યો હતો કે ઓગસ્ટમાં કિંમતો એક વર્ષ પહેલાના સ્તર કરતા ૪.૩ ટકા વધી હતી. આંકડાઓ જણાવે છે કે રોગચાળો ચાલુ હોવા છતાં અમેરિકામાં વપરાશ હાલમાં વધ્યો છે પરંતુ ઇંધણોના ઉંચા ભાવ અને કોમ્પ્યુટર ચિપ્સથી માંડીને ફર્નિચર સુધીની વિવિધ ચીજોની તંગીને કારણે ભાવવધારો સર્જાયો છે. ભાવો વધવા માટેનું એક કારણ સપ્લાય ચેઇનમાં ઉભા થયેલા અવરોધો પણ છે અને યુરોપ તથા અમેરિકાનો આ ભાવવધારો રોગચાળા પછી સર્જાયેલી આર્થિક રિકવરીને ખોરવી રહ્યો છે.

કોવિડનો રોગચાળો હળવો થયા પછી શરૂ થયેલું આ મોંઘવારીનું દુષ્ચક્ર હંગામી છે એમ કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે તો કેટલાક કહે છે કે મોંઘવારીનું આ ચક્ર લાંબુ ચાલી શકે છે. રોગચાળો મંદ પડ્યા પછી નિયંત્રણો હળવા થવા માંડ્યા અને વાહનોની દોડા દોડી ફરીથી વધી, વૈશ્વિક પ્રવાસો પણ ફરી શરૂ થવા માંડ્યા તેના પછી ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવો ખૂબ વધ્યા છે અને તે દુનિયાભરના દેશોના અર્થતંત્રોને અસર કરી રહ્યા છે.

આ ઉપરાંત સપ્લાયથી ખોરવાયેલી ચેઇન પણ મોંધવારી વધવાનું એક કારણ છે. રોગચાળા દરમ્યાન ચીજવસ્તુઓના પુરવઠાની જે ચેઇન ખોરવાઇ હતી તે હજી પણ પુરી સ્થાપિત થઇ શકતી નથી અને તેને કારણે દુનિયાના વિવિધ ભાગોમાં વિવિધ વસ્તુઓની અછત સર્જાઇ રહી છે અને તેને કારણે તેમની કિંમતો ઉંચી ગઇ છે અને આને કારણે પણ મોંધવારી વધી છે. કેટલાક સેકટરોમાં રોગચાળા પછી શ્રમિકોની તંગી પણ ઉત્પાદનને અસર કરી રહી હોવાનું કહેવાય છે અને તે બાબત પણ મોંઘવારીમાં ફાળો આપી શકે છે. રોગચાળા પછી જુદા જુદા અનેક પરિબળોને કારણે સર્જાયેલું આ મોંઘવારીનું ચક્ર ધાર્યા કરતા લાંબુ ચાલી શકે છે.

Most Popular

To Top