મલેકપુર : રાજ્યભરમાં રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા પેપર લીંક થવાના પગલે એકાએક રદ થતાં ઉમેદવારોમાં નિરાશા જન્મી હતી. બહારગામથી આવતા વિદ્યાર્થીઓને નછુટકે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. જેના પગલે રોષ જોવા મળ્યો હતો. આણંદમાં બસનો કાચ તોડ્યો હતો, તો લુણાવાડામાં બસ રોકો આંદોલન કરતાં અધિકારીઓ દોડતાં થઇ ગયાં હતાં. આખરે પોલીસ સુરક્ષા સાથે એક પછી એક બસમાં વિદ્યાર્થીઓને તેમના વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લુણાવાડામાં પેપર લીકના કારણે જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં. પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓએ હાઈવે જામ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ રસ્તા પર આવી વાહનો અને બસ ડેપોમાં પણ વાહન રોકી વિરોધ કરતાં અફડા તફડી મચી ગઈ હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થલે પહોંચ્યાં હતાં અને વિદ્યાર્થીઓને શાંત પાડ્યાં હતાં. કેટલાક સ્થળે પોલીસ સુરક્ષા પણ આપવી પડી હતી. લુણાવાડમાં વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓના ભવિષ્યનો મજાક બની ગયો હોય તેમ લાગી રહ્યો હોવાનો બળાપો કાઢ્યો હતો.
આણંદ – વિદ્યાનગરના 56 કેન્દ્ર પર 22,290થી વધુ ઉમેદવાર જુનિયર કલાર્કની પરીક્ષા યોજાવાની હતી. પરંતુ પરીક્ષા રદ્દ થતાં ઉમેદવારો નવા બસ સ્ટેન્ડ પર એકત્ર થયાં હતાં. જોકે, આ ઉમેદવારોને નિઃશુલ્ક બસમાં મુસાફરી કરી દેવા માટે સરકારે જાહેરાત કરી હતી. પરંતુ સરક્યુલર ન આપતા એસટી ડેપોના કર્મચારીઓ પણ મુંઝવણમાં મુકાઇ ગયાં હતાં. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ભડક્યો હતો. જેમાં કોઇએ બસ પર પથ્થરમારો કરતાં કાચ તુટી ગયાં હતાં. આ ઘટનાના પગલે તાત્કાલિક શહેર પોલીસની ટીમ નવા બસ સ્ટેન્ડ પર પહોંચી હતી.
કંડક્ટરે ટીકીટ લેવાનું કહેતા યુવતી ઉશ્કેરાઇ
જુનિયર કલાર્કની પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓને પોતાના ગામમાં પરત જવા માટે એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરી માટે કિ પરિપત્ર કે સૂચના આપવામાં આવી નહતી. દરમિયાનમાં ખંભાત – લુણાવાડા બસમાં બેઠેલી બે વિદ્યાર્થિનીને બસના કન્ડક્ટર દ્વારા ટીકીટ માટે કહેતા બંને વિદ્યાર્થીનિ ઉશ્કેરાઇ ગઇ હતી અને કન્ડક્ટર સાથે બોલાચાલી કર્યા બાદ બસની પાછળ પથ્થર મારી કાચ તોડી નાંખ્યો હતો અને ફરાર થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નવા બસ સ્ટેન્ડમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.