સુરત(Surat): શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ફલાય ઓવરબ્રિજ (Fly Over Bridge) ઉપરથી યુવતી નીચે રોડ પર પટકાઈ હોવાની ચકચારી ઘટના બની છે. રાહદારી અને આસપાસના દુકાનદારોએ 108ની મદદથી યુવતીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. આ યુવતી જાતે ફ્લાય ઓવર બ્રિજ પરથી નીચે કૂદી, અકસ્માતે નીચે પડી કે પછી કોઈએ તેને ફેંકી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે.
ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલી યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા સાથે આપના કોર્પોરેટર રચના હીરપરાએ કહ્યું હતું કે આ ઘટના સોમવારે સાંજની છે. મને 6 વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો. યુવતી ઓવરબ્રિજ નીચે પડી હોવાથી મેં તાત્કાલિક સ્મીમેરમાં તેની સારવાર માટેની વ્યવસ્થા કરી આપી હતી. ત્યાર બાદ હું યુવતીને મળવા સ્મીમેર પહોંચી હતી. યુવતીની હાલત ગંભીર હતી. યુવતીના મોપેડના નંબર પરથી તેણીના પરિવારનો સંપર્ક કરાયો હતો.
યુવતીનું નામ દિવ્યા વલ્લભ જાદવ (ઉં.વ. 21) હોવાની વિગતો જાણવા મળી છે. યુવતીના બનેવી વિજયભાઈએ જણાવ્યું હતું કે, સુરતના લસકાણામાં યુવતીનો પરિવાર રહે છે. તેઓ મૂળ ખીજડીયા બોટાદના વતની છે. છ બહેનોમાંથી ચારના લગ્ન થયા છે. પિતા હયાત ન હોવાથી યુવતી હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. તેને ગઈકાલે સોમવારે સાંજે અકસ્માત થયાની અમને જાણ થઈ હતી. તેણી હોંશમાં આવે ત્યાર બાદ તેણીની સાથે શું થયું તે ખબર પડશે.
નોંધનીય છે કે યુવતી દીપકમલ મોલ સામે બ્રિજની નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી, જેથી એવા સવાલો ઉભા થયા હતા કે શું યુવતીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતે તે નીચે પડી હતી કે પછી તે જાતે કૂદી હતી. યુવતીને કોઈકે નીચે ફેંકી હોવા અંગેની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે ઓવર બ્રિજની પાળી ખૂબ ઊંચી છે એટલે કોઈ નીચે એમ જ પડી જાય તે માની શકાય તેમ નથી. વળી સાંજે 6 વાગ્યાના સમયગાળામાં આ બ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોવાથી કોઈ ફેંકી દે તે પણ શક્ય નથી. હાલ સરથાણા પોલીસ તપાસ કરી રહી છે.