દીકરી અને ગાય દોરે ત્યાં જાય, અતિ પ્રાચીન કહેવતનું કોઇ પગેરું મળતું નથી પરંતુ પ્રાચીન સમયમાં આવી મોં માથા વિનાની કહેવતો ચાલ્યા કરતી હતી અને કોઇ તેને પડકારતું પણ નહોતું. સ્ત્રીઓ પુરુષ સમોવડી બની અને વડાપ્રધાન પદની ખુરશી પર બેસી શકી હોવા છતાં દિકરીને સાપનો ભારો કહેવાતી હતી. પણ કેટલાક પરિવારોએ આવી કહેવતોને બદલી નાખી છે. હવે માતા-પિતા દિકરાઓ સાથે પોતાની દિકરીઓને પણ પોતાના બિઝનેસમાં અને પ્રોપર્ટીમાં એક સરખો હિસ્સો આપી રહ્યા છે. રક્ષાબંધનની સાથે 26 ઓગસ્ટે વિમેન ઈક્વાલટી ડે આવી રહ્યો છે ત્યારે જાણો શહેરના કેટલાક એવા કેટલાક પરિવારો વિશે જેણે પોતાની દિકરીને પણ કાબિલ સમજીને ભાઈ-બહેન બંનેને બિઝનેસમાં એકસરખા હકો આપીને નારી સમાનતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે
ભાઈ માટે ફેક્ટરી અને બહેન માટે સ્ટુડિયો ઉભો કરી દીધો
જીગર એક મિડીયમ ફેમિલીને બિલોન્ગ કરે છે. તેના પિતાજીએ ખૂબ સંઘર્ષ કરીને તેને અને તેની બહેન સ્મિતાને ભણાવી ગણાવી કાબિલ બનાવ્યા. સ્મિતાએ ફેશન ડિઝાઈનીંગ કર્યું હતું. જીગરના પિતાજીને સિમેન્ટની બે જગ્યાએ ફેક્ટરી ચાલતી હતી. જેમાંથી સ્મિતાના લગ્ન સમયે તેમના પિતાજીએ કન્યાદાનમાં પોતાની એક ફેક્ટરી વેંચીને તે જગ્યા પર સ્મિતાને તે ડિઝાઈનર સ્ટુડીયો ઉભો કરી દીધો. તેમણે જણાવ્યું હતું કે દિકરો અને દિકરી બંને કાળજાના બે કટકા છે. આથી તેમને મારી પ્રોપર્ટીમાંથી પણ તેમને સમાન કટકા એટલે કે હિસ્સો મળવો જરૂરી છે.
પિતાએ રેસ્ટોરન્ટનો કારોભાર બંને ભાઈ-બહેનને સોંપી દીધો
ગ્રંથ જાની અને તેની બહેન ગ્રંથા જાની બંને ભાઈ-બહેન છે. પિતાજીના અકસ્માતમાં મૃત્યુ બાદ બંનેએ તેમના પિતાનો રેસ્ટોરન્ટનો બિઝનેસ સંભાળ્યો છે. શહેરના ભટાર એરીયામાં રેસ્ટોરન્ટ ચલાવતા તેમના પિતાજીએ રેસ્ટોરન્ટ બંને ભાઈ-બહેનના નામે કરી દીધી હતી. ગ્રંથા આખો દિવસ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટમાં હોય છે અને ગ્રંથ ફૂડ મેનેજમેન્ટ સંભાળે છે. ગ્રંથે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારી બહેન મેનેજમેન્ટમાં મારા કરતા પણ હોંશિયાર છે. મારા પિતાજીને આ વાતની ખબર હતી, આથી તેમણે મારી સાથે મારી બહેનને પણ હોટલોનો કારોભાર સંભાળવા આપી દીધો. આજે પણ રેસ્ટોરન્ટ અંગેના તમામ નિર્ણયો તે જ લે છે.
દિકરો અને દિકરી બંને માટે હોસ્પિટલ ઉભી કરી
નરેશ ચલોડીયા અને તેમના બહેન અસ્મિતા બંને ડોક્ટર છે. બંનેએ એક સાથે તેમની ડોક્ટરની ડિગ્રી પુરી કરી હતી. તેમના પિતાજી પણ ઓર્થોપેડીક છે એટલે તેમના દિકરાએ તેમની જગ્યા સંભાળવાની હોય. અસ્મિતાએ ગાયનેકોલોજીસ્ટ બનીને જોબ કરવાનું વિચાર્યું હતું. પરંતું પ્રેક્ટીસ પુરી થવાની સાથે જ તેમના પિતાએ પોતાની હોસ્પિટલમાં પોતાના દિકરા અને દિકરી માટે એક ઓર્થોપેડીક અને એક ગાયનેકોલોજીસ્ટનો અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવી આપ્યો. તેમણે જણાવ્યું હતું કે દિકરો હોય કે દીકરી એમાં શું? દિકરા માટે તો હોસ્પિટલ તૈયાર હતી પણ દિકરીને પણ તેની કાબેલિયત પ્રમાણે તેનો હક આપવો તે મારી ફરજ છે. આજે બંને ભાઈ-બહેન જુદા-જુદા ડિપાર્ટમેન્ટ સાથે એક જ હોસ્પિટલ ચલાલે છે.