Business

જૈન હવાલા કૌભાંડનું ભૂત ફરીથી ધૂણી રહ્યું છે

આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં બહાર આવેલા જૈન હવાલા કૌભાંડને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો છે કે પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધાનકર ભ્રષ્ટ છે, કારણ કે તેમનું નામ જૈન હવાલા કૌભાંડમાં સંડોવાયેલું હતું. જૈન હવાલા કૌભાંડ ભારતના રાજકારણનું કાળું પ્રકરણ હતું. જૈન બંધુઓની ડાયરીમાં જગદીપ ધાનકર સાથે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ પણ હતું.

જૈન હવાલા કાંડ બહાર આવ્યો ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ સંસદસભ્ય તરીકે રાજીનામું આપીને રાજકીય અરણ્યવાસ સ્વીકારી લીધો હતો. જ્યારે ઇ.સ.૧૯૯૭માં હાઇકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા ત્યારે જ તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફર્યા હતા. જૈન બંધુઓના હવાલા કાંડમાં લાલકૃષ્ણ અડવાણી અને બીજા નેતાઓ નિર્દોષ છૂટી ગયા. તેનું કારણ તેમની નિર્દોષતા નહોતી, પણ નક્કર પુરાવાનો અભાવ હતો. આ કેસની તપાસમાં સીબીઆઇએ જાણી જોઇને નબળી કડીઓ રાખી હતી, જેનો લાભ રાજકારણીઓને મળ્યો હતો.

જૈન હવાલા કૌભાંડ ભારતના રાજકારણનું એક કાળું પ્રકરણ હતું, કારણ કે તેનો સંબંધ ત્રાસવાદ સાથે પણ હતો. કેટલાક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા ટોચના રાજકારણીઓને તગડા કોન્ટ્રેક્ટરો મેળવવા માટે કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવે છે તે બહુ જાણીતી વાત હતી, પણ તેના નક્કર પુરાવા ક્યારેય મળતા નહોતા. ઇ.સ.૧૯૯૧માં સીબીઆઇના હાથમાં કાશ્મીરના બે આતંકવાદીઓ આવ્યા હતા, જેમને દિલ્હીના ત્રણ જૈન બંધુઓ દ્વારા કરોડો રૂપિયા ચૂકવવામાં આવતા હતા. 

જૈન બંધુઓની ડાયરી તપાસતાં તેમાં રાજકારણીઓને પણ ૬૫ કરોડ રૂપિયાની લાંચ અપાઇ હોવાની નોંધ મળી હતી. સીબીઆઇની તપાસમાં જાણવા મળ્યું કે જૈન બંધુઓ ત્રાસવાદીઓને અને રાજકારણીઓને જે રૂપિયા ચૂકવતા હતા તે તેમના પોતાના રૂપિયા નહોતા, પણ દુબઇમાં બેઠેલા કોઇ અમીરભાઇ વતી તેઓ રૂપિયા ચૂકવતા હતા. જૈન બંધુઓ તો માત્ર હવાલાનો ધંધો કરતા હતા. તેનો અર્થ એ થયો કે જે વ્યક્તિ હવાલાની ચેનલ  દ્વારા ત્રાસવાદીઓને રૂપિયા ચૂકવતી હતી તે દેશના રાજકારણીઓને પણ રૂપિયા ચૂકવતી હતી. કાશ્મીરના ત્રાસવાદીઓને તો ટાડાના કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા પણ તેમને ફંડ પૂરું પાડતા જૈન બંધુઓ સામે ટાડાનો કેસ કરવાને બદલે ભ્રષ્ટાચારનો જ કેસ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમનો સંબંધ ટોચના રાજકારણીઓ સાથે હતો.

જૈન બંધુઓ દ્વારા જેમને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા તેમાં દેશના લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થતો હતો. ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીને ૬૮.૫ લાખ રૂપિયા ચૂકવાયા હોવાની એન્ટ્રી કરવામાં આવી હતી, તો યશવંત સિંહાને ૨૧ લાખ રૂપિયા ચૂકવાયા હોવાની નોંધ જૈન બંધુઓની ડાયરીમાં હતી. ભાજપના નેતા મદનલાલ ખુરાનાને પણ ત્રણ લાખ રૂપિયા ચૂકવાયા હોવાની એન્ટ્રી તેમાં હતી. કોંગ્રેસના નેતાઓ અર્જુન સિંહ, નારાયણ દત્ત તિવારી, માધવરાવ સિંધિયાને ૭૫ લાખ, વી.સી. શુક્લને ૬૫.૮ લાખ, બલરામ જાખડ, આર.કે.ધવન, બુટા સિંહ, કમલ નાથ વગેરેને પણ લાખો રૂપિયા ચૂકવાયા હોવાની તેમાં નોંધ હતી.

હવાલા કેસમાં સંડોવાયેલા ૨૪ રાજકારણીઓ સામે ભ્રષ્ટાચારવિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં કેન્દ્રના સાત કોંગ્રેસી પ્રધાનો હતા, જેમને રાજીનામાં આપવાની ફરજ પડી હતી. લાલકૃષ્ણ અડવાણી ત્યારે લોકસભામાં વિપક્ષી નેતા હતા. તેમણે પણ રાજીનામું આપ્યું હતું. આ બધા સામે તપાસ કરીને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ પણ મૂકવામાં આવી હતી. પત્રકાર વિનિત નારાયણને જ્યારે ખ્યાલ આવ્યો કે હવાલા કૌભાંડમાં સંડોવાયેલા રાજકારણીઓને નિર્દોષ જાહેર કરવાનો તખતો ગોઠવાઇ રહ્યો છે ત્યારે તેમણે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીને પ્રતાપે સુપ્રિમ કોર્ટે હવાલા કૌભાંડની તપાસ પોતાની દેખરેખ હેઠળ આગળ ચલાવવાનો આદેશ કર્યો હતો.

ટ્રાયલ કોર્ટમાં જે રાજકારણીઓ સામે કેસ ચાલી રહ્યો હતો તેમાંના કેટલાકે દિલ્હી હાઇકોર્ટમાં ચાલતા કેસને રદ્દ કરવા માટે અરજી કરી હતી. તેમાં અડવાણીના વકીલ તરીકે રામ જેઠમલાણીએ એવી દલીલ કરી હતી કે કોઇ વ્યક્તિ પોતાની ડાયરીમાં ગમે તે લખી કાઢે તેને પુરાવો ગણીને કોઇને સજા કરી શકાય નહીં. હકીકતમાં આ ડાયરીના આધારે જૈન બંધુઓની પૂછપરછ કરવામાં આવી તેમાં પણ તેમણે રાજકારણીઓને રૂપિયા આપવાની કબૂલાત કરી હતી. તેમ છતાં દિલ્હી હાઇકોર્ટે રાજકારણીઓની અરજી માન્ય રાખીને ટ્રાયલ કોર્ટમાં ચાલતો કેસ રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પછી ટ્રાયલ કોર્ટે જે આરોપીઓ હાઇકોર્ટમાં નહોતા ગયા તેમની સામેના કેસો પણ પડતા મૂકી દીધા હતા.

ઇ.સ.૧૯૯૭ના ચુકાદામાં હાઇકોર્ટે જૈન હવાલા કૌભાંડમાં સંડોવાયેલા તમામ રાજકારણીઓને નિર્દોષ જાહેર કર્યા. તે પછી સરકાર પર બહુ દબાણ આવ્યું એટલે તેણે હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું હતું કે જૈન બંધુઓની ડાયરી પુરાવા તરીકે માન્ય રાખી શકાય, પણ તેને સમર્થન આપતાં અન્ય પુરાવા ન મળતા હોવાને કારણે તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. આ કેસમાં સુપ્રિમ કોર્ટે સીબીઆઇની ક્ષતિપૂર્ણ તપાસ પદ્ધતિની આકરી ટીકા કરી હતી અને સીબીઆઇને સીવીસી જેવી કોઇ સ્વાયત્ત સંસ્થાના હાથ નીચે આણવાની પણ હિમાયત કરી હતી. સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો વાંચતા સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે સીબીઆઇની તરફદારીને કારણે જ લાલકૃષ્ણ અડવાણી સહિતના સર્વપક્ષીય ૨૪ નેતાઓ નિર્દોષ પુરવાર થયા હતા.

Most Popular

To Top