દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજીયાતપણે પહેરવાના કાયદાના અમલ કરાવવાનું ભૂત વખતોવખત ધૂણ્યા કરે છે અને જનતા વખતોવખત હોબાળો કરે છે. હાલમાં ફરી જોરશોરથી હેલ્મેટ ફરજીયાત પહેરવાની ઝુંબેશ સરકાર તરફે શરૂ થઈ ગઈ છે પરંતુ પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડશે કે નહિ તે સમયના ગર્ભમાં છે. સરકાર ઈચ્છે તો હેલ્મેટના કાયદાની ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી શકે છે. હાલમાં બજારમાં પૂરતા પ્રમાણમાં હેલ્મેટ ઉપલબ્ધ નથી. ગુજરાતની ૬ કરોડ જનતાને હેલ્મેટ પહેરવા વિશે જાગૃત કરીને કાયદાના ફાયદા બતાવી તેનો અમલ જનતાની મુનલફી પર છોડી દે અને લોકો સ્વેચ્છાએ હેલ્મેટ પહેરતાં થાય તો કોઈને કાંઈ ગુમાવવાનું રહેતુ નથી.
‘એઈડઝ’જેવી જીવલેણ બિમારી સામે પણ લોકોને ફક્ત જાગૃત કરવામાં આવી છે ને? અગાઉના જમાનામાં ‘રાજહઠ’, ‘બાળહઠ’, ‘સ્ત્રીહઠ’ની ઉક્તિ મશહૂર હતી તે પૈકી ‘રાજહઠ’ને લોકશાહી શાસનવ્યવસ્થામાં કોઈ સ્થાન હોઈ શકે નહિ. ૬ કરોડની જનતા નહિ ઈચ્છતી હોય તો સરકારને સાચા લાગતા હેલ્મેટ પહેરાવવા કાયદાના અમલના આગ્રહના બંધનને ગાંઠ પડી જાય તેવી રીતે બાંધવા ન જોઈએ. જનતા કાયદાના અમલ સામે અસહકારનું વલણ અખત્યાર કરે તે પહેલાં સરકારે હેલ્મેટના અવ્યવહારુ કાયદાનો અમલ મોકૂફ રાખવો ઘટે.
સુરત – અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
