વડોદરા: વડોદરા કારેલીબાગ વિસ્તારમાં સ્વિમિંગ પુલની બાજુમાં આવેલ વૃદ્ધો માટે ગાર્ડનની જગ્યા ફાળવવામાં આવી છે. પરંતુ તેના પર હાલ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા આ જગ્યા હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. અને આ જગ્યાએ મુકેલ બાંકડા સુદ્ધા લોકો ચોરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં વિવિધ વિસ્તારોમાં લોકોની સુખાકારી માટે બાગ બગીચાઓનું નિર્માણ કરવામાં આવે છે અને વિસ્તારના બાળકો – વૃદ્ધો તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્વિમિંગ પુલની બાજુમાં વૃદ્ધો માટે જગ્યા ફાળવવામાં આવી છે. અને તેમાં પ્રાથમિક તબક્કે બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝૂપડપટ્ટી હટાવી આ જગ્યા ગાર્ડન માટે ફાળવવામાં આવી હતી. જો કે હાલ સુધી કહેવાતા આ ગાર્ડનને હરિયાળો બનાવી તેને બગીચામાં રૂપાંતરિત કરવામાં આવ્યો નથી.ક્યાંક ને ક્યાંક તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે તો ક્યાંક સ્થાનિક રહીશોની પણ આ બાબતે નિષ્કાળજી જણાઈ રહી છે. સ્થાનિકો પણ આ જગ્યાનો કચરો નાખી ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. હાલ આ જગ્યા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. અને રાત્રીના સમયે અહીં મદિરા પ્રેમીઓનો જમાવડો હોય છે. ત્યારે આ જગ્યા ઉપર ત્વરિત કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
ફતેગંજના અરવિંદ બાગની સાર સંભાળના અભાવે દયનીય હાલત
વડોદરા: પાલિકા હસ્તકના શહેરના વિવિધ બાગ બગીચાઓમાં લાખો રૂપિયાના ખર્ચે લોકો માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો પરંતુ ત્યારબાદ તેની યોગ્ય સાર સંભાળ નહી રાખતા બાગ બગીચાઓમાં ગંદકીની ભરમાર તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની જતા હોય છે.જેના કારણે મોર્નિંગ વોકર્સ સહિત યોગા જેવી પ્રવૃત્તિઓ કરાવતા લોકોને ઘણી હાલાકી વેઠવી પડતી હોય છે.
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા અરવિંદ ગાર્ડનની પણ દૈનીય હાલત બની છે.સ્થાનિક રહીશ સુનિલભાઈ પાટીલે જણાવ્યું હતું કે અરવિંદ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ માટે ઈ-ટોઈલેટની સુવિધા નથી. હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે પ્રાથમિક જરૂરિયાત એવી પીવાના પાણીની કોઈ સુવિધા નથી નવનિર્મિત વોટર ડિસ્પેન્સર પણ તૂટેલી હાલતમાં છે. કમળનું તળાવ જેની જાળવણી ના અભાવે મચ્છરોનું આશ્રય સ્થાન બન્યું છે. તેમજ બહારના તત્વો દ્વારા આ તળાવમાંથી કમળના ફૂલોની પણ ચોરી થઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને બનાવાયેલ જીમમાં પણ એક સાધન તૂટી ગયું છે. બીજી તરફ ગાર્ડનમાં જ મૂકેલા ડસ્ટબીનો તૂટેલા છે. પાણીની પાઇપો પણ લીક થઈ રહી છે સાથે બગીચાના પાછળનો દરવાજો પણ તૂટેલી હાલતમાં છે. જેના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને લોકીંગ વ્યવસ્થાની તાતી જરૂરિયાત છે. જ્યારે ફૂટપાથ પર આશરો લેતા લોકો પણ આ ગાર્ડનમાં પ્રવેશી નુકસાની કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઇજારદાર સાથે વાતચીત ચાલે છે,ટૂંક જ સમયમાં નિવેડો આવી જશે
અરવિંદ બાગમાં અમે હાલમાં જ અમે એક જિમ ઉભું કર્યું છે અને લોકો માટે કસરતના સાધનો મુક્યા છે. આ બાગની જાળવણી માટે બે કર્મચારીઓ હતા પરંતુ તે પૈકી એકનું મૃત્યુ થયું છે અને તેના કારણે જેઓને એન્યુઅલ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેઓને આ જાળવણી માટેની કામગીરી સોંપવામાં આવશે. ઇજારદાર સાથે વાતચીત ચાલી રહી છે અને તે ટૂંક જ સમયમાં નિવેડો આવી જશે. બાકી હાલમાં સફાઈ અને જાળવણી થાય જ છે.
-મંગેશ જયસ્વાલ , ડાયરેકટર , પાર્ક્સ એન્ડ ગાર્ડન