આણંદ : આણંદના અતિધનાઢ્ય વિસ્તાર ગણાતા વોર્ડ આઠમાં ત્રણ વર્ષ પહેલા પાલિકાના સત્તાધિશોએ રાતોરાત 12 લાખના ખર્ચે બગીચો બનાવ્યો હતો. જેમાં તમામ સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી. બાદમાં બધુ વિસરાઇ જતાં પ્રજાના પૈસા વેડફાયા છે. કારણ કે હાલ આ જગ્યા એકદમ બિનઉપયોગી બની છે અને વેરામ ભાસી રહી છે. બ્લોક નિકળવા લાગ્યા છે અને રમત ગમતના સાધનો ખખડધજ બની ગયાં છે. જેના કારણે આસપાસની સોસાયટીના રહિશોમાં રોષની લાગણી જન્મી છે.
આણંદ શહેરના વિદ્યાનગર રોડ પરથી અક્ષરફાર્મ તરફ જવાના માર્ગ પર ઓએનજીસી પાઇપ લાઇન પસાર થાય છે. આ લાઇન પર દબાણ ન થાય તે માટે પાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલા અહીં રૂ.12 લાખના ખર્ચે બ્લોક નાંખી પાર્કીંગ ઝોન, વરિષ્ઠ નાગરિકો માટે બેસવા માટેની સુવિધા, વોકીંગ ઝોન, બાળકો માટે રમત ગમતના સાધનો મુકવામાં આવ્યાં હતાં. જોકે, પાલિકાની અણઆવડતના કારણે આ બધુ ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે. અહીં ઝાડી – ઝાંખર ઉગી નિકળ્યાં છે. જ્યારે પ્રજાના પરસેવાના પૈસે નાંખેલી સુવિધા સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત બની ગઇ છે. જેના કારણે પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગયાં છે.
અહીં ત્રણ વર્ષ પહેલા બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને રૂપિયા 12 લાખના ખર્ચે સુંદર બગીચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, બાજુમાં આવેલા સૂર્યકિર્તન સોસાયટીના રહિશો દ્વારા દબાણ કરવામાં આવતા દબાણો પણ તોડી પાડવામાં આવ્યાં હતાં અને ત્યાં દિવાલ ચણીને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આ બગીચામાં શહેરીજનોને સુવિધા મળી રહે તે હેતુસર પાર્કીંગ એરિયા સાથે વરિષ્ઠ નાગરિકો માટે બેસવા માટે સુવિધા, બાળકોના રમત ગમતના સાધનો, વોકીંગ ઝોનની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
તેની પાછળ રૂ.12 લાખ જેવી રકમનું આંધણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાના રેઢીયાળ તંત્ર દ્વારા આ જગ્યા લાખો ખર્ચ બાદ હવે બિનઉપયોગી બની છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સાઇડમાં એક દિવાલ બનાવી તેના પર જાળી ફિટ કરવામાં આવી છે. તેમજ વોકીંગ ઝોન પર 200 મીટરના અંતરે પેવર બ્લોક નાંખી કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવ્યો છે. આ વોર્ડના રહિશોએ વારંવાર પાલિકામાં રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.