Editorial

ખેતીની આવકના નામે આઈટીમાંથી છૂટ લઈને કાળા નાણાંને ધોળું કરવાનો ખેલ હવે આઈટી પકડશે

તાજેતરમાં કેન્દ્ર સરકારે આઈટીના સ્લેબમાં વધારો કર્યો. 12 લાખ સુધીની આવક ઈન્કમટેક્સમાંથી મુક્ત કરી. જોકે, ભારતમાં આઈટીના મામલે હજુ પણ અનેક વિસંગતતાઓ છે. જેમને ખરેખર લાભ મળવો જોઈએ તેને બદલે અન્ય લોકો જ આઈટીમાંથી છૂટનો ખોટો લાભ લઈ રહ્યા છે. સરકારે ખેડૂતોની હાલત સમજીને ખેતીની આવક પર ઈન્કમટેક્સમાંથી માફી આપી છે. પરંતુ આનો લાભ ખરેખર ખેડુતો લેવાને બદલે અન્ય લોકો જ લઈ રહ્યા છે. દાયકાઓથી લોકો ઈન્કમટેક્સથી બચવા માટે કૃષિ આવક અને ખેતની જમીનના વેચાણનો ઉપયોગ કરી રહ્યા હતા.

આ રીતે કાળા નાણાંને સફેદ પણ કરવામાં આવતું હતું. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જેને કારણે હવે આઈટી વિભાગે દેશભરમાં ખેતીની આવકની પણ તપાસ શરૂ કરી છે. આઈટી વિભાગ હવે એવા કેસની નોંધ લઈ રહી છે કે જ્યાં વ્યક્તિઓ કે પછી સંસ્થાઓએ જમીન નહીં હોવા છતાં પણ 50 લાખ રૂપિયા કે તેથી વધુ ખેતીની આવક બતાવી છે. એવા કેસની પણ તપાસ શરૂ કરવામાં આવી છે કે જ્યાં પ્રતિ એકર રૂપિયા 5 લાખની અવાસ્તવિક ખેતીની આવક જાહેર કરવામાં આવી છે. આ એવી આવકો છે કે જે સામાન્ય વલણો અને જાહેરમાં જે વિગતો છે તેની સાથે મેળ ખાતી નથી. કેટલાક રાજકારણીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ દ્વારા પણ આ રીતે ઈન્કમટેક્સનો લાભ લેવામાં આવ્યો છે. કર કાયદા પ્રમાણે, કૃષિ આવકને ઈન્કમટેક્સ અને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

તાજેતરમાં જયપુર મંડળમાં ખેતીના નામે આઈટીનો ગેરલાભ લેવામાં આવ્યો હતો. આ એવી સંસ્થાઓ હતી કે જેમના દ્વારા પોતાના આઈટી રિટર્નમાં રૂપિયા 50 લાખથી વધુની ખેતીની આવકનો દાવો કરવામાં આવ્યો હતો. આઈટી વિભાગને તેમાં કૌભાંડ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતા તપાસ શરૂ કરવામાં આવી છે. આઈટી વિભાગે શરૂ કરેલી તપાસમાં જેમણે ખેતીની આવક બતાવી છે તેમણે ખેતી માટે જમીનનો ઉપયોગ કરવાના પૂરતા પુરાવા રજૂ કરવાના રહેશે. આ માટે આઈટી વિભાગ દ્વારા સેટેલાઈટની ઈમેજનો પણ ઉપયોગ કરવામાં આવશે. કારણ કે બિનખેતીમાંથી થતી આવક, જેમાં જમીન પ્લોટિંગ અને વેચાણમાંથી થતી કમાણી, શહેરી ખેતીની જમીનનું વેચાણ, કોમર્શિયલ હેતુ માટે ફાર્મહાઉસ ભાડે આપવા, મરઘા ઉછેર અને અન્ય આવી જ પ્રવૃત્તિઓ આઈટીમાંથી બાકાત નથી.

ખેતીની જમીનની આવકમાં ખેતપેદાશોનું વેચાણ અથવા તો મ્યુનિસિપલ હદની બહાર જમીનનું ભાડુંનો જ સમાવેશ થાય છે. કાયદા હેઠળ ઓછી વસતી ધરાવતા વિસ્તારો, ખેતીની જમીનમાંથી કરમુક્ત આવક, ખેતીની જમીનના વેચાણમાંથી થતા મૂડી લાભમાંથી પણ આવક થઈ શકે છે. જે આઈટી એક્ટની કલમ 2(14) હેઠળ મૂડી સંપત્તિની વ્યાખ્યામાં આવતી નથી. તેવી જ રીતે ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં, જમીનની વિગતો આઈટી રિટર્ન અથવા તો કર વિભાગના રેકોર્ડમાં દેખાતી નથી અને તેને કારણે શંકાઓ ઊભી થઈ શકે છે.

આ માટે ખેતીની જમીનનું વેચાણ થયું હતું તેવા દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે. અત્યાર સુધી એવું થતું હતું કે ખેતીની આવકના નામે અન્ય આવકોને આઈટીમાંથી મુક્ત કરાવી લેવામાં આવતી હતી. જેને કારણે કાળા નાણાંને સફેદ કરવાનો મોટો દાવ થતો હતો અને જે ખરેખર ખેડૂત છે અને તેની ખેતીની આવક છે તેને નુકસાન થતું હતું. આઈટી દ્વારા હાલમાં આ કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે જો આઈટી વિભાગ આવા કેસોને શોધીને આઈટી વસૂલ કરી શકશે તો દેશને મોટી આવક થશે તે નક્કી છે.

Most Popular

To Top