SURAT

વેડરોડના રત્નકલાકારના યુવાન દીકરાના કારનામા સાંભળી ચોંકી જશો, પિતાને જ ફોન કરી ધમકી આપી

સુરત: શહેરના વેડરોડ વિસ્તારના 22 વર્ષીય યુવાન રત્નકલાકારનું અપહરણ થયું હોવાની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, માત્ર 3 જ કલાકમાં પોલીસે આ સમગ્ર કેસ ઉકેલી નાંખ્યો હતો. અપહરણ કેસની હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

વેડરોડ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર મહીપત સવજીભાઈ રાઠોડ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અલગ અલગ ભાષામાં વાત કરતા ઈસમોએ મહીપતભાઈ્ને ધમકી આપી હતી કે તેમના 22 વર્ષીય દીકરા ગૌરવ ઉર્ફે રઘાનું અપહરણ કરાયું છે. આ સાથે જ અજાણ્યા અપહરણકારોએ મહીપતભાઈ પાસે રૂપિયા 4 લાખની ખંડણી માંગી હતી અને પોલીસને જાણ કરી તો દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અજાણ્યા નંબર પરથી ધમકી ભર્યો ફોન આવ્યા બાદ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. દીકરાના મોબાઈલ પર ફોન કર્યો હતો, પરંતુ તે ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેથી પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો. પરિવારે હિંમત કરી પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી.

અપહરણની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ ટીમને કામે લગાડી જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરને ટ્રેસ કરવા માંડ્યો હતો. પોલીસે 3 જ કલાકમાં આ કેસ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે માત્ર 3 કલાકમાં ગૌરવને સચિન નજીક બુડિયા ખાતેથી તેની બાઈક સાથે જ શોધી કાઢ્યો હતો. ગૌરવ મળ્યો ત્યાર બાદ જે ખુલાસો થયો તે સાંભળી પરિવારજનો અને પોલીસ ચોંકી ગઈ હતી.

ગૌરવે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે જુગારમાં અઢી લાખ રૂપિયા હારી ગયો હતો. માથે દેવું થઈ જતા તેને જ ખોટા અપહરણનો પ્લાન ઘડ્યો હતો. આ માટે તે છેલ્લાં અનેક દિવસોથી પ્લાન બનાવી રહ્યો હતો. 10 દિવસ પહેલાં તેણે સીમકાર્ડ ખરીદયું હતું. તે નવા નંબર પરથી જ તેણે પિતાને ફોન કર્યો હતો. જેથી ખંડણી પેટે 4 લાખ રૂપિયા લઈ 2.50 લાખનું દેવું ચુકવી શકે.

તેની કબૂલાત સાંભળી પિતા ચોંકી ગયા હતા. પોલીસને ગેરમાર્કે દોરવા બદલનો ગુનો પોલીસે ગૌરવ વિરુદ્ધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ, અપહરણનું ખોટું નાટક કરવું ગૌરવને ભારે પડ્યું છે.

Most Popular

To Top