ચાલુ મહિને કોલંબિયા યુનિવર્સિટીનાં પીએચ.ડી.નાં વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસનનો વિઝા રદ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમણે જાતે જ દેશ છોડી દીધો હતો. તેમના પર હિંસા અને ચરમપંથીઓને સમર્થન આપવાનો આરોપ હતો. જોકે, તેઓ આ આરોપોને નકારે છે. જૉર્જટાઉન યુનિવર્સિટીના સંશોધક અને ભારતીય નાગરિક બદરખાન સૂરીને હમાસના પ્રચાર અને તેમના ચરમપંથી જૂથના નેતા સાથે નિકટના સંબંધ હોવાના આરોપસર થોડાક દિવસ પહેલાં જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સૂરીના વકીલોએ આ આરોપોને નકાર્યા છે. અત્યારે કેટલાક વિદ્યાર્થી અમેરિકા જવા માટેના વિઝાની રાહ જુએ છે. જોકે ટ્રમ્પ નાં ફરી આગમન બાદ આવા વિદ્યાર્થીના પરિવારજનો અવઢવમાં છે. ત્યાંની કૉલેજો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે અવારનવાર સમાચાર આવી રહ્યા છે, તેનાથી તેઓ ચિંતિત છે. તેમનાં મનમાં અનેક સવાલ છે જેમ કે, શું ત્યાં વિદ્યાર્થી કોર્સ પૂરો કર્યા પછી કામ કરી શકશે? હકીકતમાં, અમેરિકામાં ભણવા સંબંધી જે પ્રકારની ચિંતા અત્યારે ભારતનાં ઘણાં ઘરોમાં જોવા મળી રહી છે.
ભારત સરકારના ડેટા અનુસાર, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા ‘સૌથી પસંદગીના દેશોમાંથી એક છે’. ઈ.સ. 2024માં સાડા સાત લાખ કરતાં વધારે ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા. તેમાંથી બે લાખ કરતાં વધારે વિદ્યાર્થી અમેરિકા ગયા, એટલે કે, લગભગ 27 ટકા વિદ્યાર્થીઓ.જોકે, ઈ.સ. 2023માં વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા—અને તેમાં પણ અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા—ઈ.સ. 2024 કરતાં વધારે હતી. દરમિયાનમાં, એક સમાચાર પ્રમાણે, અમેરિકામાં ભણવા માટે વિઝા આપવામાં ઘટાડો થયો છે.
હવે કારણોની વાત કરીએ તો ગયા વર્ષે, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળમાં ઇઝરાયલ-ગાઝા યુદ્ધના વિરોધમાં અમેરિકાની ઘણી કૉલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધપ્રદર્શન થયાં હતાં. પોલીસે તેમાંના ઘણા વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે અમેરિકામાં વિદ્યાર્થીઓના અભ્યાસના વાતાવરણ વિશે સવાલ ઊભા થયા હતા. ચાલુ વર્ષે, જ્યારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી નીતિઓની સમીક્ષા, યુનિવર્સિટીઓ માટે ફંડિંગ સિસ્ટમમાં ફેરબદલ અને કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડો જેવા મુદ્દા સમાચારોમાં છવાયેલા રહ્યા છે.
યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં પીએચ.ડી. કરી રહેલા એક વિદ્યાર્થી 2023માં ભારતમાંથી ત્યાં ગયા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લાં થોડાંક અઠવાડિયાંથી કૅમ્પસમાં અનિશ્ચિતતા વધી છે. તેમણે જણાવ્યું કે, “અમને રોજ એક નવા ઑર્ડરની માહિતી મળે છે. વિદ્યાર્થીઓને એ નથી સમજાતું કે કાલે શું થશે? આવતા વર્ષે શું થશે? ક્યાંક ફંડમાં કાપ મુકાઈ રહ્યો છે, તો કોઈ યુનિવર્સિટી પોતાનું બજેટ ઘટાડવાની રીતો શોધી રહી છે. લોકો વિચારે છે કે, તેઓ પોતાનો ખર્ચ કઈ રીતે પ્લાન કરે? દરરોજ આ જ બધા મુદ્દાની ચર્ચા થઈ રહી છે. ઇ-મેલ આવી રહ્યા છે. જોકે, અમારી યુનિવર્સિટીના અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું છે કે, અમારા ફંડિંગ પર હાલ પૂરતી કશી અસર નહીં થાય.” છેલ્લા બે મહિનામાં, જુદાં જુદાં કારણો આપીને વહીવટી તંત્રે ઘણાં પગલાં ભર્યાં છે, જેણે અમેરિકાની યુનિવર્સિટીઓની મુશ્કેલીઓ વધારી છે.
જેમ કે, ફેબ્રુઆરીમાં વહીવટી તંત્રે જાહેરાત કરી હતી કે, બાયોમેડિકલ રિસર્ચ માટે સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને મળતી રકમમાં કાપ મૂકવામાં આવશે. એમ કહેવાયું કે, આ નિર્ણયથી ચાર અબજ ડૉલર (આશરે 34,400 કરોડ રૂપિયા)ની બચત થશે. ચાલુ મહિનાની શરૂઆતમાં સરકારે કોલંબિયા યુનિવર્સિટીને મળતા 400 મિલિયન ડૉલર (લગભગ 3,400 કરોડ રૂપિયા)ના ફંડને એમ કહીને અટકાવી દીધું કે ત્યાં યહૂદી ધર્મના વિદ્યાર્થીઓને હેરાન કરાતા હતા. ચાલુ વર્ષે 19 માર્ચે ટ્રમ્પ વહીવટી તંત્રએ યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની નીતિઓનો આધાર ટાંકીને સરકાર પાસેથી મળતા 175 મિલિયન ડૉલર (લગભગ 1,500 કરોડ રૂપિયા)ના ફંડિંગ પર પ્રતિબંધ મૂકી દીધો. આ પ્રકારના નિર્ણયોથી ઘણી સંસ્થાઓએ, જેમ કે, યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા, સ્ટૅન્ડફોર્ડ, નૉર્થ-વેસ્ટર્ને નવી નિમણૂકો અને બીજા બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ મૂકી દીધો છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
