Columns

અમેરિકાથી પાછા કાઢવામાં આવેલાં ભારતીયોનું ભવિષ્ય અંધકારમય બની જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાંની સાથે જ ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવાનું શરૂ કરી દીધું છે. જે ૧૦૩ ભારતવાસીઓ પરત ફર્યાં છે તેમાં ગુજરાતના સૌથી વધુ ૩૩ રહેવાસીઓ છે. હરિયાણાનાં પણ ૩૩ અને પંજાબનાં ૩૦ નાગરિકો પરત ફર્યાં છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે તેમણે જે લાખો રૂપિયા ખર્ચ્યા હતા તે બરબાદ થયા છે અને વધુમાં બદનામી મળી છે. આ તો હજુ શરૂઆત છે.

હજુ બીજાં સંખ્યાબંધ ભારતીયોને આ રીતે પાછાં કાઢવામાં આવશે. ગુજરાતનાં પરત આવનાર લોકોમાંથી મહેસાણા અને ગાંધીનગરનાં સૌથી વધુ લોકો છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી ૧૨ લોકો ગુજરાત પરત આવશે. સુરતમાંથી ૪, અમદાવાદમાંથી ૨ લોકો ગુજરાત પરત ફરશે. વડોદરા, ખેડા અને પાટણમાંથી એક-એક વ્યક્તિ પરત ફરશે. અમેરિકાથી પરત ફરનારાં ગુજરાતીઓમાં વડોદરાની મહિલાનો પણ સમાવેશ છે. પાદરાના લુણા ગામની મહિલા અમેરિકાથી વતન પરત ફરી છે.

આમ તો ગુજરાતમાંથી વર્ષોથી લોકો અમેરિકા જાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અમેરિકા ઘૂસવાના કિસ્સામાં ખૂબ જ વધારો થયો છે અને તેમાં પણ મહેસાણા જિલ્લાના ડિંગુચા ગામના પટેલ પરિવારનાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકોના અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા સમયે થયેલા મોતના સમાચારે અમેરિકા જવાના ડંકી રૂટ અને તેના ખતરાને લઇને ફરી એક વાર લોકો અને સરકારને હચમચાવી દીધા હતા. ગેરકાયદે અમેરિકા જવાના ક્રેઝમાં હજારો લોકો પોતાની જમીન, મકાન વેચે છે અને લાખોનું દેવું કરે છે.

આ પછી પણ અનેક દેશ ફર્યા બાદ અને આકરી મહેનત અને જીવના જોખમે માંડ માંડ અમેરિકા પહોંચે છે. લાખોનું દેવું કરીને ગેરકાયદે અમેરિકા ઘૂસેલાં લોકો જ્યારે ગુજરાત પાછાં આવશે ત્યારે તેઓ અહીં કેવી રીતે પોતાનો જીવનનિર્વાહ કરશે તે એક મોટો પ્રશ્ન બની રહે છે. અમેરિકા જવા માટે તેમણે પોતાની મિલકત અને લાખોનું દેવું કરી નાખ્યું હશે. તેમને આશા હશે કે અમેરિકામાં રહીને કામધંધો કરીને બધું સેટલ કરી દઇશું પણ હવે અમેરિકન સરકારના આ નિર્ણયે તેમનું આ સપનું તોડી નાખ્યું છે. આવાં અનેક લોકો જ્યારે ગુજરાત પાછાં આવશે ત્યારે તેમનો આવનારો સમય કપરો બની જશે.

અમેરિકાની ઘેલછા પરત ફરી રહેલાં ગુજરાતીઓને ભારે પડી રહી છે કેમ કે કોઈ પોતાનું ઘર વેચીને તો કોઈ માતા-પિતાને જાણ કર્યા વગર જ ગેરકાયદે અમેરિકા જતાં રહ્યાં હતાં અને હવે તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. જે ૩૩ ગુજરાતીઓને ભારત પરત મોકલાયાં છે એમાં ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલા ડાભલામાં રહેતી નિકિતા પટેલ પણ છે. તેના પિતા કનુ પટેલે કહ્યું હતું કે મારી દીકરી યુરોપની ટૂર પર ગઈ હતી, પણ તે અમેરિકા ગઈ છે એવું તેણે ફૅમિલીને કહ્યું નહોતું. એક મહિના પહેલાં યુરોપના વીઝા મેળવીને તે ફરવા ગઈ હતી. તેની સાથે છેલ્લે ૧૪-૧૫ જાન્યુઆરીએ વાત થઈ હતી એ સમયે તેણે યુરોપમાં હોવાની વાત કરી હતી. અમેરિકા જવાની કોઈ વાત કરી નહોતી. તેણે હમણાં એમ.એસ.સી.નો અભ્યાસ પૂરો કર્યો છે.

મૂળ મણુંદ ગામનો અને પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયેલા કેતુલ પટેલને પણ પરિવાર સાથે અમેરિકાથી પાછાં મોકલ્યાં છે. કહેવાય છે કે આ પરિવાર સુરતનું ઘર વેચીને અમેરિકા ગયો હતો. ગામમાં તેમની જમીન પણ છે. એક વર્ષ પહેલાં ખુશ્બૂ પટેલ નામની મહિલાનાં લગ્ન થયાં હતાં. મહિલાનો પતિ અને પરિવાર ૧૫ વર્ષથી અમેરિકામાં રહેતાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં જ મહિલાએ અમેરિકા માટે ફાઈલ મૂકી હતી. મહિલા હાલ ક્યાં છે તે અંગે તેના પિયરમાં કોઈ જ માહિતી નથી. છેલ્લા ૧૫ દિવસથી પરિવારજનો સાથે સંપર્ક થયો નથી.

અમેરિકામાં ગેરકાયદે રહેતા નડિયાદના સ્મિતકુમાર પટેલને પરત મોકલાયા છે. સ્મિતકુમારે જણાવેલા સરનામા પટેલ પાર્ક ખાતે કોઇ મળ્યું નહીં. જે સરનામું દર્શાવ્યું તેઓ મકાન વેચીને અન્ય જગ્યા પર રહેવા જતાં રહ્યાં છે. મહેસાણામાં ગેરકાયદે અમેરિકા ગયેલાં ગુજરાતીઓને પણ ડિપોર્ટ કરાયાં છે. ડિપોર્ટ કરાયેલાં ગુજરાતીઓમાં એક યુવતી ખેરવાની છે. યુવતીને ડિપોર્ટ કરાઈ હોવાની વાતથી પરિવારે અજાણ હોવાનો દાવો કર્યો છે. પરિવારે યુવતી સાથે થોડા દિવસ પહેલાં સંપર્ક થયો હોવાની વાત કરી છે. યુવતી ૭ મહિના પહેલાં અમેરિકા જવા રવાના થઈ હોવાની માહિતી આપી છે. પરિવાર અને યુવતી વચ્ચે એજન્ટ દ્વારા વાતચીત થતી હોવાની માહિતી આપવામાં આવી છે.

ભારતીય ઘૂસણખોરોને લઈને એક ફ્લાઇટ ભારતના અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગઈ છે. ભારતીય નાગરિકોને લઈને સી-૧૭ વિમાને ભારતીય સમય મુજબ સવારે ૩ વાગ્યે ટેક્સાસના સાન એન્ટોનિયોથી ઉડાન ભરી હતી. આ ભારતીયો હવે ભારત પાછાં ફર્યાં છે. ઘૂસણખોરોને લશ્કરી વિમાનો દ્વારા અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યાં છે. અમેરિકામાં દેશનિકાલ માટે લશ્કરી વિમાનનો ઉપયોગ અસામાન્ય છે અને તે ખૂબ ખર્ચાળ પણ છે. જો બંને વિમાનોના ખર્ચની સરખામણી કરવામાં આવે તો અમેરિકન લશ્કરી વિમાનોની કિંમત ઘણી વધારે છે.

તાજેતરમાં, ગ્વાટેમાલાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લશ્કરી વિમાન દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાનો ખર્ચ પ્રતિ વ્યક્તિ ૪,૬૭૫ ડોલર હતો, જે નાગરિક વિમાનના ખર્ચ કરતાં પાંચ ગણો વધારે છે. ૧૩૫ ઘૂસણખોરને નાગરિક વિમાન દ્વારા પાછા મોકલવા માટે પ્રતિ કલાક લગભગ ૧૭,૦૦૦ ડોલર ખર્ચ થાય છે. જો મુસાફરીમાં ઓછામાં ઓછા ૫ કલાક લાગે તો ખર્ચ ૮૫ હજાર ડોલર સુધી પહોંચે છે. જો અમેરિકન આર્મીના સી-૧૭ વિમાનોનો ઉપયોગ કરવામાં આવે તો તેનો ખર્ચ પ્રતિ કલાક ૨૮,૫૦૦ ડોલર થાય છે.

ગેરકાયદેસર ઘૂસણખોરોને મોકલવા માટે ભારત સૌથી લાંબો રસ્તો છે. ભારત પહેલાં અમેરિકી લશ્કરી વિમાનો ગેરકાયદેસર ઘૂસણખોરોને છોડવા માટે ગ્વાટેમાલા, પેરુ, હેન્ડ્રેસ અને ઇક્વાડોર જઈ ચૂક્યા છે. કોલંબિયા પણ આ દેશોમાં સામેલ હતું પરંતુ તે ઇચ્છતું ન હતું કે તેના નાગરિકો આર્મીનાં વિમાનોમાં પાછાં ફરે. તેથી કોલંબિયાએ તેનાં નાગરિક વિમાનો અમેરિકા મોકલ્યાં હતાં, જેમાં તેના નાગરિકો સન્માન સાથે તેમના દેશમાં પાછાં ફર્યાં હતાં. ભારતે પણ જો ધાર્યું હોત તો નાગરિક વિમાન મોકલીને તેનાં નાગરિકોને સન્માન સહિત લાવ્યું હોત, પણ તેમને ગુનેગારોની જેમ હાથપગ બાંધીને લશ્કરી વિમાનોમાં પાછાં મોકલવામાં આવી રહ્યાં છે. આમ કરવાથી દુનિયાભરમાં સંદેશો ગયો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર વસાહતીઓ અંગે ખૂબ જ કડક છે.


વર્ષ ૨૦૨૧માં આ પ્રકારનાં ગેરકાયદે રીતે આવેલાં ૪,૩૩૦ ભારતીય નાગરિકોએ અમેરિકાના આશ્રય માટે અરજી કરી હતી, જેમાંથી ૧,૩૩૦ની અરજીને માન્ય રાખીને અમેરિકામાં રહેવાની અનુમતિ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં આ આંકડો ત્રણ ગણો થયો હતો. જેમાં ૧૪,૫૭૦ ગેરકાયદે રીતે ઘૂસેલા ભારતીય નાગરિકોએ આશ્રય માટે અરજી કરી હતી, જેમાંથી ૪,૨૬૦ને માન્યતા મળી હતી. ત્રણ વર્ષ પહેલાં અરજી કરનારાઓની સંખ્યા માત્ર ૪,૩૩૦ હતી. જે ત્રણ જ વર્ષ બાદ આઠ ગણી વધી ગઈ છે. ૪,૩૩૦માંથી આશ્રય માટે એપ્લાય કરનારા સીધા ૪૧,૩૩૦ પહોંચી ગયા છે. જેની સામે અમેરિકન સરકારે ત્રણ વર્ષ પહેલાં ૨૫ ટકા નાગરિકોને માન્યતા આપી હતી જેની સામે હાલમાં ફક્ત ૧૩ ટકા નાગરિકોને માન્યતા આપી છે. હાલમાં અમેરિકન સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ તેણે ૨૦૨૩માં ૪૧,૩૩૦ ભારતીય નાગરિકોમાંથી ૫,૩૪૦ને આશ્રય આપ્યો છે, જેમાંથી ૩૫,૯૯૦ નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો છે. હવે તેમના ભારત પાછા ફરવાની રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top