વડોદરા: વડોદરા શહેરમાં વસતા એક ગરીબ પરિવારના સભ્યનું નિધન થતા સામાજિક કાર્યકર દ્વારા અંતિમ ક્રિયાની તમામ મદદ પુરી પાડી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મંગલપાંડે બ્રિજની આસપાસ કેટલાક શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે.દરમિયાન આજે આ પરિવારો પૈકી એક શ્રમજીવી પરિવારના સભ્યનું અવસાન થતાં પરિવારની મદદથી આગળ આવેલ સામાજીક કાર્યકર કમલેશ પરમારે અંતિમ ક્રિયાની તમામ મદદ પુરી પાડી હતી.અને સાથે સાથે ખાસવાડી સ્મશાન તથા ફાયરબ્રિગેડની કામગીરીને પણ બિરદાવી હતી.રાત્રી બજાર પાછળ રહેતા શ્રમજીવી પરિવાર કે જે રોજે રોજ કમાઈ ખાનારો વર્ગ છે કદી તો તેમના પેટમાં એક ટંક ભોજનનો નવાલો પણ નસીબ થતો નથી.
આવા જ એક પરિવારના સભ્યનું આકસ્મિક અવસાન થતાં તેઓ મૃતકની અંતિમ ક્રિયા કરવા માટે પણ સક્ષમ ન હોય તત્કાલ આ બાબતની જાણ સામાજિક કાર્યકર જે પોતે એક ગરીબ પરિવારનો દીકરો હોય કમલેશ પરમાર માનવતાના ધોરણે તેના સાથી મિત્રો સાથે શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં દોડી ગયો હતો.અને તાબડતોબ ફાયરબ્રિગેડને જાણ કરી અંતિમવાહીની બોલાવી મૃતદેહને ખાસવાડી સ્મશાન ખાતે લઈ જવાયો હતો જ્યાં ફરજ પર હાજર સ્ટાફ દ્વારા પણ જન સેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરી છાણા અને લાકડા વિના મૂલ્યે આપ્યા હતા.