T20 વર્લ્ડ કપનું (Wprld Cup) આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં થયું હતું. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ જીતી અને રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતની જીત સાથે જ કરોડો ભારતીય ચાહકોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂરું થયું. ટીમ ઈન્ડિયા 4 જુલાઈએ રોહિત શર્મા સાથે ભારત પહોંચી હતી. જ્યાં દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો વીડિયો હવે સામે આવ્યો છે.
પીએએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથેની તેમની મુલાકાત દરમિયાન દરેક સાથે વાત કરી અને તેમના અનુભવો વિશે જાણ્યું. તેમણે પહેલા રાહુલ દ્રવિડ અને પછી રોહિત શર્મા સાથે વાત કરી. આ પછી તેમણે દરેક ખેલાડી સાથે વાત કરી અને તેમના અનુભવ વિશે જાણ્યું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ટીમ સિવાય ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, BCCI સેક્રેટરી જય શાહ અને BCCI પ્રમુખ રોજર બિન્ની પણ PM મોદી સાથે જોવા મળી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ દરેક ખેલાડી સાથે વાત કરી હતી. એટલું જ નહીં તેમના દરેકના અનુભવ પણ જાણ્યા હતા. સાથેજ તેમના પરિવાર, તેમની પરિસ્થિતિ અને તેમની ક્ષમતા વિશે પણ વાતો કરી હતી. પીએમ મોદીએ રિષભ પંતના ઘાયલ થવા પર તેમની માતા સાથે થયેલી વાત જણાવી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવના પિતાના પણ વખાણ કર્યા હતા. પીએમ મોદીએ તમામ ખેલાડીઓના પ્રદર્શનની માહિતી પણ લીધી હતી અને દરેક ક્ષણ વિશે વાત કરી ખેલાડીઓના વખાણ કર્યા હતા.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોરદાર રહ્યું
ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું હતું. આ દરમિયાન રોહિત શર્મા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં એમએસ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે વર્લ્ડ કપ દરમિયાન પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના ટાઈટલ જીત્યું હતું. ભારતે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.